પ્રિઝમે રૂ. 6,650 કરોડના ફ્રેશ ઈશ્યૂ માટે IPO પેપર્સ ફાઇલ કર્યા

અમદાવાદ, 1 જુલાઇઃ ગ્લોબલ હોસ્પિટાલિટી ટેક્નોલોજી કંપની પ્રિઝમે (PRISM) (OYOની પેરેન્ટ કંપની) સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સમક્ષ તેનું અપડેટેડ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ-I (યુડીઆરએચપી-1) ફાઇલ કર્યું છે. પ્રસ્તાવિત આઈપીઓમાં રૂ. 6,650 કરોડ સુધીના શેરોના ફ્રેશ ઈશ્યૂનો સમાવેશ થાય છે અને તેમાં હાલના શેરધારકો દ્વારા કોઈ વેચાણ માટેની ઓફર રાખવામાં આવી નથી. કંપની રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ સમક્ષ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (આરએચપી) ફાઇલ કરતા પહેલાં રૂ. 1,330 કરોડ સુધીનું પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ પણ લાવવાની વિચારણા કરી શકે છે. જો આવું પ્લેસમેન્ટ કરવામાં આવશે તો પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટમાંથી મળેલી રકમ ફ્રેશ ઈશ્યૂની રકમમાંથી ઘટાડવામાં આવશે.

યુડીઆરએચપી-1 અનુસાર, કંપની પ્રાપ્ત થનારી કુલ રકમમાંથી રૂ. 4987.5 કરોડની રકમ વર્તમાન ઋણની ચુકવણી અથવા પૂર્વચુકવણી માટે ઉપયોગમાં લેવાનો પ્રસ્તાવ ધરાવે છે. બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે. કંપનીના શેર એનએસઈ અને બીએસઈ પર લિસ્ટ કરવાની યોજના છે.

દસ્તાવેજો દર્શાવે છે કે પ્રિઝમે મોટા પાયે વિસ્તરણ સાથે નફાકારકતામાં પણ નોંધપાત્ર સુધારો કર્યો છે. 31 ડિસેમ્બર, 2025ના રોજ પૂર્ણ થયેલા નવ મહિનાના ગાળા (9MFY26) દરમિયાન કંપનીએ કામગીરીમાંથી રૂ. 6,941 કરોડની આવક નોંધાવી હતી, જે નાણાંકીય વર્ષ 2025ની સમગ્ર વર્ષની રૂ. 6,259 કરોડની આવક કરતાં 11 ટકા વધુ હતી. પ્રિઝમે નાણાંકીય વર્ષ 2026ના નવ મહિનામાં રૂ. 748 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જ્યારે નાણાંકીય વર્ષ 2025માં આ આંકડો રૂ. 245 કરોડ હતો.

નાણાંકીય વર્ષ 2026ના નવ મહિનામાં કંપનીની એબિટા રૂ. 2,127 કરોડ રહી હતી, જ્યારે નાણાંકીય વર્ષ 2025માં તે રૂ. 953 કરોડ હતી. નાણાંકીય વર્ષ 2026ના નવ મહિનામાં અસાધારણ બાબતો, શેર આધારિત ચૂકવણી ખર્ચ અને અન્ય આવકને બાદ કરતાં એબિટા રૂ. 1,968 કરોડ રહી હતી, જે નાણાંકીય વર્ષ 2025ના સમગ્ર વર્ષના રૂ. 1,095 કરોડના આંકડા કરતાં 80 ટકા વધુ છે અને તે પણ નવ મહિનાના આંકડાને વાર્ષિક ધોરણે ગણતરી કર્યા વિના.

કંપની 35થી વધુ દેશોમાં 43 બ્રાન્ડ્સનું સંચાલન કરે છે. 31 ડિસેમ્બર, 2025 સુધીમાં તેના નેટવર્કમાં 24,303 હોટેલ, 1,24,668 હોમ્સ અને 1,44,583 લિસ્ટિંગ્સનો સમાવેશ થતો હતો, જેમાં ભારતમાં 14,937 સ્ટોરફ્રન્ટ્સ સામેલ છે. 2012માં સ્થાપના પછીથી કંપનીએ 11.936 કરોડ અનન્ય ગ્રાહકોને સેવા આપી છે, જેમાંથી અંદાજે 68 ટકા માંગ સીધી ગ્રાહકો પાસેથી મળી છે. ભારતમાં કંપની-સર્વિસ્ડ હોટેલ સ્ટોરફ્રન્ટ્સની સંખ્યા 31 માર્ચ, 2025ના 1,053થી વધીને 31 ડિસેમ્બર, 2025 સુધીમાં 1,573 થઈ ગઈ હતી. નાણાંકીય વર્ષ 2026ના નવ મહિના દરમિયાન ભારતના કંપની-સર્વિસ્ડ હોટેલ્સની ગ્રોસ બુકિંગ વેલ્યુ (જીબીવી) રૂ. 1346.45 કરોડ રહી હતી, જે નાણાંકીય વર્ષ 2025ના સમગ્ર વર્ષના રૂ. 818.23 કરોડની સરખામણીએ લગભગ 65 ટકા વધુ છે. કંપની-સર્વિસ્ડ હોટેલ્સનો પ્રિઝમના ભારતના કુલ જીબીવીમાં 49.29 ટકાનો ફાળો રહ્યો હતો. કંપની Sunday, Palette, Clubhouse, Townhouse અને Townhouse Oak જેવી બ્રાન્ડ્સ હેઠળ આ મોડેલનું વિસ્તરણ કરી રહી છે.

પ્રિઝમનો અમેરિકન વ્યવસાય જી6 હોસ્પિટાલિટીના હસ્તાંતરણ બાદ વૃદ્ધિનું એક મુખ્ય કેન્દ્ર બની ગયો છે. જી6 હોસ્પિટાલિટી અમેરિકા અને કેનેડામાં Motel 6 અને Studio 6 બ્રાન્ડ્સનું સંચાલન કરે છે. નાણાંકીય વર્ષ 2026ના નવ મહિના દરમિયાન અમેરિકન વ્યવસાયની જીબીવી રૂ. 12,022.51 કરોડ રહી હતી. આ નાણાંકીય વર્ષ 2025ના સમગ્ર વર્ષના રૂ. 4,712.83 કરોડના અમેરિકન જીબીવી કરતાં લગભગ 155 ટકા વધુ છે. નવ મહિનાના ગાળા દરમિયાન પ્રિઝમના વૈશ્વિક જીબીવીમાં અમેરિકાનો ફાળો 52.39 ટકા રહ્યો હતો.

પ્રિઝમે યુરોપમાં હોમ્સ અને લિસ્ટિંગ્સ વ્યવસાય દ્વારા પણ નોંધપાત્ર વિસ્તરણ કર્યું છે. 31 માર્ચ, 2025ના 2,08,901ની સરખામણીએ 31 ડિસેમ્બર, 2025 સુધીમાં યુરોપમાં કંપનીના હોમ્સ અને લિસ્ટિંગ્સની સંખ્યા વધીને 2,69,251 થઈ હતી.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)