સ્વીસ એગ્રીટેક અગ્રણી ઇનોટેરા AGની પેટાકંપની ઇનોટેરા લિમિટેડે SEBIમાં DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 3 જુલાઇઃ બીટુબી દૂધ ખરીદી પ્લેટફોર્મ ઇનોટેરા લિમિટેડે (જે અગાઉ મિલ્કલેન ડેરી સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ તરીકે ઓળખાતી હતી), સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. આ ઓફરમાં રૂ. 105.00 કરોડ સુધીના ફ્રેશ ઇશ્યૂ ઉપરાંત વેચાણકર્તા શેરધારકો મિલ્કલેન હોલ્ડિંગ પીટી. લિમિટેડ અને મહાઇકો પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 70,55,315 ઇક્વિટી શેરની વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.

કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત થનારી ચોખ્ખી રકમનો ઉપયોગ તેના વ્યૂહાત્મક વિકાસ અને કામગીરી સંબંધિત જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કરવાની યોજના ધરાવે છે. તેમાં રૂ. 10.69 કરોડની રકમ નવા બલ્ક મિલ્ક કલેક્શન સેન્ટરો સ્થાપવા અને/અથવા હાલના કેન્દ્રોમાં બલ્ક મિલ્ક કૂલિંગ યુનિટ્સને બદલવા માટે મૂડી ખર્ચ તરીકે ફાળવવામાં આવી છે. ઉપરાંત, રૂ. 54.75 કરોડનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતો પૂરી કરવા માટે કરવામાં આવશે, જ્યારે બાકીની રકમ સંભવિત વણ-ઓળખાયેલી સંપાદન તકો તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે.

ઇનોટેરા એક ટેક્નોલોજી આધારિત અને એસેટ-લાઇટ એગ્રી-ફૂડ પ્લેટફોર્મ તરીકે કામ કરે છે, જે ખેડૂતોને વિવિધ કોર્પોરેટ ગ્રાહકો સાથે જોડે છે. તેનો મુખ્ય વ્યવસાય મિલ્કલેન પ્લેટફોર્મ હેઠળ કાચા દૂધની ખરીદી અને પુરવઠાનો છે, જેના માધ્યમથી સંસ્થાકીય ગ્રાહકોને એફ્લાટોક્સિન-સુરક્ષિત અને એન્ટિબાયોટિક-સુરક્ષિત કાચું દૂધ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કંપની તેના ‘મિલ્કલેન આયુષ’ બ્રાન્ડ હેઠળ વૈજ્ઞાનિક રીતે તૈયાર કરાયેલી પશુઓના પોષણ માટેની પ્રોડક્ટ્સ પણ પૂરી પાડે છે. ઉપરાંત, તે ફાર્મલિંક પ્લેટફોર્મ મારફતે તાજા ફળો અને અનાજ સહિતની કૃષિ પેદાશોની ખરીદી અને સપ્લાયનું સંચાલન કરે છે, જેમાં તેની પ્રીમિયમ ‘હેપી ફ્રૂટ્સ’ અને ‘અમરાહ’ બ્રાન્ડનો પણ સમાવેશ થાય છે.

કંપનીએ અનેક મહત્વપૂર્ણ વ્યાવસાયિક ભાગીદારીઓ વિકસાવી છે, જેમાં મિલ્કી મિસ્ટ ડેરી ફૂડ લિમિટેડ સાથે કાચા ઠંડા દૂધના પુરવઠા માટેનો મુખ્ય ઓફટેક કરાર સામેલ છે. ઉપરાંત, કંપની ઇન્ટરનેશનલ લાઇવસ્ટોક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સાથે મળીને બાયોટેક્નોલોજી આધારિત પશુ આહાર ઉકેલો વિકસાવવા માટે સંયુક્ત સંશોધન પણ કરી રહી છે. 31 ડિસેમ્બર, 2025ની સ્થિતિએ કંપની તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં કુલ 122 બલ્ક મિલ્ક કલેક્શન સેન્ટરોનું સંચાલન કરતી હતી. કંપનીના ફાર્મલિંક વ્યવસાયને બેંગાલુરુ, ચંદીગઢ, લખનૌ અને દિલ્હીમાં આવેલા વિતરણ કેન્દ્રોનો આધાર પ્રાપ્ત છે, જે ગુણવત્તા જાળવણી અને ઉત્પાદનોની શેલ્ફ-લાઇફ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

1Lattice રિપોર્ટ અનુસાર, ભારતીય ડેરી બજાર નાણાંકીય વર્ષ 2030 સુધીમાં અંદાજે 10.27 ટકા સીએજીઆરની વૃદ્ધિ સાથે રૂ. 17.75 ટ્રિલિયનના કદ સુધી પહોંચવાની સંભાવના છે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે 31 માર્ચ, 2025ના રોજ પૂર્ણ થયેલા નાણાંકીય વર્ષ માટે ઇનોટેરા લિમિટેડે તેના એગ્રીટેક પ્લેટફોર્મ ક્ષેત્રની સમકક્ષ કંપનીઓની સરખામણીએ સૌથી ઊંચો નેટ એસેટ ટર્નઓવર રેશિયો (4.99 ગણો) અને સૌથી ઓછા નેટ વર્કિંગ કેપિટલ દિવસો (9 દિવસ) નોંધાવ્યા હતા.

ઇનક્રેડ કેપિટલ વેલ્થ પોર્ટફોલિયો મેનેજર્સ પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂ માટે એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)