વિઝિન્ઝમ પોર્ટ પર નિકાસ-આયાત (EXIM) કામગીરીનો પ્રારંભ
તિરુવનંતપુરમ, 120 ઓગસ્ટ 2026: ભારતના દરિયાઈ વેપાર ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ઘટના તરીકે વિઝિન્ઝમ ઇન્ટરનેશનલ સીપોર્ટે સંપૂર્ણ નિકાસ-આયાત (EXIM) કામગીરીનો પ્રારંભ કર્યો છે. આ સાથે વિઝિન્ઝમ માત્ર ટ્રાન્સશિપમેન્ટ હબ પૂરતું મર્યાદિત ન રહી, ભારતીય નિકાસકારો અને આયાતકારોને વૈશ્વિક બજારો સાથે સીધું જોડતું મહત્વપૂર્ણ ગેટવે બની ગયું છે.
કેરળના મુખ્યમંત્રી વી.ડી. સતીશન, ઉદ્યોગ મંત્રી પી.કે. કુંહાલિકુટ્ટી, ધારાસભ્ય એમ. વિન્સેન્ટ, ભારત સરકારના મેરિટાઇમ એડમિનિસ્ટ્રેશનના ડાયરેક્ટર જનરલ શ્યામ જગન્નાથન (IAS), મેરિટાઇમ ક્ષેત્રના ભાગીદારો અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કામગીરીની શરૂઆત કરવામાં આવી. EXIM કામગીરીથી હવે આંતરરાષ્ટ્રીય શિપિંગ સેવાઓ વચ્ચે ટ્રાન્સશિપમેન્ટ ઉપરાંત, ભારતમાં આવતા અને ભારતમાંથી જતા કાર્ગોનું પણ સીધું સંચાલન શક્ય બનશે.

આ પ્રસંગે કેરળના મુખ્યમંત્રી વી.ડી. સતીશને જણાવ્યું હતું કે, “આ અમારા માટે ગર્વની ક્ષણ છે અને વિઝિન્ઝમ હવે વિશ્વ માટે એક ગેટવે છે. મિશન સમુદ્ર, મજબૂત રોડ-રેલ કનેક્ટિવિટી અને મોટા ખાનગી રોકાણો દ્વારા આ તકનો મહત્તમ લાભ લેવાનો સમય આવી ગયો છે. સરકાર રિંગ રોડ માટે જમીન સંપાદન કરવા ₹3,200 કરોડ ફાળવશે, જ્યારે ખાનગી રોકાણ લાવવા માટેની ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે.”
અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)ના CEO અને હોલ-ટાઇમ ડાયરેક્ટર અશ્વિની ગુપ્તાએ જણાવ્યું હતું કે, “વિઝિન્ઝમ કેરળની પ્રતિભા, ભારતના સાહસ અને લાખો લોકોની આકાંક્ષાઓને વૈશ્વિક બજારો સાથે જોડતો નવો ગેટવે છે.” તેમણે ઉમેર્યું કે આ પોર્ટ માત્ર કાર્ગો હેન્ડલિંગ માટે નથી, પરંતુ આત્મનિર્ભરતા, વૈશ્વિક સ્પર્ધાત્મકતા અને દરિયાઈ ક્ષેત્રે ભારતના નેતૃત્વને મજબૂત બનાવવાનો પ્રયાસ છે.
વિઝિન્ઝમમાં અદાણી ગ્રૂપનું રોકાણ કેરળના ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત વિકાસ પ્રત્યેની તેની લાંબા ગાળાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. બીજા તબક્કાના રોકાણ સાથે આ પ્રોજેક્ટમાં ગ્રૂપનું સંચિત રોકાણ ₹30,000 કરોડ સુધી પહોંચશે, જે કેરળમાં કોઈપણ બિઝનેસ હાઉસ દ્વારા કરવામાં આવેલું સૌથી મોટું રોકાણ માનવામાં આવે છે.
હાલમાં ભારતનો 75 ટકાથી વધુ કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ કાર્ગો વિદેશી બંદરો મારફતે હેન્ડલ થાય છે, જેના કારણે સમય અને લોજિસ્ટિક્સ ખર્ચ બંને વધે છે. વિઝિન્ઝમની EXIM કામગીરી આ નિર્ભરતા ઘટાડવામાં અને ભારતને પોતાના દરિયાઈ વેપારમાંથી વધુ મૂલ્ય જાળવી રાખવામાં મદદરૂપ થશે.
મુખ્ય પૂર્વ-પશ્ચિમ શિપિંગ રૂટ્સની નજીક આવેલું વિઝિન્ઝમ વૈશ્વિક સ્તરે કામ કરવાની તેની ક્ષમતા અગાઉ જ સાબિત કરી ચૂક્યું છે. 3 ડિસેમ્બર 2024 ના રોજ તેની વ્યાપારી કામગીરી શરૂ થઈ હતી અને ત્યારથી આ બંદરે 2.28 મિલિયનથી વધુ TEUs કન્ટેનર અને 1,100 થી વધુ જહાજોનું સંચાલન કર્યું છે, જેમાં 80 થી વધુ અલ્ટ્રા લાર્જ કન્ટેનર વેસલ્સ (ULCVs) શામેલ છે. આ પોર્ટે માત્ર 10 મહિનામાં 1 મિલિયન TEUs અને 18 મહિનામાં 2 મિલિયન TEUs નો આંકડો પાર કર્યો હતો. તેણે ભારતમાં આવનારા સૌથી મોટા કન્ટેનર જહાજ ‘MSC Irina’ (399.99 મીટર લાંબુ અને 24,346 TEUs ક્ષમતા ધરાવતું) નું પણ સફળ સંચાલન કર્યું હતું.
શરૂઆતમાં આ EXIM કામગીરીનો લાભ કેરળ, તમિલનાડુ અને કર્ણાટકને મળશે, જેનાથી દક્ષિણ ભારતના ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય શિપિંગ નેટવર્કની સીધી પહોંચ મળશે. આ બંદર બેંગલુરુ, કોઈમ્બતુર અને તિરુપ્પુર જેવા ઉત્પાદન અને વ્યાપારી કેન્દ્રોની સ્પર્ધાત્મકતા વધારશે, જ્યારે લોજિસ્ટિક્સ, વેરહાઉસિંગ, ફ્રેટ ફોરવર્ડિંગ અને સંબંધિત સેવાઓની માંગને વેગ આપશે. આ વિકાસથી દરિયાઈ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે 5,000 થી વધુ નવી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો પણ ઊભી થશે.
આગામી તબક્કો વિઝિન્ઝમની ક્ષમતા અને સહાયક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વધુ વિસ્તાર કરશે. ₹16,000 કરોડના બીજા તબક્કાના વિસ્તરણથી વાર્ષિક ક્ષમતા વધીને 5.7 મિલિયન TEUs થશે, જેમાં 1,200 મીટરની નવી કન્ટેનર બર્થ ઉમેરાશે. આ ઉપરાંત કાયમી રેલ કનેક્ટિવિટી, બહેતર રોડ કનેક્ટિવિટી, લોજિસ્ટિક્સ પાર્ક, વેરહાઉસિંગ અને અન્ય સહાયક સુવિધાઓ લાવવામાં આવશે. ડિસેમ્બર 2028 સુધીમાં આ સંપૂર્ણ તબક્કાના વિકાસને પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
વિઝિન્ઝમનું EXIM ગેટવે તરીકેનું રૂપાંતર ભારતના વૈશ્વિક વેપાર માટે નવી દિશા ખોલે છે. આ વિકાસ દક્ષિણ ભારતના ઉદ્યોગોને વધુ ઝડપી, કાર્યક્ષમ અને સ્પર્ધાત્મક શિપિંગ વિકલ્પો આપશે, સાથે જ કેરળને ભારતના મેરિટાઇમ અને લોજિસ્ટિક્સ નકશા પર વધુ મજબૂત સ્થાન અપાવશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
