અદાણી ગ્રુપ અને વિશાખા ગ્રુપ દ્વારા પ્રમોટ કરાયેલી વિશાખા રિન્યુએબલ્સે SEBIમાં IPO માટે દસ્તાવેજો રજૂ કર્યા
અદાણી ગ્રુપ અને વિશાખા ગ્રુપની સંસ્થાઓ દ્વારા પ્રમોટ કરવામાં આવેલી સોલર મોડ્યુલના મહત્વપૂર્ણ ઘટકોની ઉત્પાદક કંપની વિશાખા રિન્યુએબલ્સ લિમિટેડે પ્રસ્તાવિત IPO માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)માં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) રજૂ કર્યું છે. આ કંપની ‘વિશાખા ગ્રુપ’ અને ‘અદાણી ગ્રુપ’ની કંપનીઓ દ્વારા સંયુક્ત રીતે પ્રમોટ કરવામાં આવે છે.
આ IPOમાં કુલ રૂ. 1,250 કરોડ સુધીના ઈક્વિટી શેરનો ફ્રેશ ઈશ્યૂ અને શેર વેચનારા શેરધારકો દ્વારા 1.82 કરોડ સુધીના ઈક્વિટી શેરની ઓફર ફોર સેલ (ઓએફએસ) સામેલ છે. ઓફરમાં અદાણી પ્રોપર્ટીઝ પ્રાઇવેટ લિમિટેડ પ્રમોટર તેમજ પ્રમોટર શેર વેચનારા શેરધારક તરીકે સામેલ છે. કંપની રૂ. 250 કરોડ સુધીનું પ્રી-IPO પ્લેસમેન્ટ પણ હાથ ધરવાનું વિચારી શકે છે. જો આવું કરવામાં આવશે તો ફ્રેશ ઈશ્યૂનું કદ એટલું ઘટી જશે.
કંપની ઇશ્યૂમાંથી મળનારી કુલ આવકમાંથી રૂ. 900 કરોડનો ઉપયોગ ચોક્કસ લોન અને અન્ય ઉધારની ચુકવણી અને/અથવા અગાઉથી ચુકવણી માટે કરવાની દરખાસ્ત ધરાવે છે, જ્યારે બાકીની રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. 30 જૂન, 2026ના રોજ કંપની પર કુલ રૂ. 2,700.57 કરોડનું કોન્સોલિડેટેડ બાકી દેવું હતું.

ક્રિસિલના રિપોર્ટ મુજબ, 31 માર્ચ, 2026ના રોજ વિશાખા રિન્યુએબલ્સ ભારતમાં સોલર ગ્લાસની બીજી સૌથી મોટી ઉત્પાદક કંપની હતી, જેની સ્થાપિત ઉત્પાદન ક્ષમતા 660 ટીપીડી હતી. તે 23.20 મિલિયન લિનિયર મીટરની ક્ષમતા સાથે ઈવીએ/ઈપીઈ એન્કેપ્સ્યુલન્ટની બીજી સૌથી મોટી ઉત્પાદક કંપની અને 14,508.75 ટીપીએની સ્થાપિત ક્ષમતા સાથે ભારતમાં એલ્યુમિનિયમ ફ્રેમની સૌથી મોટી ઉત્પાદક કંપની હતી. આ ઉપરાંત, તે ભારતમાં ટોચની 10 બેકશીટ ઉત્પાદક કંપનીઓમાં પણ સામેલ હતી.
કંપની સોલાર મોડ્યુલમાં ઉપયોગમાં લેવાતા છ મુખ્ય ઘટકોમાંથી ચાર ઘટકોના ઉત્પાદન ક્ષેત્રમાં કાર્યરત છે. ક્રિસિલના રિપોર્ટ મુજબ, 31 માર્ચ, 2026ના રોજ સંયુક્ત સ્થાપિત ઉત્પાદન ક્ષમતાના આધારે વિશાખા રિન્યુએબલ્સ ભારતમાં સૌથી મોટી સોલર કમ્પોનન્ટ ઉત્પાદક કંપની (સેલ સિવાય) હતી. તેના ચારેય પ્રોડક્ટ કેટેગરી મળીને બાયફેશિયલ સોલર મોડ્યુલની સરેરાશ કિંમતના આશરે 40થી 45 ટકા જેટલો હિસ્સો ધરાવે છે.
વિશાખા રિન્યુએબલ્સ તેની ઉત્પાદન ક્ષમતામાં પણ સતત વધારો કરી રહી છે. કંપનીની સોલર ગ્લાસ ઉત્પાદન ક્ષમતા 660 ટીપીડી (4.40 ગીગાવોટ)થી વધારીને 1,920 ટીપીડી (12.80 ગીગાવોટ) કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, એલ્યુમિનિયમ ફ્રેમ અને એન્કેપ્સ્યુલન્ટની ઉત્પાદન ક્ષમતામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. ડીઆરએચપીમાં જણાવ્યા મુજબ, સોલર ગ્લાસ ઉત્પાદન ક્ષમતાના વિસ્તરણનું કામ પૂર્ણ થયા બાદ કંપનીની ઉત્પાદન સુવિધાઓમાં ભારતની સૌથી મોટી કાર્યરત સોલર ગ્લાસ ફરનેસ હોવાની અપેક્ષા છે.
કંપનીએ મુંદ્રા સોલર પીવી લિમિટેડ અને મુંદ્રા સોલર એનર્જી લિમિટેડ સાથે લાંબા ગાળાના ઓફટેક કરાર પણ કર્યા છે. તેમાં કંપનીની ફેઝ-1 સુવિધામાંથી સોલર ગ્લાસ માટે 15 વર્ષનો ‘ટેક-ઓર-પે’ કરાર, એલ્યુમિનિયમ ફ્રેમ માટે 8.5 વર્ષનો કરાર અને ફેઝ-2 સુવિધામાંથી સોલર ગ્લાસ માટે 17 વર્ષનો કરાર સામેલ છે. આ કરારો હેઠળ ઓછામાં ઓછા નિર્ધારિત જથ્થાની ખરીદી કરવાની પ્રતિબદ્ધતા છે અને તેનો હેતુ કંપનીના ઉત્પાદનોની માંગ અંગે વધુ સ્પષ્ટતા પૂરી પાડવાનો છે.
કંપની ગુજરાતના મુંદ્રા ખાતે પોતાની ઉત્પાદન સુવિધાઓ ચલાવે છે. આ સુવિધાઓ તેના મુખ્ય ઓફટેક કરનારા ગ્રાહકો અને મુંદ્રા પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનની નજીક આવેલી છે. 31 માર્ચ, 2026ના રોજ કંપનીના કુલ 99 ગ્રાહકો હતા.
એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ અને આઈઆઈએફએલ કેપિટલ સર્વિસીસ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ છે, જ્યારે એમયુએફજી ઈન્ટાઇમ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ ઓફરની રજિસ્ટ્રાર છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
