અદાણી ગ્રીન એનર્જીએ બેટરી સ્ટોરેજ ક્ષમતા વધારી ૬.૬૩ GWh કરી
અમદાવાદ, ૦૧ ઓક્ટોબર ૨૦૨૬: ભારતની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની, અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) એ ગુજરાતના ખાવડા સ્થિત તેની કાર્યરત બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) ક્ષમતામાં જૂન ૨૦૨૬માં ૩.૫૫ GWh થી વધારીને ૬.૬૩ ગીગાવોટ-અવર કરી છે. આ સાથે ભારતની અંદાજે કુલ ૧૨.૬ GWh ની કાર્યરત BESS ક્ષમતામાં AGEL નો હિસ્સો હવે ૫૦% થી વધુ છે. ક્ષમતામાં આ સિદ્ધિ ખાવડાને વિશ્વના એક જ સ્થળે સ્થિત સૌથી વિરાટ કાર્યરત બેટરી એનર્જી સ્ટોરેજ ઇન્સ્ટોલેશન તરીકે મજબૂત બનાવે છે, જેમાં ૬.૬૩ GWh ની કાર્યરત ક્ષમતા શામેલ છે.
કંપનીએ ગુજરાતના ખાવડા ખાતે BESS નું ઓન-સાઇટ નિર્માણ શરૂ કર્યાના ૧૪ માસમાં જ ૬.૬૩ GWh નો સીમાચિહ્ન આંક હાંસલ કર્યો છે. ક્ષમતામાં કરવામાં આવેલો તાજેતરનો આ વધારો તેના નિર્માણના આરંભથી માત્ર દસ મહિનામાં જ કાર્યરત કરવામાં આવ્યો છે. કંપની દ્વારા ૫૩૮ ચોરસ કિલોમીટરની બિન-ઉપજાઉ જમીન પર વિકસાવવામાં આવી રહેલા 30 GW ના રિન્યુએબલ એનર્જી પ્રકલ્પ સાથે આ સિસ્ટમને જોડવામાં આવી છે.
અદાણી ગ્રીન એનર્જી લિ.ની ૬.૬૩ GWh BESS ક્ષમતા એટલી સ્વચ્છ ઊર્જા સંગ્રહી શકે છે કે જેનાથી દરરોજ લગભગ ૨૦ લાખ આવાસોને વીજળી પૂરી પાડી શકવા તેમજ નાગપુર, પટના કે વિઝાગ જેવા શહેરોની વીજળીની ટોચની માંગ ને પણ કેટલાક કલાકો સુધી સંતોષી શકાય છે. ખાવડાની આ સ્ટોરેજ ક્ષમતા ૧,૫0,000 થી વધુ મધ્યમ કદના ઇલેક્ટ્રિક વાહનોની બેટરી સ્ટોરેજ ક્ષમતાની સમકક્ષ છે અને તે દિલ્હી મેટ્રોની અંદાજિત દૈનિક વીજળીની જરૂરિયાત કરતાં લગભગ બમણી જરૂરિયાત પૂરી કરી શકે તેટલા પ્રમાણમાં ઊર્જા સંગ્રહી શકે છે, જે આ ઇન્સ્ટોલેશનના અભૂતપૂર્વ કદને દર્શાવે છે. ૬.૬૩ GWh સુધીનું આ ક્ષમતા-વિસ્તરણ ગ્રીડમાં સ્વચ્છ વીજળીનો સંગ્રહ અને જરૂરિયાત અનુસાર તેનો પુરવઠો પૂરો પાડવાની સવલત આપતી હોવાથી રિન્યુએબલ એનર્જીના એકીકરણને મજબૂત બનાવે છે.
અદાણી ગ્રીન એનર્જીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી સાગર અદાણીએ જણાવ્યું હતું કે, ફક્ત ૧૪ માસમાં 6.63 GWh કાર્યરત બેટરી સ્ટોરેજના આંકને આંબવું એ કંપનીથી વિશેષ ભારતના સ્વચ્છ ઉર્જા સંક્રમણના ક્ષેત્રમાં એક ઐતિહાસિક સીમાચિહ્ન સ્થાપે છે. તેમણે કહ્યું હતું કે ગ્રીડને જરૂર પડે ત્યારે આ સંગ્રહ નવીનીકરણીય ઉર્જાને વધુ મજબૂત, વિશ્વસનીય અને ડિસ્પેચેબલ બનાવી શકે છે. ભારતની વીજળીની માંગ વધવા સાથે અમે વધુ સ્થિતિસ્થાપક, ઓછા કાર્બન ગ્રીડને ટેકો આપવા માટે બેટરી અને પમ્પ્ડ સ્ટોરેજ બંને પ્રકારના ઊર્જા સંગ્રહના ઉકેલોનું કદ વધારવાનું ચાલુ રાખીશું.
પ્રકલ્પ ઉપર અદ્યતન નિયંત્રણો, ડિજિટલ મોનિટરિંગ સિસ્ટમ્સ, કૂશળ બાંધકામ વ્યવસ્થાપન પ્રથાઓ અને અગ્રણી વૈશ્વિક BESS OEM સાથે વ્યૂહાત્મક ભાગીદારી તેમજ સખ્ત ગુણવત્તા અને સલામતીના ધોરણો જાળવી રાખવા જેવી બાબતો આક્રમક પ્રકલ્પના અમલીકરણની સમય સીમાનું પાલન કરવા સજ્જ બનાવે છે. આ તૈનાતી વિશાળ પાયે ઊર્જા સંગ્રહનું અમલીકરણ અને કામગીરી માટે બેન્ચમાર્ક સ્વરુપે સેવા આપતી હોવાથી વિશ્વસનીય અને સ્કેલેબલ સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મારફત ભારતના ઊર્જા સંક્રમણને ટેકો આપે છે.
BESS ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગનું સંચાલન કરવા, સિસ્ટમ પ્રદર્શનને મહત્તમ સ્તરે લઇ જવા અને ગ્રીડની સેવાઓને ટેકો આપવા માટે એનર્જી મેનેજમેન્ટ સિસ્ટમ્સ) અને ઓટોમેટેડ ટેલિમેટ્રી સાથે સંકલિત લિથિયમ-આર્યન બેટરી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. જે બેટરી સ્ટોરેજ ગ્રીડ સ્થિરતામાં સુધારો કરી ટોચની માંગનું સંચાલન તેમજ ઊર્જાના ઉપયોગને ઘટાડી શકે છે અને જરૂર પડે ત્યારે રીન્યુએબલ એનર્જી પહોંચાડવા સક્ષમ બનાવી શકે છે.
નાણા વર્ષ ૨૬-૨૭માં અદાણી ગ્રીન એનર્જી ૧૦ GWh થી વધુ ક્ષમતા ઉમેરવાની દિશામાં આગળ વધી રહી છે અને આગામી ૫ વર્ષમાં ૫૦ GWh ની સ્ટોરેજ ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્ય રાખે છે. વધુમાં મોટા પાયે, સ્થિર અને જરૂરિયાત મુજબ વિતરિત કરી શકાય તેવી પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા ઊભી કરવાની તેની વ્યાપક વ્યૂહરચનાના ભાગરૂપે પમ્પડ સ્ટોરેજ પ્રોજેક્ટ્સ પર પણ કંપની કામ કરી રહી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
