ઈન્ડિયન ગેસ એક્સચેન્જે IPO માટે DRHP ફાઈલ કર્યું
અમદાવાદ, 16 જુલાઇઃ ગેસ ટ્રેડિંગ એક્સચેન્જ ઈન્ડિયન ગેસ એક્સચેન્જ લિમિટેડે IPO માટે માર્કેટ રેગ્યુલેટર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઈલ કર્યું છે. એક સંગઠિત, પારદર્શક અને ટેકનોલોજીથી સજ્જ માર્કેટ પ્લેસ પૂરું પાડતા ઈન્ડિયન ગેસ એકસચેન્જ ભારતનું સૌપ્રથમ રાષ્ટ્રીય સ્તરનું ફિઝિકલ ડિલિવરી-આધારિત ગેસ ટ્રેડિંગ એક્સચેન્જ છે (સોર્સ: ક્રિસિલ રિપોર્ટ). કંપનીએ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ (ગેસ એક્સચેન્જ) રેગ્યુલેશન્સ, 2020 ના સુધારા મુજબ SEBI સમક્ષ DRHP રજૂ કર્યું છે.
કંપની IPO (IPO) દ્વારા ઇક્વિટી શેર મૂડી વેચીને ભંડોળ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. આ પબ્લિક ઓફર સંપૂર્ણપણે ‘ઓફર ફોર સેલ’ (OFS) સ્વરૂપે હશે, જેમાં રૂ. 10 ની મૂળ કિંમત ધરાવતા 1,67,10,000 સુધીના ઇક્વિટી શેર્સ વેચવામાં આવશે.
કંપનીના ટ્રેડિંગ પ્લેટફોર્મનું ઉદ્ઘાટન જૂન 2020માં કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ડિસેમ્બર 2020માં પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ તરફથી સત્તાવાર ગેસ એક્સચેન્જ તરીકે કામ કરવાની મંજૂરી મળી હતી. કંપનીએ એક એવું અદ્યતન ઇલેક્ટ્રોનિક એક્સચેન્જ પ્લેટફોર્મ તૈયાર કર્યું છે, જે સ્ટાન્ડર્ડાઇઝ્ડ અને ડિલિવરી-બેઝ્ડ કોન્ટ્રાક્ટ્સ દ્વારા સમગ્ર ભારતમાં નેચરલ ગેસની લે-વેચને સરળ બનાવે છે.
આ એક્સચેન્જ સંપૂર્ણપણે ટેકનોલોજી-આધારિત અને ઓટોમેટેડ ઇલેક્ટ્રોનિક માર્કેટ પ્લેસ મારફત કામ કરે છે. તેના લીધે બજારના સહભાગીઓ ભારતના નેશનલ પાઇપલાઇન નેટવર્ક સાથે જોડાયેલા અલગ-અલગ ડિલિવરી હબ પર ખૂબ જ સરળતાથી ટ્રાન્ઝેક્શન કરી શકે છે, જેનાથી દેશના ખૂણે-ખૂણા સુધી નેચરલ ગેસના માર્કેટની પહોંચ મજબૂત બની છે.
આ બિઝનેસ મોડલ કંપનીને માર્કેટમાં એક અલગ જ ઓળખ આપે છે અને નવી કંપનીઓ માટે એક મજબૂત પડકાર સમાન છે. કારણ કે આ કામગીરી માટે ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું એકીકરણ, અનેક પાઇપલાઇન ઓપરેટર્સ કંપનીઓ સાથે સુમેળભર્યો તાલમેલ, મજબૂત ક્લિયરિંગ અને સેટલમેન્ટ સિસ્ટમ તેમજ ચોક્કસ ઓપરેશનલ કુશળતાની જરૂર પડે છે (સોર્સ: ક્રિસિલ રિપોર્ટ).
લીડ મેનેજર્સઃ આ IPO ઈશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ એક્સિસ કેપિટલ લિમિટેડ અને મોતિલાલ ઓસ્વાલ ઈન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
