ભારતને ખરા અર્થમાં ગ્લોબલ સ્પોર્ટિંગ પાવરહાઉસ બનાવવાનું અમારું સ્પષ્ટ લક્ષ્ય: નીતા અંબાણી
મુંબઇ, 29 ઓગસ્ટઃ ચાલો આપણે પેરિસ ઓલિમ્પિક 2024માં આપણા દેશનું પ્રતિનિધિત્વ કરનારા ભારતીય એથ્લેટ્સને અભિનંદન આપીએ. રેકોર્ડ્સ અને મેડલ ઉપરાંત હું તેમના સંયમ, સમર્પણ અને સખત મહેનતની વાતોથી પ્રેરિત છું. ભારતને ખરા અર્થમાં ગ્લોબલ સ્પોર્ટિંગ પાવરહાઉસ બનાવવાનું અમારું સ્પષ્ટ લક્ષ્ય છે. આ ધ્યેયની પ્રાપ્તિમાં અમારું ધ્યાન એક મજબૂત સ્પોર્ટિંગ ઇકોસિસ્ટમ તૈયાર કરવા પર છે જે અમારા રમતવીરોને તળિયાના સ્તરેથી લઈને ઉચ્ચ સ્તરે ગૌરવ પ્રાપ્ત કરવા માટે મદદ પૂરી પાડે છે. મારા પુત્ર આકાશની આગેવાની હેઠળ અમારો શિક્ષણ અને રમતગમતનો કાર્યક્રમ અત્યાર સુધીમાં સમગ્ર ભારતમાં વિવિધ રમતોમાં લગભગ 23 મિલિયન યુવાનો સુધી પહોંચ્યો છે.
ગયા વર્ષે અમે ભારતમાં ઓલિમ્પિક્સ લાવવાના અમારા સહિયારા સ્વપ્નને સાકાર કરવાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ કરી હતી. ઑક્ટોબર 2023માં અમે મુંબઈમાં 141મું આઇઓસી સેશન સફળતાપૂર્વક આયોજિત કર્યું હતું, અને તે 40 વર્ષના સમયગાળા બાદ ભારતમાં ઑલિમ્પિક મૂમેન્ટને પાછી લાવવાની કવાયતને ઉજાગર કરે છે. આ ઐતિહાસિક સત્રમાં આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2030 યુથ ઓલિમ્પિક અને 2036 સમર ઓલિમ્પિક્સની યજમાની કરવાની ભારતની મહત્વાકાંક્ષા જાહેર કરી હતી.
આ ઉપરાંત આ સત્રમાં એક સીમાચિહ્નરૂપ નિર્ણયમાં ક્રિકેટનો લોસ એન્જલસમાં 2028 સમર ગેમ્સ માટે ઓલિમ્પિક રમત તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો. ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના સભ્ય તરીકે હું એ જણાવતા નમ્રતા અનુભવું છું કે અમે ભારતની ઓલિમ્પિક અપેક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે અમારા તરફથી પ્રથમ પગલાં ભર્યા છે.
આ વર્ષે પેરિસ ઓલિમ્પિકમાં રિલાયન્સ ફાઉન્ડેશને ભારતીય ઓલિમ્પિક એસોસીએશન સાથે ભાગીદારીમાં ઓલિમ્પિકમાં પ્રથમવાર ઈન્ડિયા હાઉસનું આયોજન કર્યું હતું. ઈન્ડિયા હાઉસ એક એવી જગ્યા બની ગઈ જ્યાં અમે અમારા રમતવીરોનું સન્માન કર્યું, અમારી સંસ્કૃતિની ઉજવણી કરી અને વિશ્વનું ભારતમાં સ્વાગત કર્યું હતું. તે અમારા રમતવીરો અને આપણા ચાહકો માટે ઘરથી દૂર એક ઘર હતું, તેણે ભારતની કળા અને વારસો, પરંપરા અને ટેકનોલોજી, પ્રતિભા અને અપેક્ષાઓની રજૂઆત કરી હતી.
એ યાદગાર 16 દિવસોમાં ઇન્ડિયા હાઉસે 40,000થી વધુ મુલાકાતીઓનું સ્વાગત કર્યું, જેમાંથી લગભગ અડધા આંતરરાષ્ટ્રીય મહેમાનો હતા. ફ્રાન્સ ટેલિવિઝન પત્રકારે અહેવાલ આપ્યો કે જો કન્ટ્રી હાઉસ એક કેટેગરી હોત તો ઇન્ડિયા હાઉસ ગોલ્ડ જીત્યું હોત.
આ વર્ષે તેણે પ્રાથમિક અને અર્લી યર્સ એજ્યુકેશન માટે બે નવી સીમાચિન્હરૂપ સંસ્થાઓ શરૂ કરી છે – નીતા મુકેશ અંબાણી જુનિયર સ્કૂલ અને નીતા મુકેશ અંબાણી અર્લી યર કેમ્પસ.
રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અમારું લક્ષ્ય સમગ્ર ભારતમાં વંચિત સમુદાયોના 10 મિલિયનથી વધુ બાળકો માટે વિશ્વ કક્ષાની પ્રારંભિક બાળપણ સંભાળ અને શિક્ષણ પૂરું પાડવાનું છે.
મુકેશ અને હું અમારા જીવનકાળમાં આપણા દેશના શાળાએ જતા 250 મિલિયન બાળકો માટે ગુણવત્તાયુક્ત શિક્ષણને સક્ષમ બનાવવાના મિશન પર છીએ.
ભારત 4000થી વધુ પરંપરાગત કળા અને હસ્તકળા તથા 70 લાખથી વધુ કારીગરોનું ઘર છે. તેઓ ખરેખર આપણા દેશનું ગૌરવ છે. અને તેમ છતાં કમનસીબે તેઓ મદદ, તકો અને આજીવિકાના અભાવને કારણે તેમાંના ઘણાએ તેમનો ગૌરવપૂર્ણ વારસો અને વિરાસત છોડી દીધા છે. આ માટે જ સ્વદેશની કલ્પના કરવામાં આવી હતી – અમારા પ્રતિભાશાળી કારીગરોને તેમની કુશળતા અને કારીગરી ભારતીય અને આંતરરાષ્ટ્રીય બંને સ્તરે વધતા જતા પ્રેક્ષકો સમક્ષ રજૂ કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે.
અમારી કામગીરીનો અન્ય મુખ્ય ભાગ આપદા નિવારણમાં છે. અમારા માટે, કુદરતી આફતો અને હોનારતોના સમયમાં લોકોની મદદ કરવી એ અમારી મુખ્ય ફરજ છે. તાલીમબદ્ધ કાઉન્સેલર્સ દ્વારા માનસિક-સામાજિક સહાયતા તેમજ સામુદાયિક ઉપચાર પૂરા પાડવા, ખાસકરીને બાળકો અને યુવા વર્ગને કારણ કે તેઓ ધીરેધીરે પોતાના જીવનનું પુનઃનિર્માણ કરે છે.
આ વર્ષે આપણી સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને દસ વર્ષ પૂરા થાય છે. ખાસ કરીને બાળકો માટે આપણી હોસ્પિટલમાં મળતા અત્યાધુનિક ઈલાજે મને લાગણીવશ કરી દીધી છે. ગત વર્ષે આ હોસ્પિટલમાં કુલ 10 લાખ દર્દીઓના ઈલાજ થયા હતા, જેમાંથી 10,000 બાળકો હતા.
અનંતના ઉત્સાહપૂર્ણ અને સમર્પિત નેતૃત્ત્વમાં, અમે વનતારા નામનું આશાનું અભયારણ્ય તેમજ દરેક પ્રાણીઓ માટેનું સેવાલય સ્થાપ્યું છે. જામનગર સ્થિત, વનતારા એ ઘવાયેલા, તરછોડાયેલા, શોષિત, અને ભારતના જ નહીં પરંતુ વિશ્વભરના નામશેષ થઈ રહેલા પ્રાણીઓ માટેનું ઝૂઓલોજિકલ રિસર્ચ, રેસ્ક્યુ, એન્ડ રિહેબિલિટેશન સેન્ટર છે.
આશરે 3,500 એકરથી પણ વધુ વિસ્તારમાં ફેલાયેલું વનતારા એ 2,000 કરતા વધુ પ્રાણીઓનું ઘર છે અને તેનાથી 1 મિલિયન પશુ-પક્ષીઓના જીવન પર સારી અસર પડી છે. વનતારામાં એશિયાની સૌથી મોટી વન્યજીવ પ્રાણી હોસ્પિટલ પણ ચાલે છે, જ્યાં અત્યાધુનિક સાધનો, 50 કરતા વધુ ખાસ તૈયાર કરાયેલી પશુ એમ્બુલન્સ તથા સઘન તબીબી સુવિધાઓ ઉપલબ્ધ છે.