- Business
- Elections Politics Sentiment
- Entertainment
- Fashion
- FLASH NEWS
- ઈકોનોમી
- કોમોડિટી
- ક્રિપ્ટો
- પર્સનલ ફાઇનાન્સ
- મ્યુચ્યુઅલ ફંડ
- શેર બજાર
નિવૃત્તિ પહેલાના છેલ્લા 5 વર્ષનું મજબૂત ફાઇનાન્સિયલ પ્લાનિંગ તમારા આગામી 25 વર્ષ નક્કી કરી શકે છે
નિષ્ણાતો અને આર્થિક પંડિતોના મત અનુસાર માણસ તેના અંતિમ રનવેમાં મુખ્યત્વે સાત એવી ભૂલોથી બચવા પ્રયાસ કરે તો ચોક્કસ પણે રિટાયરમેન્ટ સુધારી શકે છે. નીચે આપેલી સાત ભૂલોને ઓળખીને તેમાંથી બચવા માટે પ્રયાસ કરો….
Businessgujarat.in, Ahmedabad, 30 June:

જીવનની શરૂઆત જ આર્થિક પાયા ઉપર રચાયેલી હોય તે સંજોગોમાં સામાન્ય માણસ આખી જિંદગીનો આશરે 70 ટકા સમય રોટલા- રૂપિયા અને સંપત્તિ સર્જનના રમખાણમાં રચ્યો પચ્યો રહે છે. આર્થિક જીવના અંતિમ પડાવ એટલે કે રિટાયરમેન્ટ સુધી પહોંચતા સુધીમાં ફાઇનાન્સિયલ લાઇફ અને મેનેજમેન્ટમાં સંખ્યાબંધ ભૂલોના કારણે તે એવું ફીલ કરે છે કે, ક્યાંક એવી ભૂલ થઇ ગઇ છે જેના કારણે રિટાયરમેન્ટ સમયગાળામાં પણ રિ- ટાયરમેન્ટ (ફરી થાકવાની અને પૈસા પાછળ દોડવાની) પળોજણ પાછી વળગે છે.
નિષ્ણાતો અને આર્થિક પંડિતોના મત અનુસાર માણસ તેના અંતિમ રનવેમાં મુખ્યત્વે સાત એવી ભૂલોથી બચવા પ્રયાસ કરે તો ચોક્કસ પણે રિટાયરમેન્ટ સુધારી શકે છે. નીચે આપેલી સાત ભૂલોમાંથી શિખવા જેવી વાતો……..
1. વર્તમાન ભંડોળ પૂરતું હોવાનો ભ્રમ
આજે ₹3 કરોડ અથવા ₹5 કરોડનું ભંડોળ મોટું દેખાઈ શકે છે. પરંતુ ફુગાવા, આરોગ્ય સંભાળ ખર્ચ, જીવનશૈલી ખર્ચ અને કર પછી, વાસ્તવિક ચિત્ર ખૂબ જ અલગ હોઈ શકે છે. અર્થાત્ 100 પૈસાની કિંમત ધરાવતાં રૂપિયાનું વાસ્તવિક મૂલ્ય 70-75 પૈસા જ થઇ જતું હોય છે….
2. અત્યારે ઊંચું મળી રહેલું રિટર્ન કાયમ માટે ઊંચું જ રહેશે
કમાણીના વર્ષો દરમિયાન તમે કરેલા ઇન્વેસ્ટમેન્ટ સમયે બેન્ક એફડી ઇન્ટરેસ્ટ, મ્યુચ્યુઅલ ફંડ કે ઇક્વિટી રિટર્ન, ઇન્સ્યોરન્સ રિટર્ન સહિતના તમામ મૂડીરોકાણ ઉપરના રિટર્નમાં આંબા આંબલી દેખાતા હોય પરંતુ નિવૃત્તિ પછી તરત જ મળી રહેલા રિટર્નમાં ઘટાડો તમારાં ફંડ રિટર્નમાં ઘટાડો દર્શાવી શકે છે. તે સંજોગોમાં તમે જે ધાર્યું હોય તેના કરતાં ઓછું ફંડ ઉપાડવાની ફરજ પડી શકે છે……
3. વધુ પડતાં રૂઢિચુસ્ત બનવું
મોટાભાગના રોકાણકારો રિટાયરમેન્ટ પછી વધુ પડતાં રૂઢિચૂસ્ત અને વધુ પડતી સલામતીનો આગ્રહ રાખે છે તેના કારણે પણ ઇચ્છીત કરતાં નીચું રિટર્ન મળતાં અને રિટાયરમેન્ટ કોર્પસની મર્યાદાના કારણે હાથમાં આવતાં નાણાનો પ્રવાહ ઘટી શકે છે. જેથી ડે ટૂ ડે રિક્વાયરમેન્ટ (રોજબરોજની આર્થિક જરૂરિયાતો)માં સંકડામણ અનુભવવા વારો આવી શકે છે. ટૂંકમાં ફુગાવા કરતાં નીચું રિટર્ન મળતું અને નિવૃત્તિ 25-30 વર્ષ સુધી ચાલે છે, તો ફુગાવો તમારા માટે સૌથી મોટો વિલન સાબિત થઇ શકે છે.
4. ઇમર્જન્સી ફંડ અને હાથ ઉપરના નાણાનો અભાવ
રિટાયરમેન્ટ પછી EPF, NPS, પેન્શન યોજનાઓ અથવા એન્યુઇટી મારફત મળતાં નાણા તમારી રૂટિન જરૂરિયાતો પૂરી પાડી શકે છે. પરંતુ આકસ્મિક ખર્ચાઓ માટે તમારી પાસે લિક્વિડિટી અને હાથ ઉપરની કેશનો અભાવ હોય તે સંજોગોમાં તબીબી આકસ્મિક જરૂરિયાતો, ઘરનું અચાનક સમારકામ, બાળકોને એજ્યુકેશન તેમજ કેરિયર સંબંધી ટેકો, મુસાફરી અથવા કટોકટી રાહ જોઈ શકતાં નથી.
5. કર આયોજનને ગણતરીમાં અવગણવાથી આયોજન ખોરવાય છે….
કેપિટલ ગેઇન, પેન્શનની ઇન્કમ, એફડી ઉપરનું વ્યાજ સહિતના ઉપાડ ઉપર લાગતાં ઇન્કમટેક્સની ગણતરી કર્યા સિવાય પૈસા ઉપાડ્યા કરો અને છેલ્લે જ્યારે રિટર્ન ફાઇલ કરો ત્યારે ખ્યાલ આવે કે ટેક્સ ભરવાનો તો રહી ગયો. આવી સ્થિતિમાં મૂડી કે મૂડીરોકાણ તોડીને ટેક્સ ભરવાની ફરજ પડી શકે છે….
6. આરોગ્ય સંભાળનું અલગથી આયોજન ન કરવું….
ભારતમાં ત્રણ બાબતો સૌથી વધુ ખર્ચાળ અને કમાણીનો મોટાભાગનો હિસ્સો ખાઇ જાય છે. એક તો એજ્યુકેશન અને બીજું હેલ્થકેર અને ત્રીજું ઘરનું ઘર. બાળકોને પ્લેગ્રૂપ, નર્સરી, જૂનિયર- સિનિયર કેજી, સ્કૂલીંગ, કોલેજ સુધી પહોંચાડતાં પહોંચાડતાં રોકાણકારોની આશરે 30 ટકા કમાણી સ્વાહા થઇ જાય છે. હેલ્થકેરમાં પણ કંઇક આવું જ છે સરકારી હોસ્પિટલ સુધી પહોંચવાની તમારી પહોંચ (લાગવગ) અને ગુણવત્તા વિશે કંઇ કહેવું નથી. પરંતુ પ્રાઇવેટમાં પણ પહેલો જ સવાલ પૂછશે કે, મેડીક્લેઇમ છે…. જો હોય તો પણ ઇન્સ્યોરન્સ કંપનીઓ પણ પ્રિમિયમમાં આડેધડ વધારો અને પાછળથી ક્લેઇમમાં કાપ કરવામાં પાછી પાની નથી કરતી. તે સંજોગોમાં આ ત્રણ બાબતોનું પણ જો પ્રિ- પ્લાનિંગ કરેલું નહીં હોય તો…..
7. એસ્ટેટ રજિસ્ટ્રેશન અને નોમિનેશન, વારસાઇ પ્લાનિંગનો અભાવ
છેલ્લે જ્યારે સંસારમાંથી વિદાય લેવાના સમય પૂર્વે જો વસિયત નામું તૈયાર ના કરેલું હોય કે નોમિનેશન બાકી રહી ગયું હોય કે, જોઇન્ટ નામ ધરાવતાં ઇન્વેસ્ટમેન્ટમાં સ્પષ્ટ ઉત્તરાધિકારીનું પ્લાનિંગ કરેલું ના હોય તો તમે તો આખી જિંદગી હેરાન થાવ જ છો. પાછળથી સંતાનો પણ હેરાન થાય છે. માટે જો આ પ્લાનિંગ નહિં કરેલું હોય તો સંતાનો તેમજ સમાજ પેલી કહેવત છેવટે મનમાં પણ ગણગણશે કે… મરતાં ગયા અને…..
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
