નિયમિત દેખરેખથી 87 ટકા પોલિસીધારકોનું સ્વાસ્થ્ય સ્થિર રહ્યું અથવા તેમાં સુધારો થયો: આદિત્ય બિરલા હેલ્થ ઇન્શ્યોરન્સ
| ઇન્શ્યોરન્સ ધરાવતા 21 લાખથી વધુ લોકોના વિશ્લેષણમાં સમયાંતરે સ્વાસ્થ્યમાં આવેલા ફેરફારોનો અભ્યાસ રજૂ કરવામાં આવ્યો | લગભગ 62 ટકા લોકોમાં 12 મહિનાની અંદર સ્વાસ્થ્યના મુખ્ય માપદંડોમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો | 45 વર્ષથી વધુ ઉંમરના પુરુષોમાં અનિયંત્રિત હાઈ બ્લડ પ્રેશરનું પ્રમાણ સૌથી વધુ નોંધાયું |

મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2026: નિયમિત દેખરેખ અને રોગથી બચવા માટેના સક્રિય પ્રયાસોને કારણે 87 ટકા પોલિસીધારકોએ કાં તો પોતાનું સ્વાસ્થ્ય જાળવી રાખ્યું છે અથવા તેમાં સુધારો કર્યો છે. ડિસેમ્બર 2023થી ડિસેમ્બર 2025 દરમિયાન એબીએચઆઈસીએલના 21 લાખ પુખ્ત ગ્રાહકોના અનામી ડેટાના આંતરિક અભ્યાસ પર આધારિત આ સંશોધન ભારતીય હેલ્થ ઇન્શ્યોરન્સ ક્ષેત્રમાં સમયાંતરે બાયોમેટ્રિક માપદંડોમાં આવેલા ફેરફારોનું કરવામાં આવેલું સૌથી મોટું એનાલિસીસ છે.
આદિત્ય બિરલા કેપિટલની હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની આદિત્ય બિરલા હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડે (એબીએચઆઈસીએલ) તેનું લેટેસ્ટ રિસર્ચ પેપર Unlocking Health Trajectories: Real-World Biometric Trends from Insured Indian Populations જાહેર કર્યું છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે 21 લાખ પુખ્ત ગ્રાહકોમાંથી 5.2 લાખ લોકોના ઓછામાં ઓછા બે બાયોમાર્કર ડેટા ઉપલબ્ધ હતા, જેના આધારે સમયાંતરે તેમના સ્વાસ્થ્યમાં આવેલા ફેરફારોનું વિશ્લેષણ કરી શકાયું હતું. આ અભ્યાસમાં બ્લડ પ્રેશર, બ્લડ શુગર (એચબીએ1સી), બીએમઆઈ અને કોલેસ્ટ્રોલના સ્તરમાં આવેલા ફેરફારોને ટ્રેક કરવામાં આવ્યા હતા. તારણો મુજબ, લગભગ 62 ટકા લોકોમાં 12 મહિનાની અંદર સ્વાસ્થ્યના મુખ્ય માપદંડોમાં નોંધપાત્ર સુધારો નોંધાયો હતો, જ્યારે અગાઉ હાઈ રિસ્ક કેટેગરીમાં રહેલા 37 ટકા લોકો આ જ સમયગાળા દરમિયાન મિડીયમ અથવા લો રિસ્ક કેટેગરીમાં આવી ગયા હતા. આ બાબત દર્શાવે છે કે નિયમિત દેખરેખ અને સતત સક્રિય જોડાણથી સ્વાસ્થ્યના પરિણામોમાં સુધારો લાવી શકાય છે.
એનાલિસીસમાં લાંબા સમયથી ચાલતી મુખ્ય બીમારીઓ સાથે જોડાયેલા સ્વાસ્થ્યના માપદંડોમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. 32 ટકા કેસમાં બ્લડ પ્રેશરમાં સુધારો થયો હતો, 33 ટકા કેસમાં ડાયાબિટીસ નિયંત્રણમાં સુધારો થયો હતો, 34 ટકા પોલિસીધારકોમાં બીએમઆઈ અને સ્થૂળતા સાથે જોડાયેલા માપદંડોમાં સુધારો થયો હતો, જ્યારે 17 ટકા પોલિસીધારકોમાં કોલેસ્ટ્રોલના સ્તરમાં સુધારો જોવા મળ્યો હતો.
તારણો અંગે આદિત્ય બિરલા હેલ્થ ઇન્શ્યોરન્સના સીઈઓ મયંક બાથવાલે જણાવ્યું હતું કે, “જેમ જેમ હેલ્થકેરની જરૂરિયાતો વધુ જટિલ બની રહી છે, તેમ સારવાર દરમિયાન માત્ર હોસ્પિટલમાં દાખલ થવાના તબક્કા પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે સમગ્ર સારવાર પ્રક્રિયા દરમિયાન સ્વાસ્થ્યના પરિણામોમાં સુધારો લાવવા પર ધ્યાન આપવું જરૂરી છે. આ રિસર્ચ પેપરમાંથી મળેલા તારણો દર્શાવે છે કે સતત દેખરેખ અને રોગથી બચવા માટેના સક્રિય પ્રયાસો સમય જતાં લાંબા સમયથી ચાલતા સ્વાસ્થ્ય જોખમોને વધુ અસરકારક રીતે નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. ABHIમાં અમે આને સ્વાસ્થ્યના વધુ સારા પરિણામોને ટેકો આપવાની સાથે સમગ્ર હેલ્થકેર સિસ્ટમની કાર્યક્ષમતામાં સુધારો કરવાની તક તરીકે જોઈએ છીએ.”
વસ્તી વિષયક બાબતોને લગતા કેટલાક સ્પષ્ટ વલણો પણ સામે આવ્યા હતા. 35 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓમાં બાયોમેટ્રિક માપદંડોને નિયંત્રણમાં રાખવામાં વધુ સારો સુધારો જોવા મળ્યો હતો, જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના પુરુષોમાં અનિયંત્રિત હાઈ બ્લડ પ્રેશરનું પ્રમાણ સૌથી વધુ નોંધાયું હતું. એનએફએચએસ-5ના માપદંડો સાથે સરખામણી કરતાં, ઇન્શ્યોરન્સ ધરાવતા લોકોમાં હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવાનો દર 32 ટકા સામે 24 ટકા, સ્થૂળતાને નિયંત્રણમાં રાખવાનો દર 34 ટકા સામે 24 ટકા અને ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવાનો દર 33 ટકા સામે 15 ટકા રહ્યો હતો. આથી સ્વાસ્થ્યની નિયમિત દેખરેખ અને શરૂઆતના તબક્કે કરવામાં આવતી સારવાર તથા હસ્તક્ષેપ સ્વાસ્થ્યના પરિણામોમાં સુધારો લાવવામાં કેટલા મહત્વપૂર્ણ છે તે સ્પષ્ટ થાય છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
