HDFC બેંક ‘પરિવર્તન’ની કૌશલ્યવિકાસ અને આજીવિકા વધારવાની પહેલના માધ્યમથી 9.6 લાખ લોકોનું સશક્તિકરણ કરવામાં આવ્યું

અમદાવાદ, 14 જુલાઈ: વર્લ્ડ યૂથ સ્કિલ્સ ડે નિમિત્તે HDFC બેંકની સીએસઆર પહેલ ‘પરિવર્તન’ દ્વારા યુવાનોને ભારતના વિકસતા અર્થતંત્રમાં સાર્થક યોગદાન આપવા માટે જરૂરી કૌશલ્ય, જ્ઞાન અને તકો ઉપલબ્ધ કરાવવાના તેના નિરંતર પ્રયાસોને ઉજાગર કરવામાં આવ્યાં હતાં. શરૂઆતથી જ બેંકની કૌશલ્યવિકાસ અને આજીવિકા વધારવાની પહેલ દ્વારા 9.6 લાખ લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવામાં આવ્યું છે.

HDFC બેંક ‘પરિવર્તન’નો કૌશલ્યવિકાસ પ્રત્યેનો અભિગમ ઔપચારિક, પ્રમાણપત્ર આધારિત તાલીમની સાથે સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ આજીવિકા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપતી વ્યાપક પહેલનું સંયોજન છે. ઉદ્યોગોને અનુરૂપ સહભાગીદારો અને એનએસડીસી સાથે સંલગ્ન સંસ્થાઓ દ્વારા સંચાલિત પ્રમાણિત અભ્યાસક્રમો થકી 1.96 લાખથી વધુ યુવાનોએ કૌશલ્યની ઔપચારિક તાલીમ મેળવી છે, જેમાં હેલ્થકૅર, રીટેઇલ, લોજિસ્ટિક્સ, હૉસ્પિટાલિટી, બેંકિંગ, વીમા, ઈવી મેઇન્ટેનન્સ, IT અને ડિજિટલ ટેકનોલોજી જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

HDFC બેંક ‘પરિવર્તન’ દ્વારા સમુદાય આધારિત તાલીમ, ઉદ્યમના વિકાસ અને માર્કેટ સાથેના જોડાણ માટેનો ટેકો પૂરો પાડીને 7.6 લાખ મહિલાઓ અને ખેડૂતો માટે આજીવિકા તથા ઉદ્યોગસાહસિકતાની તકો ઊભી કરવામાં આવી છે. આ પહેલમાં દરજીકામ, હાથવણાટ, ફૂડ પ્રોસેસિંગ, પોલ્ટ્રી ફાર્મિંગ, ડેરી મેનેજમેન્ટ, ઓર્ગેનિક ખેતી, મશરૂમની ખેતી તથા અન્ય સૂક્ષ્મ ઉદ્યોગોની તકો જેવા વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. તાલીમ ઉપરાંત લાભાર્થીઓને વેલ્યૂ ચેઇનના વિવિધ તબક્કે સાધનોની ઉપલબ્ધતા, માર્ગદર્શન, ઉત્પાદકોના જૂથો, બ્રાન્ડિંગ, પૅકેજિંગ તથા માર્કેટ સાથેના જોડાણ સહિતનો ટેકો પણ પૂરો પાડવામાં આવે છે.

સમગ્ર વિશ્વમાં ‘સ્કિલ્સ ફોર એ શૅર્ડ ફ્યુચર’ થીમ હેઠળ વર્લ્ડ યૂથ સ્કિલ્સ ડે 2026ની ઉજવણી કરવામાં આવી રહી છે, જે ઝડપથી બદલાઈ રહેલી દુનિયામાં સફળ થવા માટે યુવાનોને ટેકનિકલ, ડિજિટલ, સામાજિક અને ઉદ્યોગસાહસિકતાને લગતી ક્ષમતાઓથી સજ્જ કરવાના મહત્ત્વને માન્યતા આપે છે.

નાણાકીય વર્ષ 2025-2026 દરમિયાન બેંકના કૌશલ્ય તાલીમ પ્રોજેક્ટ્સના પ્રભાવના મૂલ્યાંકન દરમિયાન રોજગારી પ્રાપ્ત કરવાની ક્ષમતા, આત્મવિશ્વાસના સિંચન અને આવક વધારવાના મામલે ખૂબ સારા પરિણામો સામે આવ્યાં હતાં. તાલીમ પૂરી કરવાનો દર અંદાજે 85% રહ્યો હતો, જ્યારે લગભગ 74% તાલીમાર્થીઓએ સંચાર, ડિજિટલ સાક્ષરતા અને ઇન્ટરવ્યૂ માટેની તૈયારી કરવાની ક્ષમતામાં સુધારો થયાનું જણાવ્યું હતું. પ્લેસમેન્ટના સરેરાશ પરિણામો 44.5%થી 45.6% વચ્ચે રહ્યાં હતાં, જ્યારે કેટલાક પ્રોજેક્ટ્સમાં પ્લેસમેન્ટનો દર 70%થી 92% વચ્ચે નોંધાયો હતો.

રોજગારી મેળવનારા ઉમેદવારોમાં સરેરાશ માસિક આવક અંદાજે રૂ. 15,000 હતી, જે તાલીમ પ્રાપ્ત કર્યા પછી આવક રળવાની ક્ષમતામાં લગભગ 1.9 ગણો વધારો થયો હોવાનું દર્શાવે છે. આ પહેલમાં ભાગ લેનારા સહભાગીઓમાં અંદાજે 56% મહિલાઓ હતી, જ્યારે 1,000થી વધુ દિવ્યાંગ યુવાનોને સર્વસમાવેશક કૌશલ્યવિકાસની પહેલનો લાભ મળ્યો હતો.

નાણાકીય વર્ષ 2025-2026 દરમિયાન જયપુર, મેરઠ, બરેલી, નાગપુર, વડોદરા, રાંચી, દેવઘર, બારાસત, માલ્દા, જમ્મુ, છત્રપતિ સંભાજીનગર, બિલાસપુર, મહાસમુંદ, બેંગલુરુ, કોલાર, દિલ્હી અને ભિવાડી સહિતના વિવિધ સ્થળોએ વધારાનાં કૌશલ્ય કેન્દ્રો અને અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યાં હતાં.

તેના 6 ફોકસ એરિયાના માધ્યમથી HDFC બેંક ‘પરિવર્તન’ હાલમાં દેશનાં તમામ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 150થી વધુ સક્રિય પ્રોજેક્ટ્સને ટેકો પૂરો પાડી રહી છે. આ પહેલ લાંબાગાળાની સામાજિક અને આર્થિક અસર ઊભી કરવા માટે કૌશલ્યવિકાસ, આજીવિકા વધારવી, શિક્ષણ, આરોગ્ય, ગ્રામીણ વિકાસ, કુદરતી સંસાધનના વ્યવસ્થાપન અને નાણાકીય સમાવેશને એકસાથે સાંકળે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)