ટ્રેન્ઝેટ ઇન્ફ્રા લિમિટેડે IPO દ્વારા ફંડ એકત્રિત કરવા SEBIમાં DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 25 માર્ચઃ રેલવે કેન્દ્રિત ઇપીસી કંપની ટ્રેન્ઝેટ ઇન્ફ્રા લિમિટેડે આઈપીઓ દ્વારા ફંડ્સ એકત્રિત કરવા માટે મૂડી બજાર નિયમનકાર સેબી સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે.
ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસ મુજબ, આંધ્રપ્રદેશ સ્થિત કંપનીનો પ્રસ્તાવિત આઈપીઓમાં રૂ. 10 ની ફેસ વેલ્યુના 1.23 કરોડ ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ અને ઓફર ફોર સેલ (ઓએફએસ)નો સમાવેશ થાય છે. આ ઓફરમાં પ્રમોટર્સ કિશન કુમાર થોટાકુરા અને મુરલી મોહન ચેરુકુરી દ્વારા 1.05 કરોડ સુધીના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ અને 18 લાખ સુધીના ઇક્વિટી શેરની ઓએફએસ સામેલ છે.
ટ્રેન્ઝેટ ઇન્ફ્રા ફ્રેશ ઇશ્યૂમાંથી મળેલી ચોખ્ખી આવકનો ઉપયોગ તેની કાર્યકારી મૂડી જરૂરિયાતો, કન્સ્ટ્રક્શન વ્હીકલ્સ અને ઇક્વિપમેન્ટ્સની ખરીદી માટેના મૂડી ખર્ચ અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાનો પ્રસ્તાવ મૂકે છે.
યુનિસ્ટોન કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ આ ઓફરની એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર (બીઆરએલએમ) છે.
ટ્રેન્ઝેટ ઇન્ફ્રા એક રેલ્વે-કેન્દ્રિત ઈપીસી કંપની છે જે બ્રિજ, અર્થવર્ક, સ્ટ્રક્ચરલ વર્ક, ટ્રેક ડેવલપમેન્ટ અને રેલ્વે તથા સંલગ્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે પસંદગીના ઇલેક્ટ્રિફિકેશન અને સિગ્નલિંગ કામોમાં અમલીકરણની ક્ષમતા ધરાવે છે. તેના સર્વિસ પોર્ટફોલિયોમાં રોડ ઓવર બ્રિજ, રોડ અંડર બ્રિજ, ગર્ડર બ્રિજ, વાયડક્ટ્સ, ફ્લાયઓવર, કલ્વર્ટ, રિઇન્ફોર્સ્ડ અર્થ વૉલ્સ અને બિલ્ડિંગ્સ તેમજ તેમજ સ્ટીલ ગર્ડર્સના પાઇલિંગ, કોંક્રિટીંગ, ટનલિંગ, ફેબ્રિકેશન અને લોન્ચિંગનો સમાવેશ થાય છે.
31 જાન્યુઆરી, 2026 સુધીમાં, કંપનીએ ભારતના 7 રાજ્યોમાં 40 ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ કર્યા છે, જેની કુલ એક્ઝિક્યુશન પ્રોજેક્ટ વેલ્યુ રૂ. 1,497 કરોડ હતી. તે જ તારીખ સુધીમાં, ટ્રેન્ઝેટ ઇન્ફ્રા પાસે રૂ. 1,601 કરોડની ઓર્ડર બુક હતી અને દેશભરમાં 23 ચાલુ પ્રોજેક્ટ્સ હતા, જેમાં ક્લાયન્ટ્સમાં મુખ્યત્વે સરકારી અને જાહેર ક્ષેત્રની સંસ્થાઓ સમાવિષ્ટ હતી. આ ક્લાયન્ટ્સમાં ભારતીય રેલ્વેના વિવિધ ઝોન જેમ કે પૂર્વ મધ્ય રેલ્વે, દક્ષિણ પૂર્વીય રેલ્વે, દક્ષિણ મધ્ય રેલ્વે, દક્ષિણ પશ્ચિમ રેલ્વે અને ઉત્તરપૂર્વ સરહદી રેલ્વે, રેલ્વેના જાહેર ક્ષેત્રના એકમો અને કેટલીક ખાનગી સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે.
કંપનીએ 2002માં કર્ણાટકમાં એક પ્રોજેક્ટ સાથે તેની સફર શરૂ કરી હતી જેમાં કલ્વર્ટ, નાના પુલ અને બિલ્ડિંગ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું અને ત્યારથી તેણે તેના સર્વિસ પોર્ટફોલિયોમાં વૈવિધ્યીકરણ કર્યું છે અને તેની અમલીકરણ ક્ષમતાઓમાં વધારો કર્યો છે. તેણે તેલંગાણા, તમિળનાડુ, ઝારખંડ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશમાં પણ તેની ભૌગોલિક હાજરીનો ક્રમશઃ વિસ્તાર કર્યો છે.
તે મુખ્યત્વે રાષ્ટ્રીય અને રાજ્ય એજન્સીઓ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરે છે, જેમાં રેલ્વે અને હાઇવે ઓથોરિટીનો સમાવેશ થાય છે. તે મુખ્યત્વે એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (ઇપીસી) અને બિલ ઓફ ક્વોન્ટિટીઝ (બીબીક્યુ) જેવા કરાર આધારિત મોડેલ્સ હેઠળ પ્રોજેક્ટ્સનો અમલ કરે છે.
નાણાંકીય બાબતો પર નજર કરીએ તો ટ્રેન્ઝેટ ઇન્ફ્રાએ નાણાંકીય વર્ષ 2025માં કામગીરીથી રૂ. 333.41 કરોડની આવક નોંધાવી હતી, જેમાં નાણાંકીય વર્ષ 2023 અને નાણાંકીય વર્ષ 2025 વચ્ચે 11.23 ટકાનો સીએજીઆર નોંધાવ્યો હતો. નાણાંકીય વર્ષ 2025માં ચોખ્ખો નફો રૂ. 26.95 કરોડ હતો, જે તે જ સમયગાળામાં 45.25 ટકાના સીએજીઆરથી વધ્યો હતો. 30 સપ્ટેમ્બર, 2025 સુધીમાં, તેની કામગીરીમાંથી આવક રૂ. 151 કરોડ હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
