અમદાવાદ, 27 માર્ચઃ મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે આજે નાણાંકીય વર્ષ 2026-27 માટે રૂ. 200 કરોડની સીએસઆર પહેલની જાહેરાત કરી હતી. નવી દિલ્હીમાં સ્થિત ડો. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરમાં યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન શ્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં આ જાહેરાત કરવામાં આવી.

CSR પહેલના ભાગરૂપે કેન્દ્રીય પ્રધાને દેશભરમાં 33,000 વિદ્યાર્થિનીઓ માટે શૈક્ષણિક શિષ્યવૃત્તિના વિતરણનો શુભારંભ કર્યો હતો. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે મલાબાર ચેરિટેબલ ટ્રસ્ટની પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બેટી બચાવો, બેટી પઢાઓ જેવા કાર્યક્રમો દ્વારા ભારતની દીકરીઓને સશક્ત બનાવવાના વિઝન સાથે ગાઢ રીતે સુસંગત છે.

વર્ષ 2026-27 દરમિયાન રૂ. 200 કરોડના સીએસઆર પ્રોજેક્ટ્સ 19 રાજ્યોમાં 3,000થી વધુ સ્થળોએ અમલમાં મૂકવામાં આવશે, જેમાં 15 મુખ્ય પહેલોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમોથી 2 લાખથી વધુ લોકોને લાભ મળવાની અપેક્ષા છે.

આ પહેલમાં શિક્ષણ ક્ષેત્ર પર વિશેષ ભાર મુકાયો છે, જેમાં રસ્તા પર આશરો લેનારા બાળકો માટે માઇક્રો-લર્નિંગ સેન્ટર્સ અને છોકરીઓ માટે રાષ્ટ્રીય સ્કોલરશિપ કાર્યક્રમો સહિતની પહેલ માટે રૂ. 114 કરોડ ફાળવવામાં આવ્યા છે. ‘હંગર ફ્રી વર્લ્ડ’ પ્રોજેક્ટ હેઠળ ભોજન વિતરણ માટે રૂ. 30 કરોડ અને આરોગ્ય સંબંધિત પહેલો માટે રૂ. 14.2 કરોડ ફાળવવામાં આવ્યા છે. નિરાધાર માતાઓ માટે ‘ગ્રાન્ડમા હોમ’ પહેલ સહિતના આવાસ પ્રોજેક્ટ્સ માટે રૂ. 25 કરોડ ફાળવાશે. ઉપરાંત અન્ય માનવતાવાદી પ્રવૃત્તિઓ માટે રૂ. 6.8 કરોડ અને પર્યાવરણ સંરક્ષણ માટે રૂ. 10 કરોડ ફાળવવામાં આવશે.

રસ્તા પર આશરો લેનાર બાળકોના પુનર્વસન માટે મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ભારતની સૌથી મોટી એનજીઓમાંની એક પ્રાથમ એજ્યુકેશન ફાઉન્ડેશન સાથે ભાગીદારીમાં 17 રાજ્યોમાં 1,543 માઇક્રો-લર્નિંગ સેન્ટર્સ સ્થાપ્યા છે. આ વર્ષે સેન્ટર્સની સંખ્યા વધારીને 2,500 કરવામાં આવશે અને વિદ્યાર્થી નોંધણી 64,000થી વધીને 1 લાખ સુધી પહોંચવાની અપેક્ષા છે.

મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સની કામગીરી ઈએસજી સિદ્ધાંતો દ્વારા માર્ગદર્શિત છે. સ્થાપના સમયથી જ કંપની પોતાના નેટ ટ્રેડિંગ નફાના 5 ટકા સીએસઆર પ્રવૃત્તિઓ માટે ફાળવે છે. આ પ્રયત્નો દ્વારા ભારતભરમાં 1.8 મિલિયનથી વધુ લોકોના જીવનમાં પહેલેથી જ સકારાત્મક પરિવર્તન આવ્યું છે.