રાજકોટની ફાઉન્ડ્રી નવીનીકરણીય ઊર્જા અપનાવી વર્ષે ₹2.2 કરોડ સુધી વીજળી ખર્ચમાં બચત કરી શકે: અહેવાલ
| દેશભરમાં તપાસવામાં આવેલા 22 સ્ટીલ ક્લસ્ટરમાંથી રાજકોટ એવા પાંચમાં સામેલ છે, જેને નવીનીકરણીય વીજળી અપનાવવા માટે સૌથી વધુ યોગ્ય ગણવામાં આવ્યા છે. અન્ય ક્લસ્ટરમાં રાયપુર, બેલગાવી, શિમોગા અને ભાવનગરનો સમાવેશ થાય છે. | જો ફાઉન્ડ્રી એકમો મળીને નવીનીકરણીય ઊર્જા અપનાવે તો દરેક એકમને અંદાજે ₹1.4 કરોડનું રોકાણ કરવું પડશે, જ્યારે દર વર્ષે આશરે ₹2.2 કરોડની બચત થઈ શકે છે. આ રીતે તેમનું સંપૂર્ણ રોકાણ પ્રથમ જ વર્ષમાં વસૂલ થઈ શકે છે. |

રાજકોટ, 12 ઓગસ્ટ, 2026: રાજકોટની ફાઉન્ડ્રી (ઢાળકામ) એકમો નવીનીકરણીય ઊર્જા અપનાવી દર વર્ષે આશરે ₹2.2 કરોડ સુધીના વીજળી ખર્ચમાં બચત કરી શકે છે. રાયપુર ખાતે યોજાયેલી CII ગ્રીન સ્ટીલ સમિટ દરમિયાન રજૂ કરાયેલા અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે. રાજકોટને દેશના એવા પાંચ સ્ટીલ ક્લસ્ટરમાં સ્થાન મળ્યું છે, જ્યાં નવીનીકરણીય ઊર્જા અપનાવવાની સૌથી વધુ સંભાવના છે.

“Powering India’s Secondary Steel Transition: The Business Case for Cluster-Based Renewable Electricity Procurement” શીર્ષક ધરાવતો આ અહેવાલ India Green Steel Coalition (IGSC) દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. IGSC એ WWF-India અને *CII-Godrej Green Business Centre (CII-GBC)ની સંયુક્ત પહેલ છે. તેનો હેતુ ભારતના સેકન્ડરી સ્ટીલ ક્ષેત્રમાં નવીનીકરણીય ઊર્જાનો સ્વીકાર ઝડપી બનાવવા માટે મજબૂત વ્યવસાયિક મોડેલ રજૂ કરવાનો છે. આ અભ્યાસ JMK Research & Analytics દ્વારા **India Green Steel Network (IGSN)*ના સહયોગથી કરવામાં આવ્યો છે, જે Climate Catalyst દ્વારા સંચાલિત મંચ છે.

અહેવાલમાં 22 સ્ટીલ ક્લસ્ટરનું રાજ્યની નીતિ, વીજળી ખર્ચમાં બચતની સંભાવના, વીજ વપરાશ, અત્યાર સુધી બિનઉપયોગી નવીનીકરણીય ઊર્જા સંભાવના અને જમીનની ઉપલબ્ધતા જેવા માપદંડોના આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યું છે, જેમાં રાયપુર, બેલગાવી, શિમોગા, રાજકોટ અને ભાવનગર ટોચના પાંચમાં રહ્યા છે. તેમાં રાયપુર અને રાજકોટને કેસ સ્ટડી તરીકે રજૂ કરવામાં આવ્યા છે, જેમાં દર્શાવવામાં આવ્યું છે કે એક ફાઉન્ડ્રી એકમ કેટલું રોકાણ કરશે અને કેટલો લાભ મેળવશે.
અહેવાલ અનુસાર, ક્લસ્ટરની એક પ્રતિનિધિ ફાઉન્ડ્રી જો 5 મેગાવોટ (MW)ની ગ્રુપ કેપ્ટિવ સોલાર ઊર્જા યોજનામાં ભાગ લે તો તેના વાર્ષિક વીજળી બિલમાં આશરે ₹2.2 કરોડનો ઘટાડો થઈ શકે છે. આ ક્ષેત્રના MSME માટે વીજળીનો ખર્ચ કુલ સંચાલન ખર્ચના લગભગ 40 ટકા જેટલો હોય છે, જેના કારણે વીજળીની ખરીદી નફાકારકતા માટે સૌથી મહત્વના પરિબળોમાંનું એક બની જાય છે.
અહેવાલમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નીચે દર્શાવેલા તમામ આંકડા સમગ્ર ગ્રુપ કેપ્ટિવ પ્રોજેક્ટ માટે નહીં પરંતુ તેમાં ભાગ લેનારી એક જ ફાઉન્ડ્રી માટે છે. નવીનીકરણીય ઊર્જાની માંગને એકત્ર કરવા માટે અનેક ફાઉન્ડ્રીઓ એક જ પ્લાન્ટમાં ભાગીદાર બને છે.
અહેવાલમાં બે વિકલ્પોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. પ્રથમ, 5 મેગાવોટની ગ્રુપ કેપ્ટિવ સોલાર યોજનામાં ભાગીદારી માટે એક ફાઉન્ડ્રીને આશરે ₹1.4 કરોડનું ઇક્વિટી રોકાણ કરવું પડશે. તેના પરિણામે વીજળીનો દર લગભગ 20 ટકા સુધી ઘટશે અને દર વર્ષે લગભગ ₹2.2 કરોડની બચત થશે.
બીજા વિકલ્પ તરીકે સમાન ક્ષમતાવાળા વિન્ડ-સોલાર હાઇબ્રિડ પ્રોજેક્ટમાં ભાગીદારીથી દર વર્ષે અંદાજે ₹2.6 કરોડ સુધીની બચત થઈ શકે છે. જોકે અહેવાલ મુજબ MSME માટે સોલાર વિકલ્પ વધુ વ્યવહારુ છે, કારણ કે વિન્ડ-સોલાર હાઇબ્રિડ પ્રોજેક્ટમાં મૂડી ખર્ચ વધુ હોય છે, વધુ જમીનની જરૂર પડે છે અને વીજ ઉત્પાદન મોસમી ફેરફારો પર વધુ નિર્ભર રહે છે.
વિકલ્પના આધારે, એક ફાઉન્ડ્રીની ભાગીદારીથી દર વર્ષે અંદાજે 6,800થી 9,460 ટન કાર્બન ડાયોક્સાઇડ સમકક્ષ (CO₂e) ઉત્સર્જનમાં ઘટાડો થઈ શકે છે.
ગ્રુપ કેપ્ટિવ પ્રોજેક્ટ્સને ઓપન એક્સેસ હેઠળ લાગતા વિવિધ સરચાર્જમાંથી પણ રાહત મળે છે, જેના કારણે વીજળી ખર્ચમાં વધુ બચત શક્ય બને છે.
અહેવાલમાં ત્રણ મોડલની સરખામણી કરવામાં આવી છે. ફુલ કેપેક્સ મોડલમાં ફાઉન્ડ્રી પોતે પ્લાન્ટ ઉભો કરીને તેની માલિક બને છે, જેમાં લાંબા ગાળે સૌથી વધુ બચત થાય છે, પરંતુ શરૂઆતમાં મોટું રોકાણ, જમીન અને જાળવણીની ક્ષમતા જરૂરી બને છે. જ્યારે થર્ડ-પાર્ટી ઓપન એક્સેસ મોડલમાં મૂડીરોકાણ કરવાની જરૂર નથી, પરંતુ વિવિધ સરચાર્જને કારણે તેમાં બચત મર્યાદિત રહે છે.
JMK Research & Analyticsના વરિષ્ઠ સલાહકાર પ્રભાકર શર્માએ જણાવ્યું હતું કે, “ક્લસ્ટર આધારિત મોડલ MSME માટે નવીનીકરણીય ઊર્જા સુધી પહોંચ સરળ બનાવી શકે છે.”
CII પૂર્વીય ક્ષેત્રની સ્ટીલ ઉપસમિતિના અધ્યક્ષ અને Godawari Power & Ispat Ltd.ના મેનેજિંગ ડિરેક્ટર સિદ્ધાર્થ અગ્રવાલએ જણાવ્યું હતું કે, “આ કદના એકમો માટે દર વર્ષે ₹2.2 કરોડની બચત ખૂબ જ મહત્વપૂર્ણ છે, ખાસ કરીને એવા ક્ષેત્રમાં જ્યાં નફાનું પ્રમાણ ઓછું હોય. બે વર્ષમાં રોકાણ પરત મળી જાય છે, એટલે આ વ્યવસાયિક રીતે યોગ્ય નિર્ણય છે.”
અહેવાલમાં જણાવાયું છે કે સ્થાનિક ફાઉન્ડ્રી એસોસિયેશનોના માધ્યમથી 50 કિલોમીટરના વિસ્તારમાં આવેલી 5થી 8 એકમોને એકત્ર કરવાથી તેમની ઋણ ક્ષમતા અને ક્રેડિટ પ્રોફાઇલ વધુ મજબૂત બની શકે છે. આ આધારે રાજકોટ માટે 30થી 48 મેગાવોટના ક્લસ્ટર પાયલોટ પ્રોજેક્ટની ભલામણ કરવામાં આવી છે.
WWF-Indiaના સસ્ટેનેબલ બિઝનેસ ડિરેક્ટર વિશાલ દેવએ જણાવ્યું હતું કે, “ભારતના સેકન્ડરી સ્ટીલ ક્ષેત્ર માટે નવીનીકરણીય ઊર્જા માત્ર કાર્બન ઉત્સર્જન ઘટાડવાની વ્યૂહરચના નથી, પરંતુ વ્યવસાયિક સ્પર્ધાત્મકતા વધારવાની પણ વ્યૂહરચના છે. ગ્રુપ કેપ્ટિવ ખરીદી જેવા મોડલ MSMEને વીજળી ખર્ચ ઘટાડવા સાથે ઉત્સર્જન ઘટાડવામાં મદદરૂપ બની શકે છે.”
Climate Catalyst Indiaની કાર્યકારી CEO અને ડિરેક્ટર સાક્ષી બાલાનીએ જણાવ્યું હતું કે, “ભારતના સેકન્ડરી સ્ટીલ ઉત્પાદનમાં MSMEનો મોટો ફાળો છે અને ક્ષેત્રના ડિકાર્બોનાઇઝેશનમાં તેમની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. નવીનીકરણીય ઊર્જાનું એકીકરણ એવા થોડા વિકલ્પોમાંનું એક છે, જે ઉત્પાદન ખર્ચ અને કાર્બન ઉત્સર્જન બંને ઘટાડે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
