અનુપમ રસાયણે બ્લિસ GVS ફાર્માને હસ્તગત કરી
સુરત, 29 સપ્ટેમ્બર, 2026: કસ્ટમ સિન્થેસિસ અને સ્પેશિયાલ્ટી કેમિકલ ક્ષેત્રની ભારતની અગ્રણી કંપનીઓ પૈકીની એક અનુપમ રસાયણ ઇન્ડિયા લિમિટેડ’ (BSE: 543275, NSE: ANURAS)એ બ્લિસ જીવીએસ ફાર્મા લિમિટેડમાં 48.2%નો નિયંત્રણાત્મક હિસ્સો હાંસલ કરવા માટે શેરદીઠ રૂ.299ના ભાવે ચુકવણી કરી દીધી છે. કારોબારના વિસ્તરણ માટે કંપનીનું આ ત્રીજું મહત્વનું ટેકઓવર છે, આ સોદો જેનાથી ફિનિશ્ડ ડોઝ ફોર્મ્યુલેશન સેક્ટરમાં તેની હાજરીમાં વધારો થશે.
અનુપમ રસાયણની સંપૂર્ણ માલિકીની પેટાકંપની મેટ્સ વિઝા કન્સલ્ટન્સી દ્વારા આ સંપાદન પૂર્ણ કરાયું છે. આ અગાઉ 23 મે, 2026ના રોજ કરાર કરાયો હતો અને ત્યાર પછી ઓપન ઓફરની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂરી કરવામાં આવી હતી. આ એક્વિઝિશનને પગલે બ્લિસ જીવીએસ ફાર્મા હવે અનુપમ રસાયણના કેમિકલ અને ફાર્મા બિઝનેસ જૂથનો એક મહત્વપૂર્ણ હિસ્સો બની ગઈ છે.
આ ટેકઓવર માટે બેંકમાંથી રૂ.300 કરોડની ટર્મ લોન લેવા ઉપરાંત, બેઈન કેપિટલ, ટ્રસ્ટ ગ્રુપ તેમજ ઇન્વેસ્ટેક જેવા રોકાણકારો પાસેથી નોન-કંટ્રોલિંગ અને નોન-વોટિંગ સાધનો દ્વારા લગભગ રૂ.1,450 કરોડ ઉભાં કરવામાં આવ્યા છે. આ પ્રકારના ફંડિંગ મોડેલથી કંપની તેની બેલેન્સ શીટને મજબૂત રાખી શકશે અને આગામી સમયમાં નવા વિસ્તરણ માટે જરૂરી ક્ષમતા જાળવી શકશે.
1984માં સ્થપાયેલી બ્લિસ જીવીએસ ફાર્મા એ બ્રાન્ડેડ ફોર્મ્યુલેશન ક્ષેત્રે કાર્યરત કંપની છે, જે એન્ટિ-મેલેરિયા, એન્ટિ ફંગલ, એન્ટિ-બેક્ટેરિયા, એન્ટિ ઈન્ફ્લેમેટરી, ડાયાબિટીસ અને હૃદયરોગ સંબંધિત સારવાર સહિત વિવિધ રોગનિવારક ક્ષેત્રોમાં 150થી વધુ બ્રાન્ડ્સ ધરાવે છે. કંપની મહારાષ્ટ્રમાં 6 મેન્યુફેક્ચરિંગ યુનિટ ધરાવે છે. હાલમાં કંપની પોતાના પ્લાન્ટ્સની કુલ ક્ષમતાના માત્ર 30% જેટલો જ ઉપયોગ કરી રહી હોવાથી ભવિષ્યમાં કારોબારની વૃદ્ધિ માટે વિશાળ તકો રહેલી છે.

આ એક્વિઝિશન અંગે બોલતાં, અનુપમ રસાયણ ઇન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર આનંદ દેસાઈએ જણાવ્યું હતું કે, વૈવિધ્યસભર, એકીકૃત અને નવીનતા-આધારિત વૈશ્વિક ફાર્માસ્યુટિકલ પ્લેટફોર્મ બનાવવાની અમારી લાંબા ગાળાની વ્યૂહરચનામાં આ સોદો એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સમાન છે.
બ્લિસ જીવીએસ ફાર્માનું ટેકઓવર એ અનુપમ રસાયણની એક્વિઝિશન દ્વારા બિઝનેસ વધારવાની ઈનઓર્ગેનિક વૃદ્ધિની વ્યૂહરચનાનો જ એક ભાગ છે, આવા દરેક સોદા સાથે ગ્રુપના કારોબારમાં એક નવી ક્ષમતાનો ઉમેરો થાય છે. અનુપમ રસાયણ, ટેનફેક ઇન્ડસ્ટ્રીઝ, જયહોક ફાઇન કેમિકલ્સ અને બ્લિસ જીવીએસ ફાર્માના એકીકરણ પછી, આ સંયુક્ત પ્લેટફોર્મની પ્રો-ફોર્મા આવક રૂ.4,000 કરોડથી વધુ અને EBITDA આશરે રૂ.834 કરોડ રહેવાનો અંદાજ છે. આ પ્રો-ફોર્મા આવકમાં અનુપમ રસાયણનો સ્ટેન્ડઅલોન હિસ્સો રૂ.1,676 કરોડ, ટેનફેક ઇન્ડસ્ટ્રીઝનો રૂ.711 કરોડ, જયહોક ફાઇન કેમિકલ્સનો રૂ.722 કરોડ અને બ્લિસ જીવીએસ ફાર્માનો રૂ.927 કરોડનો હિસ્સો રહેવાનો અંદાજ છે.
અનુપમ રસાયણે ફેબ્રુઆરી,2026માં અમેરિકાના કેન્સાસના ગલેનામાં આવેલી સ્પેશિયાલિટી કેમિકલ ઉત્પાદક કંપની જયહોક ફાઇન કેમિકલ્સ કોર્પોરેશનનો 100% હિસ્સો આશરે 134 મિલિયન ડોલરમાં હસ્તગત કર્યો હતો.
બ્લિસ જીવીએસ ફાર્માના સંપાદન સાથે, અનુપમ રસાયણ કસ્ટમ સિન્થેસિસ, સ્પેશિયાલ્ટી કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ ઇન્ટરમીડિયેટ્સ ક્ષેત્રે પોતાની સ્થાપિત ક્ષમતાઓથી આગળ વધીને ફિનિશ્ડ ડોઝ ફોર્મ્યુલેશન્સ સુધી પોતાની વેલ્યુ ચેઇનનું વિસ્તરણ કરી રહી છે.
આ ટેકઓવર સાથે હવે ચાર પૂરક ક્ષેત્રોમાં કામ કરતી એકબીજાને મદદરૂપ એવી કંપનીઓ ભેગી થઈ છે. આનાથી સ્પેશિયાલ્ટી કેમિકલ્સ, ફાર્મા ઇન્ટરમીડિયેટ્સ, એડવાન્સ્ડ મટિરિયલ્સ અને ફિનિશ્ડ ફોર્મ્યુલેશન બનાવતું એક મોટું અને મજબૂત ઇન્ટિગ્રેટેડ પ્લેટફોર્મ ઊભું થયું છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
