અદાણી એનર્જી સોલ્યુશન્સને પ.બંગાળમાં ૨૫૦૦ મેગાવોટ રિન્યુએબલ એનર્જી પુરી પાડવા લેટર ઓફ એવોર્ડ મળ્યો

અમદાવાદ, 23 નવેમ્બર: અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, પાવરપલ્સ ટ્રેડિંગ સોલ્યુશન્સ લિ..ને પશ્ચિમ  બંગાળ રાજય વીજ વિતરણ કંપની તરફથી ૨૫ વર્ષ માટે ચોવીસ કલાક ૧,૭૫૦ મેગાવોટ  રિન્યુએબલ એનર્જી પૂરી પાડવા માટે ‘લેટર ઓફ એવોર્ડ’  મળ્યો હોવાની આજે માહિતી આપી હતી. આ એવોર્ડમાં સામેલ ૭૫૦ મેગાવોટનો ‘ગ્રીનશૂ વિકલ્પ’ નો ઉપયોગ કરવામાં આવે છે તો કરારબદ્ધ કુલ ક્ષમતા વધીને ૨,૫૦૦ મેગાવોટ થશે.

આ એવોર્ડ માટે હાથ ધરવામાં આવેલી સ્પર્ધાત્મક બિડિંગની પ્રક્રિયામાં ‘ઈ-રિવર્સ ઓક્શન’ બાદ પાવરપલ્સ ટ્રેડિંગ સોલ્યુશન્સ લિ. સફળ બિડર તરીકે ઉભરી આવી હતી. ૧ જુલાઈ ૨૦૨૮થી ૧,૭૫૦ મેગાવોટ વીજ પુરવઠો પૂરો પાડવાનો આરંભ કરવા આયોજન છે, ગ્રીનશૂ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવશે તો ૭૫૦ મેગાવોટનો પુરવઠો ૧ એપ્રિલ ૨૦૨૯થી શરૂ થશે.

અદાણી એનર્જી સોલ્યુશન્સના સી.ઈ.ઓ કંદર્પ પટેલે જણાવ્યું હતું કે  રિન્યુએબલ એનર્જીની ટકાઉ ક્ષમતાને ટ્રાન્સમિશન સિસ્ટમ્સના શ્રેષ્ઠ ઉપયોગ સાથે જોડાવાથી ભારતની ઊર્જા સંક્રમણ પ્રક્રિયામાં ચોવીસ કલાક રિન્યુએબલ પાવર નિર્ણાયક ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળની લાંબા ગાળાની ટકાઉ ઊર્જા જરૂરિયાતોને આધાર આપવા માટે પશ્ચિમ બંગાળ રાજય વીજ વિતરણ કંપની સાથે ભાગીદારી કરવાની તક આપતો આ મહત્વનો ઓર્ડર વિસ્તારી શકાય તેવા ઊર્જા ઉકેલો પૂરા પાડવાની કંપનીની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. પટેલે ઉમેર્યું હતું કે PTSL મોટા પાયે વીજળીનો વપરાશ કરતા ગ્રાહકો માટે એક પસંદગીના ભાગીદાર તરીકે ઝડપથી ઉભરી રહી છે, કારણ કે તે ગ્રાહકોની ચોક્કસ ઊર્જા જરૂરિયાતો મુજબ વિશિષ્ટ અને સ્કેલેબલ ઉકેલો તૈયાર કરવાની ક્ષમતા ધરાવે છે.”

પાવરપલ્સ ટ્રેડિંગ સોલ્યુશન્સ લિ.ના ઊર્જા ઉકેલોના વિસ્તરતા પોર્ટફોલિયોમાં એક મહત્વનો ઉમેરો છે. કંપનીએ લગભગ ૪.૬ ગીગાવોટ સૌર અને પવન ઉર્જા તેમજ ૩.૫ ગીગાવોટ-અવર ક્ષમતાની બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સાથે જોડાણ કર્યું છે. અને કંપની ઉદ્યોગો, ડેટા સેન્ટર્સ, વ્યાપારી એકમો અને વીજ વિતરણ કંપનીઓ જેવા મોટા ગ્રાહકો સાથે લાંબા ગાળાના પુરવઠા કરારો કરીને પોતાની સપ્લાય ક્ષમતાને સતત મજબૂત બનાવી રહી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)