ટાટા ગ્રૂપ વિવાદઃ એન. ચંદ્રશેખરનની પુનઃનિયુક્તિને ટાટા ટ્રસ્ટ્સે બોમ્બે હાઈકોર્ટમાં પડકારી

મુંબઈ, 26 નવેમ્બર: નોએલ ટાટાના નેતૃત્વ હેઠળના ટાટા ટ્રસ્ટ્સે ગુરુવારે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનની પુનઃનિયુક્તિને પડકારી છે. આ કાનૂની પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે જ્યારે ટ્રસ્ટના બે નોમિની ડિરેક્ટરો વચ્ચે મતભેદ હોય, ત્યારે ટાટા સન્સના ચેરમેન પોતાના ‘કાસ્ટિંગ વોટ’ (નિર્ણાયક મત) નો ઉપયોગ કરીને બોર્ડના ઠરાવો પસાર ન કરી શકે.

આ હાઈ-પ્રોફાઈલ કેસમાં ટાટા સન્સ તરફથી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે લંડનથી આવીને દલીલો કરે તેવી શક્યતા છે, જ્યારે ટાટા ટ્રસ્ટ્સ તરફથી અભિષેક મનુ સિંઘવી અને જનક દ્વારકાદાસ (સિરિલ અમરચંદ મંગલદાસની ટીમ સાથે) હાજર રહેશે. જેની સુનાવણી આવતીકાલે (27 નવેમ્બરે) બપોરે ત્રણ વાગ્યે જસ્ટિસ અભય આહુજા સમક્ષ થશે.
ટ્રસ્ટ્સે અરજીમાં સામૂહિક રીતે રૂ. 65 કરોડના નુકસાનની ભરપાઈ માંગી છે, જેમાં વાર્ષિક 18 ટકા વ્યાજ સાથે સર દોરાબજી ટાટા ટ્રસ્ટ (SDTT) દ્વારા રૂ. 50 કરોડ અને સર રતન ટાટા ટ્રસ્ટ (SRTT) દ્વારા રૂ. 15 કરોડનો દાવો કર્યો છે. તેમજ ટાટા સન્સની 30 નવેમ્બરે યોજાનારી બેઠક પહેલાં આ મામલે વચગાળાની તાત્કાલિક રાહત આપવાની માગ પણ કરી છે.

શું છે સમગ્ર વિવાદ?
17 સપ્ટેમ્બરના રોજ ટાટા સન્સના બોર્ડે એન. ચંદ્રશેખરનને વધુ પાંચ વર્ષ માટે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે ફરીથી નિયુક્ત કરવાનો ઠરાવ પસાર કર્યો હતો. આ ઠરાવ 4:1ની બહુમતીથી પસાર થયો હતો, જેમાં વેણુ શ્રીનિવાસન, હરીશ મનવાની, અનિતા એમ. જ્યોર્જ અને સૌરભ અગ્રવાલે તરફેણમાં મત આપ્યો હતો, જ્યારે ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટાએ વિરોધમાં મતદાન કર્યું હતું અને ચંદ્રશેખરન મતદાનથી દૂર રહ્યા હતા.

ટાટા ટ્રસ્ટ્સની મુખ્ય દલીલો અને માંગણીઓ:
ટાટા સન્સમાં 66 ટકા હિસ્સો ધરાવતા ટાટા ટ્રસ્ટ્સની દલીલ છે કે આ ઠરાવ ‘આર્ટિકલ્સ ઓફ એસોસિએશન’ (AoA) ની વિરુદ્ધ હોવાથી શરૂઆતથી જ અમાન્ય છે. કંપનીના નિયમ (AoA કલમ 104B અને 121) મુજબ, કોઈપણ મોટા નિર્ણય માટે ટાટા ટ્રસ્ટ્સના નોમિની ડિરેક્ટરોની બહુમતી જરૂરી છે. બોર્ડમાં ટ્રસ્ટના બે નોમિની ડિરેક્ટર (નોએલ ટાટા અને વેણુ શ્રીનિવાસન) છે. બંનેના મત અલગ-અલગ હોવાથી જરૂરી બહુમતી મળી ન હતી. સર દોરાબજી ટાટા ટ્રસ્ટ (SDTT)એ 30 નવેમ્બરે યોજાનારી આગામી બોર્ડ મીટિંગ પહેલાં માંગ કરી છે કે જ્યારે બે ટ્રસ્ટ નોમિની અસંમત હોય ત્યારે ચેરમેનના કાસ્ટિંગ વોટ પર રોક લગાવવામાં આવે. પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડના કાનૂની અભિપ્રાયમાં પણ આ વાતને સમર્થન આપવામાં આવ્યું છે.

AGM અને શેરહોલ્ડર મંજૂરીમાં અવરોધ
નિયમ મુજબ ચંદ્રશેખરનની પુનઃનિયુક્તિ માટે વાર્ષિક સામાન્ય સભા (AGM)માં શેરધારકોની મંજૂરી જરૂરી છે, જ્યાં ટાટા ટ્રસ્ટ્સ પાસે 66 ટકા હિસ્સા સાથે વીટો પાવર છે. જોકે, મહારાષ્ટ્ર ચેરિટી કમિશનરના એક આદેશને કારણે SRTT બોર્ડની કાર્યવાહી પર રોક લાગી હોવાથી બંને ટ્રસ્ટ સંયુક્ત પ્રતિનિધિ નિયુક્ત કરી શક્યા નથી. આ કારણે 18 ઓગસ્ટની AGM મોકૂફ રાખવી પડી હતી અને સમગ્ર પ્રક્રિયા અટવાયેલી છે.