અમદાવાદ, 1 એપ્રિલઃ લુધિયાણામાં હેડક્વાર્ટર ધરાવતી ઓટો કોમ્પોનન્ટ્સ ઉત્પાદક કંપની કે જે ફોર્જિંગ્સ લિમિટેડે પોતાના પ્રસ્તાવિત આઈપીઓ માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયામાં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) દાખલ કર્યુ છે.

પ્રસ્તાવિત ઇશ્યૂમાં કુલ રૂ. 300 કરોડ સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને હાલના શેરહોલ્ડર્સ દ્વારા રૂ. 60 કરોડ સુધીની ઓફર ફોર સેલ (ઓએફએસ) નો સમાવેશ થાય છે.

કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત થનારી કુલ રકમનો ઉપયોગ મૂડી ખર્ચ અને દેવું ઘટાડવા માટે કરવાની યોજના ધરાવે છે. તેમાં રૂ. 118.8 કરોડ નવી ફોર્જિંગ ફેસિલિટી, મશીનિંગ ફેસિલિટી અને સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવા માટે ઉપયોગમાં લેવાશે, જ્યારે રૂ. 90.51 કરોડ ચોક્કસ ઉધારની ચુકવણી અથવા પૂર્વચુકવણી માટે વાપરવામાં આવશે. બાકી રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ફાળવવામાં આવશે. કંપની બુક રનિંગ લીડ મેનેજરની સલાહથી રૂ. 40 કરોડ સુધીનું પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ કરવાની પણ વિચારણા કરી શકે છે અને જો આમ થાય તો ફ્રેશ ઇશ્યૂની સાઇઝ તે પ્રમાણે ઘટાડવામાં આવશે.

કે જે ફોર્જિંગ્સ એક બીટુબી પ્રિસિઝન એન્જિનિયરિંગ કંપની છે, જે મશીન્ડ કોમ્પોનન્ટ્સના ઉત્પાદન સાથે સંકળાયેલી છે અને મુખ્યત્વે ઓટોમોટિવ ક્ષેત્રના ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (ઓઈએમ)ને સપ્લાય કરે છે. સાથે સાથે કંપની ફાર્મ ઇક્વિપમેન્ટ, માઇનિંગ ઇક્વિપમેન્ટ અને ઇલેક્ટ્રોનિક હોમ એપ્લાયન્સિસ જેવા પસંદગીના નોન-ઓટોમોટિવ સેગમેન્ટ્સમાં પણ કામ કરે છે. કંપનીએ 286 પ્રોડક્ટ્સનો વૈવિધ્યસભર પોર્ટફોલિયો વિકસાવ્યો છે.

કંપની ભારતના ટુ-વ્હીલર ઓઈએમ માટે ક્રેન્કશાફ્ટ અને ક્રેન્કશાફ્ટ એસેમ્બલીઝની સૌથી મોટી સપ્લાયર છે અને નાણાંકીય વર્ષ 2025માં સ્થાનિક સ્તરે અંદાજિત 36 ટકા જેટલો બજાર હિસ્સો ધરાવે છે. ફોર્જિંગ પર કેન્દ્રિત કંપનીઓથી ઇન્ટિગ્રેટેડ ફોર્જિંગ અને મશીનિંગ સોલ્યુશન્સ પ્રોવાઇડર તરીકે વિકાસ સાધીને કંપનીએ ગ્રાહકો સાથેના સંબંધોને મજબૂત બનાવ્યા છે અને અનેક ઓઈએમ માટે મુખ્ય સપ્લાયર બની છે.

કંપની હાલમાં પંજાબના લુધિયાણા અને તમિલનાડુના હોસુર ખાતે આવેલી છ મેન્યુફેક્ચરિંગ સુવિધાઓ ચલાવે છે, જેમાં કુલ મળીને આશરે 46,795 ચોરસ મીટરનો બિલ્ટ-અપ એરિયા છે.

30 સપ્ટેમ્બર, 2025 સુધી કંપનીએ ટીવીએસ મોટરના ટુ-વ્હીલર મોડલ્સ માટે દરરોજ સરેરાશ આશરે 11,587 ક્રેન્કશાફ્ટ એસેમ્બલીઝ અને 4,909 લોઅર બ્રેકેટ એસેમ્બલીઝની સપ્લાય કરી હતી.

નાણાંકીય બાબતે કંપનીએ નાણાંકીય વર્ષ 2025માં કામગીરીમાંથી રૂ. 750.46 કરોડની આવક નોંધાવી હતી, જે નાણાંકીય વર્ષ 2024ની રૂ. 672.31 કરોડ કરતાં વધુ હતી. નાણાંકીય વર્ષ 2025માં ચોખ્ખો નફો રૂ. 29.01 કરોડ રહ્યો હતો, જે નાણાંકીય વર્ષ 2024ના રૂ. 24.12 કરોડ કરતાં વધારો દર્શાવે છે, જ્યારે સમાન ગાળામાં એબિટા રૂ. 64.71 કરોડમાંથી વધીને રૂ. 71.49 કરોડ થઇ હતી. 30 સપ્ટેમ્બર, 2025 સુધીના છ મહિનાના ગાળામાં ચોખ્ખો નફો રૂ. 21.35 કરોડ રહ્યો હતો.

કંપનીની લિસ્ટેડ સાથી કંપનીઓમાં રામકૃષ્ણ ફોર્જિંગ્સ લિમિટેડ, કલ્યાણી ફોર્જ લિમિટેડ, સાનેર એન્જિનિયરિંગ લિમિટેડ અને રોલેક્સ રિંગ્સ લિમિટેડનો સમાવેશ થાય છે.

ઇક્વિટી શેરોને બીએસઈ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ પર લિસ્ટ કરવાની યોજના છે. પીએલ કેપિટલ લિમિટેડ આ ઇશ્યૂના એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)