POLYCAB INDIA LIMITEDની નાણાકીય વર્ષ 2025-26માં આવક ₹ 285થી વધી, નફાકારકતા ₹ 27 અબજ

મુંબઈ, 8 મે, 2026: પોલીકેબ ઇન્ડિયા લિમિટેડએ 31 માર્ચ, 2026ના રોજ પૂર્ણ થયેલા ચોથા ત્રિમાસિક ગાળા અને નાણાકીય વર્ષ 2025-26 માટે એના પરિણામોની જાહેરાત આજે કરી હતી.

પોલીકેબ ઇન્ડિયા લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ઇન્દર ટી. જયસિંઘાનીએ કંપનીની કામગીરી પર કહ્યું હતું: “અમારી કંપની માટે નાણાકીય વર્ષ 2025-26 નિર્ણાયક વર્ષ રહ્યું છે, જેમાં અમારા મજબૂત અમલીકરણ અને સ્થાનિક બજારનો હિસ્સો ઝડપવાની અમારી ક્ષમતા બહાર આવી હતી. વર્ષ દરમિયાન સ્થાનિક બજારમાં અમારો હિસ્સો વધીને અંદાજે 3થી 4 ટકા થયો હતો. આ વૃદ્ધિ પ્રોજેક્ટ સ્પ્રિંગની સફળતા દર્શાવે છે, જેણે માળખાગત રીતે અમારી સ્પર્ધાત્મક સ્થિતિને વધારી છે અને અમને સંપૂર્ણ ઉદ્યોગમાં શ્રેષ્ઠ કામગીરી કરવા સક્ષમ બનાવ્યાં છે. અમે નાણાકીય વર્ષ 2025-26ના ચોથા ત્રિમાસિક ગાળામાં સારી કામગીરી સાથે વર્ષ પૂર્ણ કર્યું છે. ચોથા ત્રિમાસિક ગાળામાં કુલ આવકમાં વાર્ષિક ધોરણે 27 ટકાનો વધારો થયો છે, જે માટે અમારા વાયર્સ એન્ડ કેબલ્સ તથા FMEG સેગમેન્ટમાં સતત માગ જવાબદાર હતી. બાહ્ય સ્થિતિસંજોગો પડકારજનક હોવા છતાં અમે અત્યાર સુધી કોઈ પણ ત્રિમાસિક ગાળામાં સૌથી વધુ ₹7.9 અબજનો ચોખ્ખો નફો (PAT) હાંસલ કર્યો હતો.

મુખ્ય નાણાકીય કામગીરીઓ (નાણાકીય વર્ષ 2025-26નો ચોથો ત્રિમાસિક ગાળો)

  • કંપનીની કુલ આવક વાર્ષિક ધોરણે 27 ટકા વધીને ₹ 88,645 મિલિયન થઈ હતી. આ ઊંચી વૃદ્ધિ વાયર્સ એન્ડ કેબલ્સ (W&C) અને ફાસ્ટ મૂવિંગ ઇલેક્ટ્રિકલ ગૂડ્સ (FMEG) વ્યવસાય એમ બંનેમાં મજબૂત અમલીકરણનું પરિણામ હતી.
  • ત્રિમાસિક ગાળામાં ઉદ્યોગમાં એકથી વધારે અવરોધો ઊભા થયા હોવા છતાં 30 ટકાની ઊંચી સ્થાનિક વૃદ્ધિ સાથે W&C સેગમેન્ટમાં વાર્ષિક ધોરણે 30 ટકાની વૃદ્ધિ થઈ હતી. આ માટે પ્રોજેક્ટ સ્પ્રિંગ અંતર્ગત ઉત્કૃષ્ટ અમલીકરણ જવાબદાર  હતું, જેણે કંપનીને વર્ષ દરમિયાન બજારહિસ્સામાં 3થી 4 ટકાનો લાભ મેળવવા પણ સક્ષમ બનાવી હતી. ત્રિમાસિક ગાળામાં વાયર્સની સરખામણીમાં કેબલ્સનો વ્યવસાય વધારે હતો. કેબલ્સ સેગમેન્ટમાં ચેનલ વેચાણની વૃદ્ધિ કરતાં સંસ્થાગત વેચાણની વૃદ્ધિ વધારે હતી. આંતરરાષ્ટ્રીય વ્યવસાયે વાર્ષિક ધોરણે 18 ટકાની ઊંચી વૃદ્ધિ કરી હતી, જેણે કુલ આવકમાં 4.4 ટકાનું પ્રદાન કર્યું હતું. ઊંચા સંસ્થાગત વેચાણ અને કામગીરીમાં ઘટાડાને કારણે પ્રતિકૂળ મિશ્ર પરિવર્તનને પરિણામે માર્જિનમાં વાર્ષિક ધોરણે ઘટાડો થયો હતો. EBITDA માર્જિન 12 ટકાથી 14 ટકાના ગાઇડન્સ રેન્જમાં જળવાઈ રહ્યું છે.
  • FMEG વ્યવસાયે ચોથા ત્રિમાસિક ગાળામાં શાનદાર કામગીરી સાથે સારી રીતે વર્ષ પૂર્ણ કર્યું હતું, જેમાં ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે 47 ટકાની વૃદ્ધિ થઈ હતી. તમામ પ્રોડેક્ટ કેટેગરીઓએ તેમની વૃદ્ધિનો દર જાળવી રાખ્યો હતો. સોલર ઉત્પાદનો ઉત્કૃષ્ટ કેટેગરી તરીકે બહાર આવી હતી, જેમાં વાર્ષિક ધોરણે આશરે બેગણી (2x) વૃદ્ધિ થઈ હતી અને FMEG પોર્ટફોલિયોમાં સૌથી મોટી કેટેગરી બની ગઈ છે. બ્રાન્ડ-બિલ્ડિંગની વિવિધ પહેલોમાં ઊંચું રોકાણ કર્યું હોવા છતાં સેગમેન્ટની નફાકારકતા સતત વધી છે. એને કામગીરીમાં વધારા અને અનુકૂળ મિશ્ર ઉત્પાદનનું પીઠબળ મળ્યું હતું, જે નાણાકીય વર્ષ 2029-30 સુધીમાં EBITDA માર્જિન 8થી 10 ટકા હાંસલ કરવાના પ્રોજેક્ટ સ્પ્રિંગ ગાઇડન્સને સુસંગત છે.
  • EPC વ્યવસાયની આવકને પ્રોજેક્ટ અમલીકરણ ચક્રના સમયથી અસર થઈ હતી, જેને પરિણામે ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે 15 ટકાનો ઘટાડો થયો હતો. ત્રિમાસિક ગાળામાં EBIT માર્જિન 7.6% હતું.
  • EBITDA વાર્ષિક ધોરણે 13 ટકા વધી હતી, તો કુલ માર્જિન 13.1 ટકા વધ્યું હતું.
  • ચોખ્ખો નફો કે કરવેરાની ચુકવણી પછીનો નફો (PAT) વાર્ષિક ધોરણે 7 ટકા વધ્યો હતો, તો PAT માર્જિનમાં 8.9 ટકાનો વધારો થયો હતો.

મુખ્ય નાણાકીય પરિણામો (નાણાકીય વર્ષ 2025-26)

  • કંપનીએ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સર કર્યું છે અને તેની વાર્ષિક આવક પહેલી વાર ₹ 285 અબજથી વધી ગઈ હતી. આવક વાર્ષિક ધોરણે 29 ટકા વધીને ₹ 2,88,838 મિલિયન થઈ હતી, જે નાણાકીય વર્ષ 2024-25માં
    ₹ 2,24,083 મિલિયન હતી.
    • W&C વ્યવસાયની આવક વાર્ષિક ધોરણે 33 ટકા વધીને ₹ 2,51,789 મિલિયન થઈ હતી, જે નાણાકીય વર્ષ 2024-25માં ₹ 1,88,881 મિલિયન હતી. આવકમાં વૃદ્ધિ માટે વિતરણ અને સંસ્થાગત વ્યવસાયો એમ બંનેમાં ઊંચી વૃદ્ધિ જવાબદાર હતી. કુલ આવકમાં આંતરરાષ્ટ્રીય વ્યવસાયે પણ 5.4 ટકાનું પ્રદાન કર્યું હતું.
    • FMEG વ્યવસાય વાર્ષિક ધોરણે 25 ટકા વધીને ₹ 20,693 મિલિયન થયો હતો, જે નાણાકીય વર્ષ 2024-25માં
      ₹ 16,535 મિલિયન હતો.
    • EBIT માર્જિન 9.9 ટકા સાથે EPC વ્યવસાયમાં વાર્ષિક ધોરણે 13 ટકાનો ઘટાડો થયો હતો.
  • EBITDA વાર્ષિક ધોરણે 35 ટકા વધીને ₹ 40,057 મિલિયન થઈ હતી, જે નાણાકીય વર્ષ 2024-25માં ₹ 29,602 મિલિયન હતી. EBITDA માર્જિન 13.9% હતું.
  • ચોખ્ખો નફો કે કરવેરાની ચુકવણી પછીનો નફો (PAT) વાર્ષિક ધોરણે 32 ટકા વધીને ₹ 27,084 મિલિયન થયો હતો, જે ગયા વર્ષે ₹ 20,455 મિલિયન હતો અને અત્યાર સુધી કોઈ પણ વર્ષનો સૌથી વધારે PAT (ચોખ્ખો નફો) હતો. PAT માર્જિન 9.4 ટકા હતું.
  • 31 માર્ચ, 2026 સુધી ચોખ્ખી રોકડ ₹ 41.9 અબજ હતી, જે ગયા વર્ષે ₹ 24.6 અબજ હતી.
  • બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે નાણાકીય વર્ષ 2025-26 માટે શેરદીઠ ₹ 47 ડિવિડન્ડ આપવાની દરખાસ્ત રજૂ કરી છે, જે કંપનીના શેરની ફેસ વેલ્યુના 470 ટકા છે. એનાથી કંપનીની ડિવિડન્ડની ચુકવણી 27.2 ટકા થઈ છે, જે ગયા વર્ષે 26.3 ટકા હતી, જે નાણાકીય વર્ષ 2029-30 સુધી ડિવિડન્ડની ચુકવણી વધારીને 30 ટકાથી વધારે (>30%) કરવાના પ્રોજેક્ટ સ્પ્રિંગ લક્ષ્યાંકને સુસંગત છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)