અમદાવાદ, 1 જૂન : અમદાવાદ સ્થિત સનસ્ટાર લિમિટેડ, મકાઈ આધારિત વિશિષ્ટ ઉત્પાદનો અને ઘટક ઉકેલો ક્ષેત્રની અગ્રણી કંપની, એ આજે અમેરિકાની 7.2 બિલિયન ડોલરની બહુરાષ્ટ્રીય કંપની ઇન્ગ્રેડિયન ઇન્કોર્પોરેટેડ (NYSE: INGR) સાથે બે મહત્વપૂર્ણ કરારો કર્યા છે. આ વ્યૂહાત્મક ભાગીદારીનો હેતુ ભારતના વિશિષ્ટ ઘટકો (Specialty Ingredients) ક્ષેત્રમાં વિકાસને વેગ આપવાનો છે. આ કરારો જરૂરી શેરધારકો તથા અન્ય નિયમનકારી મંજૂરીઓને આધીન રહેશે.

આ ભાગીદારી હેઠળ ઇન્ગ્રેડિયન સનસ્ટારમાં પ્રેફરન્શિયલ ઇક્વિટી રોકાણ કરશે તેમજ ભારતમાં વિશિષ્ટ ફાર્માસ્યુટિકલ એક્સિપિયન્ટ્સ અને અન્ય ઉચ્ચ મૂલ્યવાળા ઘટક ઉત્પાદનો માટે સંયુક્ત માલિકીની કંપની સ્થાપવાની યોજના પણ ધરાવે છે.

સનસ્ટાર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ ચૌધરીએ જણાવ્યું હતું કે, “ઇન્ગ્રેડિયન સાથેની આ ભાગીદારી સનસ્ટારના વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સમાન છે. મકાઈના સ્ટાર્ચ ઉત્પાદક તરીકેની અમારી ઓળખમાંથી હવે અમે સંપૂર્ણ વિશિષ્ટ ઘટકોની કંપની તરીકે આગળ વધી રહ્યા છીએ. પ્રેફરન્શિયલ ઇશ્યૂ દ્વારા અમને વૈશ્વિક સ્તરના વ્યૂહાત્મક રોકાણકારનો સહયોગ મળશે, જ્યારે સંયુક્ત સાહસ અમને ઉચ્ચ ગુણવત્તાવાળા અને નવીન ઉત્પાદનો વિકસાવવાની તક આપશે. આ સહયોગ અમારા તમામ હિતધારકો માટે લાંબા ગાળાના મૂલ્ય નિર્માણમાં મદદરૂપ બનશે તેવી અમને પૂરી આશા છે.”

પ્રથમ કરાર હેઠળ, સાનસ્ટારના બોર્ડે ઇન્ગ્રેડિયનની સહાયક કંપની કોર્ન પ્રોડક્ટ્સ ડેવલપમેન્ટ ઇન્ક. ને રૂ. 110 પ્રતિ શેરના દરે ઇક્વિટી શેરોના પ્રેફરન્શિયલ ફાળવણીને મંજૂરી આપી છે. આ પ્રક્રિયા કંપની અધિનિયમ 2013, સેબી (ICDR) નિયમો 2018 તથા અન્ય લાગુ કાયદા અને નિયમો અનુસાર કરવામાં આવશે. આ પ્રસ્તાવિત વ્યવહાર હેઠળ કુલ રૂ. 198.3 કરોડનું ભંડોળ એકત્રિત કરવામાં આવશે.

આ પ્રેફરન્શિયલ ફાળવણી માટે સનસ્ટાર ટૂંક સમયમાં અસાધારણ સામાન્ય સભા (EGM) દ્વારા શેરધારકોની મંજૂરી મેળવશે. આ ભંડોળ કંપનીની ઉત્પાદન ક્ષમતા વધારવા, વિશિષ્ટ મૂલ્યવર્ધિત ઉત્પાદનોના વિકાસ અને વ્યવસાયના વિસ્તરણમાં મદદરૂપ બનશે. સાથે જ અદ્યતન સ્ટાર્ચ ડેરિવેટિવ્સ, પ્લાન્ટ આધારિત ઘટકો અને ફાર્માસ્યુટિકલ એક્સિપિયન્ટ્સ ક્ષેત્રે ટેક્નોલોજી ટ્રાન્સફર તથા જ્ઞાનના આદાન-પ્રદાનને પ્રોત્સાહન મળશે.

બીજા કરાર હેઠળ, સનસ્ટાર અને ઇન્ગ્રેડિયન ભારતમાં સંયુક્ત માલિકીની કંપની સ્થાપશે, જે વિશિષ્ટ ફાર્માસ્યુટિકલ અને અન્ય ઉચ્ચ મૂલ્યવાળા ઘટકોના ઉત્પાદન, વેચાણ અને વિતરણનું કાર્ય કરશે. આ કંપની પશ્ચિમ ભારતમાં નવી ઉત્પાદન સુવિધા સ્થાપવાની યોજના ધરાવે છે.

ઇન્ગ્રેડિયન ઇન્કોર્પોરેટેડના ચેરમેન, પ્રમુખ અને સીઈઓ જિમ ઝેલીએ જણાવ્યું હતું કે, “ભારત ઇન્ગ્રેડિયન માટે ઝડપથી વિકસતું મહત્વપૂર્ણ બજાર છે. સનસ્ટાર સાથેની ભાગીદારી અમને સ્થાનિક સ્તરે મજબૂત અને વિશ્વસનીય ભાગીદાર સાથે કાર્ય કરવાની તક આપે છે. સનસ્ટારની ઉત્પાદન અને સોર્સિંગ ક્ષમતાઓ તેમજ ઇન્ગ્રેડિયનની વૈશ્વિક તકનીકી અને માર્કેટિંગ કુશળતા સાથે મળીને ભારતીય ગ્રાહકોની બદલાતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે નવી તકો સર્જશે. આ ઉપરાંત ભારતમાંથી નિકાસની સંભાવનાઓ પણ વધશે.”

આ ભાગીદારી અંતર્ગત ઇન્ગ્રેડિયન વૈશ્વિક સ્તરની ટેક્નોલોજી, પ્રક્રિયા અને એપ્લિકેશન સંબંધિત નિષ્ણાતી પૂરી પાડશે, જ્યારે સનસ્ટાર સ્થાનિક ઉત્પાદન, ખરીદી અને નિયમનકારી પ્રક્રિયાઓમાં પોતાની કુશળતા અને અનુભવનો ફાળો આપશે.