AMA- OIA MSME કોન્ક્લેવ ૨૦૨૬ MSME ઉદ્યોગ સાહસિકોને સ્માર્ટ રીતે મેન્યુફેક્ચરિંગ અપનાવવા પ્રોત્સાહિત કર્યા

અમદાવાદ, 6 ઓગસ્ટ:  અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) દ્વારા ઓઢવ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (OIA) ના સહયોગથી ‘MSME કોન્ક્લેવ ૨૦૨૬’ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉદ્યોગ સાહસિકો, આગેવાનો અને નિષ્ણાતો ત્રણ મુખ્ય વિષયો — ઇનોવેટ (નવીનતા), ઇન્ટિગ્રેટ (એકીકરણ), અને ઇન્ટરનેશનલાઇઝ (વૈશ્વિકીકરણ) પર એકત્રિત થયા હતા. આ અડધા દિવસની કોન્ક્લેવ દરમિયાન AMA-OIA ના ઉદ્યોગ અને એકેડેમિયા વચ્ચેના ૨ વર્ષના સહયોગી કાર્યને રજૂ કરતા ‘AMA- OIA ન્યૂઝલેટર ૨૦૨૫-૨૬’ નું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું.

સ્વાગત પ્રવચન આપતા, OIA ના પ્રમુખ અને જેકટેક હાઇડ્રોલિક્સના ડિરેક્ટર મુકેશ વેકરિયાએ આ કોન્ક્લેવને “માત્ર એક સેમિનાર નહીં, પરંતુ વિઝન અને વૃદ્ધિનો સંગમ” ગણાવ્યો હતો. તેમણે MSME ઉદ્યોગોને AI, ઓટોમેશન અને ડિજિટલ મેન્યુફેક્ચરિંગ અપનાવવા તથા ઓઢવને ઇનોવેશન હબ તરીકે સ્થાપિત કરવા પ્રોત્સાહિત કર્યા હતા. પોતાના થીમ એડ્રેસમાં, AMA એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય અને ડૉ. જેમીન વસા AMA-MSME ડેવલપમેન્ટ સેન્ટરના પ્રમોટર ડૉ. જેમીન વસાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે AI અને ઇન્ડસ્ટ્રી ૪.૦ ની મદદથી અમારો ધ્યેય “વધુ ઉત્પાદન કરવાનો નથી, પરંતુ સ્માર્ટ રીતે ઉત્પાદન કરવાનો” છે.

AMA એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય પદ્મિન બુચ દ્વારા સંચાલિત પ્રથમ પેનલ ચર્ચામાં, સિદ્ધિ એન્જિનિયર્સના સહ-સ્થાપક ભાગીદાર પ્રશાંત ગાંધીએ કાર્યક્ષમતાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ એવા સ્વદેશી ઉત્પાદનોનો પક્ષ લીધો હતો. જ્યારે digiXLT કન્સલ્ટિંગ LLP ના મેનેજિંગ પાર્ટનર અમિત સાલુજાએ નોંધ્યું હતું કે MSME ની ક્ષમતાનો ઉપયોગ હાલમાં માત્ર ૫૦-૬૦% જ થઈ રહ્યો છે, અને તેમણે વધુ ઓટોમેશન કરવા કરતાં ડિજિટલાઇઝેશન અને પ્રક્રિયા-આધારિત વૃદ્ધિ પર ભાર મૂક્યો હતો.

કોલેબોરેટિવ ઇકોસિસ્ટમ્સ (સહયોગી ઇકોસિસ્ટમ) પરની બીજી પેનલમાં, OIA ના વાઇસ પ્રેસિડેન્ટ અને ગાત્રાડ એવિએશન ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન ડૉ. દિવ્યેશ લાડવાએ જોખમ-આધારિત વિશ્લેષણ અને ડેટા-આધારિત નિરીક્ષણની જરૂરિયાત જણાવી હતી. જ્યારે નવકાર મેટલ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તારાચંદ જૈને શૈક્ષણિક સંસ્થાઓ અને એકેડેમિયાનો લાભ લેવા પર ભાર મૂક્યો હતો.

વૈશ્વિક સ્તરે ભારતની પહોંચ વિસ્તારવા અંગે, પરફેક્ટ ઇક્વિપમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર જયેશ મિસ્ત્રીએ સંચાર (કોમ્યુનિકેશન), બેન્ચમાર્કિંગ અને સાતત્યતા પર ભાર મૂક્યો હતો. કાઇઝેન ઇન્સ્ટિટ્યૂટના સાઉથ એશિયા અને આફ્રિકાના જોઇન્ટ એમડી જયંત મૂર્તિએ લક્ષિત બજારો, ગ્રાહકની ઊંડી સમજણ અને લાંબા ગાળાના વિઝનની ભલામણ કરી હતી.

AMA એક્સ્ટેન્શન સર્વિસિસ કમિટીના ચેરમેન અને સિમ્યુલેશન્સ પબ્લિક અફેર્સ મેનેજમેન્ટ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક-ડિરેક્ટર ડૉ. શૈલેષ ગોયલે સમાપન સત્ર યોજ્યું હતું અને આભારવિધિ કરી હતી. વક્તાઓએ સર્વસંમતિથી સ્વીકાર્યું હતું કે ૨૦૪૭ તરફની ભારતની યાત્રામાં MSME ની વૃદ્ધિ માટે મશીનરી કે મૂડી નહીં, પરંતુ માનસિકતા (માઇન્ડસેટ) જ વાસ્તવિક અવરોધ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)