રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફુલ્લી ઇન્ટિગ્રેટેડ અમેરિકન સ્ટીલ કંપની સ્થાપવા માટે એસ્સાર-સમર્થિત મેસાબી મેટાલિક્સના $ 18 બિલિયનના રોકાણની જાહેરાત કરી

મિનેસોટા માઇન અને આયોવા સ્ટીલ કોમ્પ્લેક્સનું જોડાણયુ.એસ.ના ઇતિહાસમાં સ્ટીલ કોમ્પ્લેક્સ ક્ષેત્રે સૌથી મોટું સિંગલ ઇન્વેસ્ટમેન્ટભારત અને યુ.એસ. વચ્ચે વેપાર અને રોકાણ સંબંધો વધુ સુદ્રઢ બનશે

વોશિંગ્ટન, ડી.સી. / ભારત, 29 સપ્ટેમ્બર, 2026: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પે આજે વોશિંગ્ટન, ડી.સી. સ્થિત વ્હાઇટ હાઉસ ખાતે એસ્સાર-સમર્થિત મેસાબી મેટાલિક્સ દ્વારા સંપૂર્ણ સંકલિત અમેરિકન સ્ટીલ કંપની સ્થાપવા માટે કરવામાં આવનાર $ 18 બિલિયનના ઐતિહાસિક રોકાણની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત મિનેસોટાના મેસાબી આયર્ન રેન્જ ખાતે આવેલી આયર્ન ઓર ખાણનું આયોવામાં સ્થપાનારા નવા સ્ટીલ કોમ્પ્લેક્સ સાથે જોડાણ કરવામાં આવશે.

આ જાહેરાત એસ્સાર ગ્રૂપના વાઇસ ચેરમેન અને ફાઉન્ડર રવિ રૂઇયા અને મેસાબી મેટાલિક્સના ચેરમેન રેવંત રૂઇયાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. વ્હાઇટ હાઉસ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં યુ.એસ. કોમર્સ સેક્રેટરી હોવર્ડ લુટનિક, યુ.એસ. એનર્જી સેક્રેટરી ક્રિસ રાઇટ, યુ.એસ. એક્સપોર્ટ-ઇમ્પોર્ટ બેન્કના ચેરમેન જોન જોવાનોવિક તેમજ આયોવાના ગવર્નર કિમ રેનોલ્ડ્સ, સેનેટર જોની અર્ન્સ્ટ અને આયોવા કોંગ્રેસનલ ડેલિગેશનના સભ્યો રેપ્રેઝન્ટેટિવ મેરિઆનેટ મિલર-મીક્સ અને એશ્લે હિન્સન પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ રોકાણમાં આયોવામાં પ્રસ્તાવિત $15 બિલિયનના ઇન્ટિગ્રેટેડ સ્ટીલ કોમ્પ્લેક્સ ઉપરાંત, મિનેસોટા ખાતે આયર્ન ઓર માઇન અને પેલેટાઇઝિંગ ફેસિલિટીમાં થયેલા વર્તમાન $3 બિલિયનના રોકાણનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ અમેરિકન ઇતિહાસમાં સિંગલ લોકેશન ઇન્ટિગ્રેટેડ સ્ટીલ કોમ્પ્લેક્સમાં થયેલું સૌથી મોટું રોકાણ છે. આ પ્રોજેક્ટ થકી મિનેસોટા અને આયોવામાં રોજગારીની નવી તકોનું સર્જન થશે, સમગ્ર મિડવેસ્ટ ક્ષેત્રમાં આર્થિક વૃદ્ધિને વેગ મળશે અને સંપૂર્ણ સંકલિત, 100% અમેરિકન સ્ટીલ સપ્લાય ચેઇન સ્થાપિત કરીને અમેરિકન સ્ટીલ ઉત્પાદન ક્ષેત્રે ક્રાંતિ આવશે; જેમાં આયર્ન ઓરનું ખનન, સ્ટીલનું ગલન (મેલ્ટિંગ) અને ફિનિશ્ડ પ્રોડક્ટ્સનું ઉત્પાદન સંપૂર્ણપણે યુનાઇટેડ સ્ટેટ્સમાં જ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મેસાબી મેટાલિક્સ દ્વારા તાજેતરમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં છેલ્લા 50 વર્ષોમાં સૌપ્રથમ નવી આયર્ન ઓર માઇન શરૂ કરવામાં આવી છે.

એસ્સાર ગ્રૂપના વાઇસ ચેરમેન અને ફાઉન્ડર રવિ રૂઇયાએ જણાવ્યું હતું કે: “આ રોકાણ એસ્સારની વૈશ્વિક સફરમાં એક નવા અધ્યાયની શરૂઆત કરશે અને વૈશ્વિક સ્તરે વર્લ્ડ-ક્લાસ બિઝનેસ સ્થાપવાના મારા ભાઈ શશી રૂઇયાના વિઝનને આગળ ધપાવશે.”

મેસાબી મેટાલિક્સના ચેરમેન રેવંત રૂઇયાએ જણાવ્યું હતું કે: ” અમે 100% અમેરિકન સ્ટીલનું ઉત્પાદન કરવા માટે મિનેસોટાના વર્લ્ડ-ક્લાસ આયર્ન ઓર સંસાધનોને આયોવાના સ્ટીલ નિર્માણ સાથે સાંકળીને પાયાથી જ એક સંપૂર્ણ સંકલિત સ્ટીલ બિઝનેસનું નિર્માણ કરી રહ્યા છીએ.”

મિનેસોટામાં ખનન (Mined in Minnesota) મિનેસોટાના મેસાબી આયર્ન રેન્જ ખાતે આવેલી મેસાબી મેટાલિક્સની આયર્ન ઓર માઇન, યુનાઇટેડ સ્ટેટ્સમાં છેલ્લા 50 વર્ષોમાં સ્થપાયેલી સૌપ્રથમ નવી આયર્ન ઓર માઇન છે, જેમાં આજદિન સુધી આશરે $3 બિલિયનનું રોકાણ કરવામાં આવ્યું છે. મિનેસોટાના નાશવાક (Nashwauk) ખાતે સ્થિત આ ખાણ ‘પેટ્રિઅટ પેલેટ’ (Patriot Pellet)નું ઉત્પાદન કરશે, જે કંપનીનું ડાયરેક્ટ-રિડક્શન-ગ્રેડ (DR-ગ્રેડ) આયર્ન ઓર પેલેટ છે.

હાલમાં આ સાઇટ પર 1,500થી વધુ કન્સ્ટ્રક્શન વર્કર્સ કાર્યરત છે, જ્યારે ખાણ ખાતે 200થી વધુ પૂર્ણ-સમયના કર્મચારીઓ પણ કાર્યરત છે. ખાણ પૂર્ણપણે કાર્યરત થતાં આ સંખ્યા 350 પૂર્ણ-સમયની નોકરીઓ સુધી પહોંચવાની અપેક્ષા છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)