અમદાવાદની સોલર EPC કંપની ડિઓન એનર્જીએ IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 29 સપ્ટેમ્બરઃ અમદાવાદ સ્થિતિ સોલર EPC કંપની ડિઓન એનર્જી લિમિટેડે પ્રસ્તાવિત IPO (ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ) માટે સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)માં એનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (DRHP) ફાઇલ કર્યું છે.

આ સૂચિત ઓફરમાં 72 લાખ ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ અને પ્રમોટર શેરધારકો દ્વારા મહત્તમ 20 લાખ ઇક્વિટી શેરના વેચાણની ઓફર સામેલ છે. ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત થનારું ચોખ્ખું ફંડ ₹95.80 કરોડનો ઉપયોગ ગુજરાતમાં જૂનાગઢ, સુરેન્દ્રનગર અને કચ્છમાં છ ઓળખ કરાયેલી સાઇટ પર સ્વતંત્ર વીજ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપિત કરવા મૂડીગત ખર્ચની જરૂરિયાતોને ફંડ પૂરું પાડવાનો છે. ઉપરાંત ₹75 કરોડની ચોખ્ખી આવકનો ઉપયોગ કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે થશે તેમજ બાકીની રકમનો ઉપયોગ સાધારણ કોર્પોરેટ કામગીરીઓ માટે થશે.

કંપની મુખ્યત્વે ઔદ્યોગિક ગ્રાહકો માટે ગ્રાઉન્ડ માઉન્ટેડ અને રુફટોપ સોલર એન્જિનિયરિંગ, પ્રોક્યુરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (EPC) પ્રોજેક્ટનો અમલ કરે છે. તે ઓપરેશન એન્ડ મેઇનટેનન્સ (O&M) સેવાઓ તથા વિકસતા IPP વ્યવસાય મારફતે વીજળી પેદા કરવાની સેવા પણ પ્રદાન કરે છે.

ડિઓન એનર્જીએ ગુજરાતમાં ચાર સ્થાનોમાં 5.70 MW DC સોલર પાવર જનરેશન પોર્ટફોલિયો વિકસાવવાની કામગીરી હાથ ધરી છે. DRHPમાં જણાવ્યા મુજબ, નાણાકીય વર્ષ 2025-26માં એક પ્રોજેક્ટ કાર્યરત થઈ ગયો છે, તો અન્ય ત્રણ નાણાકીય વર્ષ 2026-27માં શરૂ થશે. વર્ષ 2020માં પાર્ટનરશિપ કંપની તરીકે કામગીરી શરૂ કર્યા પછી ડિઓન એનર્જીએ 31 ઓગસ્ટ, 2026 સુધી 321.53 MW DCની કુલ સ્થાપિત ક્ષમતા સાથે 126 સોલર EPC પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે.

31 ઓગસ્ટ, 2026 સુધી કંપનીના 28 ગ્રાહકો માટે 34 EPC પ્રોજેક્ટની કામગીરી ચાલુ છે, જે 198.97 MW DCની ક્ષમતા અને EPC ઓર્ડર બુકની બાકી નીકળતી રકમ ₹527.43  કરોડ છે. કંપનીની O&M ઓર્ડર બુકમાં 60 પ્રોજેક્ટ સામેલ છે, જેનું બાકી નીકળતું મૂલ્ય ₹4.71 કરોડ છે અને ક્ષમતા 205.95 MW DC છે.

કંપનીના મોટા ભાગના હાલ ચાલુ EPC પ્રોજેક્ટ ગુજરાતમાં છે. એના પ્રોજેક્ટ પોર્ટફોલિયોમાં મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને ઓડિશામાં વિવિધ લોકેશનને આવરી લેતા મલ્ટિ-સ્ટેટ પ્રોજેક્ટ પણ સામેલ છે. ડિઓન એનર્જી સિરામિક્સ, કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઇલ્સ અને પેપર સહિત તમામ ક્ષેત્રોમાં ઔદ્યોગિક ગ્રાહકોને સેવા આપે છે.

કંપનીના પ્રમોટર્સઃ કંપની પ્રમોટરોથી સંચાલિત છે, જેમાં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ધર્મેશ અશોકભાઈ માકડિયા, પૂર્ણકાલિન ડિરેક્ટર કલારિયા ચિરાગભાઈ દિનેશભાઈ તથા એક્ઝિક્યુટિવ ડિરેક્ટરો કલારિયા અર્ચનાબેન અને ભાર્ગવ ચતુરભાઈ કાવર સામેલ છે.

કામગીરીમાંથી આવક નાણાકીય વર્ષ 2023-24માં ₹68.43 કરોડમાંથી વધીને નાણાકીય વર્ષ 2024-25માં ₹298.54 કરોડ અને નાણાકીય વર્ષ 2025-26માં ₹456.28 કરોડ થઈ હતી. DRHP જણાવે છે કે, ડિઓન એનર્જી લિમિટેડે ગત ત્રણ નાણાકીય વર્ષ (નાણાકીય વર્ષ 2023-24થી નાણાકીય વર્ષ 2025-26)માં સાતત્યપૂર્ણ અને મજબૂત નાણાકીય કામગીરી દર્શાવે છે, જેણે આવકમાં વૃદ્ધિ અને નફાકારકતાની દ્રષ્ટિએ સમાન ગાળામાં બૃહદ્ સોલર EPC ઉદ્યોગને અંદાજે 9.5 ટકા CAGRથી પાછળ પાડી દીધો છે.

કંપનીનો ચોખ્ખો નફો નાણાકીય વર્ષ 2025-26માં વધીને ₹46.06 કરોડ થયો હતો, જે નાણાકીય વર્ષ 2024-25માં ₹26.41 કરોડ હતો. EBITDA નાણાકીય વર્ષ 2025-26માં ₹63.42 કરોડ હતી, જે નાણાકીય વર્ષ 2024-25માં ₹35.37 કરોડ અને નાણાકીય વર્ષ 2023-24માં ₹4.78 કરોડ હતી.

D&B રિપોર્ટના અંદાજ મુજબ, ભારતીય સોલર EPC બજાર નાણાકીય વર્ષ 2025-26માં 24 અબજ ડોલરનું થઈ ગયું છે અને નાણાકીય વર્ષ 2029-30માં અંદાજે 41 અબજ ડોલર થઈ જવાની ધારણા છે. રિપોર્ટમાં રુફટોપ, કેપ્ટિવ અને ઓપન-એક્સેસ સોલર પ્રોજેક્ટ માટેની ઔદ્યોગિક માગ વધશે એવું જણાવવામાં આવ્યું છે, જે આ ક્ષેત્રની કંપનીઓ માટે વિસ્તરણનું એક પ્રેરકબળ બનશે. રિપોર્ટમાં ગુજરાતને અગ્રણી રિન્યૂએબલ એનર્જી સ્ટેટ ગણાવવામાં આવ્યું છે, જ્યાં સાનુકૂળ સૌરપ્રકાશ, નીતિગત પહેલો અને મોટા પાયે પ્રોજેક્ટ વિકસાવવા માટે અનુકૂળ વાતાવરણ છે.

લિસ્ટિંગઃ ઇક્વિટી શેરનું લિસ્ટિંગ BSE અને NSE પર થશે.

લીડ મેનેજર્સઃ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર વાલ્મિકી લીલા કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)