ફ્લિપકાર્ટ કાર્ડ એક્સિસ બેન્ક અને પેયુ દ્વારા સંચાલિત કાર્ડ પેમેન્ટ્સ માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ઓફર કરતું ભારતનું અગ્રણી ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પૈકી એક બન્યુંગ્રાહકો હવે ફેસ આઈડી તથા ફિંગરપ્રિન્ટની મદદથી એક્સિસ બેન્ક કાર્ડ પેમેન્ટ્સની મંજૂરી મેળવી શકશે, ઓટીપીની રાહ જોવી પડશે નહી

નવી દિલ્હી, 30 એપ્રિલ: ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટે ખાનગી સેક્ટરની બેન્ક એક્સિસ બેન્ક અને પેયુ સાથે જોડાણમાં કાર્ડ પેમેન્ટ્સ માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન લોન્ચ કર્યું હોવાની જાહેરાત કરી છે.

આ ફીચર યુઝર્સને એન્ડ્રોઈડ અને iOS  ડિવાઈસિસને સમર્થિત ફેસ તથા ફિંગરપ્રિન્ટની મદદથી ટ્રાન્જેક્શન કરવા મંજૂરી આપે છે.  જેનાથી વન-ટાઇમ પાસવર્ડ (OTP) ની જરૂરિયાત દૂર થઈ છે. આ સેવા સૌપ્રથમ એક્સિસ બેન્કના કાર્ડધારકો માટે ઈશ્યુઅર-લેવલ બાયોમેટ્રિક વેરિફિકેશન દ્વારા સક્ષમ કરવામાં આવી છે. આ લોન્ચ સાથે ફ્લિપકાર્ટ કાર્ડ પેમેન્ટ માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ઓફર કરનારૂ અગ્રણી ભારતીય ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ પૈકી એક બન્યું છે.

આ ફીચર ડિવાઈસ ફિંગર પ્રિન્ટિંગની મદદથી ઓથેન્ટિકેશનની વધુ સુરક્ષિત પદ્ધતિ પૂરી પાડે છે. જે ઉન્નત ચકાસણી દ્વારા સમર્થિત હોવાથી સિમ-સ્વેપ અથવા ઓટીપી આધારિત છેતરપિંડીના જોખમમાં ઘટાડો કરે છે. તે એસએમએસ આધારિત ઓટીપીને બદલે ઝડપથી બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા ડિજિટલ પેમેન્ટ્સમાં થતાં વિલંબમાં ઘટાડો કરે છે. સ્માર્ટફોન યુઝર્સ માટે આ પ્રકારની પદ્ધતિ પહેલાંથી જ પરિચિત, ઝડપી અને સુરક્ષિત છે. આ સહયોગ હેઠળ પેયુ મર્ચન્ટ ટ્રાન્જેક્શનના માળખાનું સંચાલન કરે છે, જેમાં ડિવાઈસ સુરક્ષા અને પ્રમાણીકરણ પ્રવાહનો સમાવેશ થાય છે. એક્સિસ બેન્ક ઈશ્યૂઅરના મોરચે બાયોમેટ્રિક વેરિફિકેશનને સક્ષમ બનાવવા માટે વિમ્બો (પેયુની કંપની)નો ઉપયોગ કરે છે.

વર્ષ 2023-24માં દેશમાં ડિજિટલ ફ્રોડનું પ્રમાણ પાંચ ગણુ વધી 1400 કરોડથી વધ્યું

બાયમેટ્રિક ઓથેન્ટિકેશન ભારતની હાલની સૌથી ગંભીર ડિજિટલ પેમેન્ટ ફ્રોડની સમસ્યાને સંબોધે છે. આરબીઆઈના આંકડાઓ અનુસાર, નાણાકીય વર્ષ 2023-24માં દેશમાં ડિજિટલ ફ્રોડનું પ્રમાણ પાંચ ગણુ વધી 1400 કરોડથી વધ્યું છે. જેનો સામનો કરવા આરબીઆઈએ ડિજિટલ પેમેન્ટ ટ્રાન્જેક્શન્સ ડાયરેક્શન્સ 2025 સર્ક્યુલર જારી કરી ઓથેન્ટિકેશન પર ભાર મૂક્યો હતો. આરબીઆઈ પણ એસએમએસ ઓટીપીના બદલે બાયોમેટ્રિક તથા રિસ્ક-આધારિત ઓથેન્ટિકેશન કરવા પ્રોત્સાહન આપી રહી છે. આ રેગ્યુલેટરી વિઝન સાથે વ્યૂહાત્મક રીતે સંરેખિત ફ્લિપકાર્ટ-પેયુ-એક્સિસ બેન્કની ભાગીદારી ડિજિટલ પેમેન્ટ સેગમેન્ટની સુરક્ષામાં વધારો, ટ્રાન્જેક્શન સક્સેસ રેટમાં સુધારો તેમજ વધુ ટકાઉ પેમેન્ટ ઈકોસિસ્ટમ સ્થાપિત કરે છે. તેમજ આરબીઆઈની ડિજિટલ ઓથેન્ટિકેશન મિકેનિઝ્મ અપનાવવાની અનિવાર્યતાને પણ પરિપૂર્ણ કરે છે.

આ લોન્ચિંગ અંગે ફ્લિપકાર્ટના પેમેન્ટ્સ એનડ્ સુપરકોઈન્સના વાઈસ પ્રેસિડન્ટ ગૌરવ અરોરાએ જણાવ્યું હતું કે, જેમ જેમ ડિજિટલ કોમર્સ વિસ્તરિત થઈ રહ્યું છે, તેમ તેમ અમારૂ ધ્યાન ઝડપી ટ્રાન્જેક્શન્સને વધુ સક્ષમ બનાવવા પર કેન્દ્રિત થઈ રહ્યું છે. જો કે, તેમાં નિયમનકારી અનુપાલન અને ઇકોસિસ્ટમ-વ્યાપી વિશ્વાસને જાળવી રાખતાં સુરક્ષિત પેમેન્ટ્સની માગ સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરી રહ્યા છીએ.

એક્સિસ બેન્કના કાર્ડ્સ, પેમેન્ટ્સ અને વેલ્થ મેનેજમેન્ટના હેડ તથા પ્રેસિડન્ટ અર્નિકા દિક્ષિતે જણાવ્યું હતું કે, જેમ જેમ ડિજિટલ કોમર્સ વિકસિત થઈ રહ્યું છે, તેમ તેમ અમે ઈનોવેશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરતાં અમારા ગ્રાહકો માટે પેમેન્ટ્સ સિસ્ટમને વધુ સરળ, મજબૂત અને ભવિષ્ય માટે સજ્જ બનાવી રહ્યા છીએ.

પેયુ પેમેન્ટ્સના ચીફ બિઝનેસ ઓફિસર હેમાંગ દત્તાણીએ આ જોડાણ અંગે કહ્યું હતું કે, “ભારતમાં ડિજિટલ કોમર્સનું સતત વિસ્તરણ થઈ રહ્યું છે, જેમાં સુરક્ષા સાથે સમાધાન કર્યા વિના ચુકવણીઓને સરળ બનાવવી મહત્વપૂર્ણ છે. બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનને ઉન્નત સુરક્ષા નિયંત્રણો સાથે જોડતાં આ ભાગીદારી ભારતીય ગ્રાહકો માટે ઝડપી, વધુ સુરક્ષિત અને ઘર્ષણ રહિત ડિજિટલ પેમેન્ટ અનુભવ પૂરો પાડવાનું એક અર્થપૂર્ણ પગલું દર્શાવે છે.”

આ રોલઆઉટ ભારતમાં ઓટીપી પદ્ધતિથી દૂર નવા પરિવર્તન તરફ આગળ લઈ જશે, જે યુઝર્સને પાલન અને નિયંત્રણના ઉચ્ચ ધોરણો જાળવી રાખવાની સાથે ચૂકવણીની સરળ રીત પ્રદાન કરશે. આ સહયોગ દ્વારા ફ્લિપકાર્ટ, એક્સિસ બેન્ક અને પેયુ ડિવાઈસ-બાઉન્ડ બાયોમેટ્રિક કાર્ડ ઓથેન્ટિકેશનના માધ્યમથી એક મજબૂત મોડેલ સ્થાપિત કરી રહ્યા છે જે ભારતમાં સુરક્ષિત ડિજિટલ ટ્રાન્જેક્શનની આગામી પેઢીને ટેકો આપશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)