ગુજરાતની ઓનશોર ઓઇલફિલ્ડ કંપની બીવિશાલ ઓઇલ એન્ડ એનર્જીએ IPO માટે ફાઇલિંગ કર્યું
અમદાવાદ, 2 એપ્રિલઃ ઓનશોર ઓઇલફિલ્ડ સર્વિસીસ પ્રોવાઇડર બીવિશાલ ઓઇલ એન્ડ એનર્જી લિમિટેડે તેના પ્રસ્તાવિત IPO માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) માં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યુ છે.
પ્રસ્તાવિત IPOમાં 1.8 કરોડ સુધીના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને 77.09 લાખ સુધીના ઇક્વિટી શેર્સની ઓફર ફોર સેલ (ઓએફએસ)નો સમાવેશ થાય છે, જે કુલ મળીને 2.57 કરોડ સુધીના ઇક્વિટી શેર્સ થાય છે.
કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત થનારી કુલ આવકનો ઉપયોગ મૂડી ખર્ચ અને કાર્યશીલ મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કરશે. અંદાજે રૂ. 120.9 કરોડ મશીનરી અને સાધનોની ખરીદી માટે ફાળવવામાં આવશે, જેથી કામગીરી ક્ષમતાનું વિસ્તરણ થાય અને તે મજબૂત બને. લગભગ રૂ. 45 કરોડ કાર્યશીલ મૂડીની જરૂરિયાત માટે ઉપયોગમાં લેવાશે, જ્યારે બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે વપરાશે.
બીવિશાલ ઓઇલ એન્ડ એનર્જી ઓઇલ અને ગેસ કૂવાના સમગ્ર જીવનચક્ર દરમિયાન એકીકૃત ઓનશોર ઓઇલફિલ્ડ સેવાઓ પ્રદાન કરે છે, જેમાં એક્સપ્લોરેશન, પ્રોડક્શન અને મેઇન્ટેનન્સનો સમાવેશ થાય છે.
ફેબ્રુઆરી 2026 સુધી કંપનીએ તેની સહાયક કંપનીઓ સાથે મળીને રૂ. 660.85 કરોડની ઓર્ડર બુક નોંધાવી છે. કંપનીએ કુલ રૂ. 689.24 કરોડના સંયુક્ત મૂલ્ય સાથે 86 પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે અને આસામ, ગુજરાત અને રાજસ્થાનમાં નોંધપાત્ર હાજરી ધરાવે છે. ઓઇલ અને ગેસ પ્રવૃત્તિઓનું સ્થાપિત હબ એવા ગુજરાતના મહેસાણા ખાતે મુખ્યમથક ધરાવી કંપની મુખ્ય પ્રોજેક્ટ સ્થળોની વ્યૂહાત્મક નિકટતાનો લાભ મેળવે છે, જેનાથી કાર્યક્ષમ અમલીકરણ તેમજ બિઝનેસ વિકાસમાં સહાય મળે છે. કંપનીના પ્રમોટર્સ ભરતકુમાર ચૌધરી અને વિશાલકુમાર ચૌધરી પાસે ઓઇલ અને ગેસ ક્ષેત્રમાં બે દાયકાથી વધુનો અનુભવ છે, સાથે લાંબા ગાળાના ગ્રાહક સંબંધો અને સતત સફળ અમલીકરણનો ટ્રેક રેકોર્ડ છે.
કંપની પાસે 4 ઓઇલફિલ્ડ્સમાં આવેલા 47 ઓઇલ વેલ્સ માટે પીઈએસ સર્વિસીસ પ્રદાન કરવાનો 15 વર્ષનો કરાર છે. આ કરાર રેવન્યુ શેરિંગ મોડેલ પર આધારિત છે, જેમાં કરાર સમયગાળા દરમિયાન વધારાની પ્રોડક્શનના આધારે આવક વહેંચણી કરવામાં આવે છે. ઉપરાંત, કુવૈત ઓઇલ કંપની માટે વ્યૂહાત્મક એન્હાન્સ્ડ ઓઇલ રિકવરી (ઈઓઆર) પ્રોજેક્ટ્સ અને સરફેસ વેલ ટેસ્ટિંગ સુવિધાઓ માટે ભાગીદાર તરીકે પ્રી-ક્વોલિફાય થનાર એકમાત્ર ભારતીય કંપની પણ બીવિશાલ છે. વધુમાં, શેલો ઓઇલ ડ્રિલિંગ, વોટર વેલ, વર્કઓવર અને સહાયક સેવાઓ માટે પ્રી-ક્વોલિફાય થયેલી ત્રણ ભારતીય કંપનીઓમાં પણ કંપનીનો સમાવેશ થાય છે.
કંપનીએ નાણાંકીય વર્ષ 2025 દરમિયાન કામગીરીમાંથી રૂ. 173.81 કરોડની આવક નોંધાવી હતી, જે નાણાંકીય વર્ષ 2024માં રૂ. 180.88 કરોડ હતી. નાણાંકીય વર્ષ 2025 દરમિયાન નફો રૂ. 30.91 કરોડ રહ્યો, જ્યારે નાણાંકીય વર્ષ 2024માં તે રૂ. 31.63 કરોડ હતો. નાણાંકીય વર્ષ 2025માં એબિટા રૂ. 56.73 કરોડ રહી, જ્યારે નાણાંકીય વર્ષ 2024માં તે રૂ. 60.70 કરોડ હતી. આવકના ટકા તરીકે ચોખ્ખો નફો નાણાંકીય વર્ષ 2025માં 17.60 ટકા રહ્યો, જે નાણાંકીય વર્ષ 2024માં 17.31 ટકા હતો.
કંપનીના લિસ્ટેડ સાથી કંપનીઓમાં દીપ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, હિન્દુસ્તાન ઓઇલ એક્સપ્લોરેશન કંપની લિમિટેડ, સેલન એક્સપ્લોરેશન ટેકનોલોજી લિમિટેડ, આકાશ એક્સપ્લોરેશન સર્વિસિસ લિમિટેડ અને એશિયન એનર્જી સર્વિસિસ લિમિટેડનો સમાવેશ થાય છે.
કંપનીના ઇક્વિટી શેર્સનું બીએસઈ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ પર લિસ્ટિંગ કરવાની યોજના છે.
યુનિસ્ટોન કેપિટલ લિમિટેડ આ ઇશ્યૂની એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
