રિલાયન્સની વાર્ષિક આવકો 10 ટકા અને નફો 18.3 ટકા વધ્યા, રૂ. 6 ડિવિડન્ડ
| એકત્રિત આવક ₹ 1,175,919 કરોડ, વાર્ષિક ધોરણે 9.8% નો વધારો | એકત્રિત EBITDA ₹ 207,911 કરોડ, વાર્ષિક ધોરણે 13.4% નો વધારો | PAT ₹ 95,610 કરોડ, વાર્ષિક ધોરણે 18.3% નો વધારો |
અમદાવાદ, 25 એપ્રિલઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે માર્ચ-26ના અંતે પુરાં થયેલાં વર્ષ માટે એકત્રિત આવકો 9.8 ટકા વૃદ્ધિ સાથે રૂ. 117919 કરોડ (રૂ. 1071174 કરોડ) નોંધાવી છે. કંપનીનો ચોખ્ખો નફો 18.3 ટકા વધી રૂ. 95610 કરોડ (રૂ. 81309 કરોડ) નોંધાવ્યો છે. વધુમાં RIL (રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ) દ્વારા શેર દીઠ ₹ 6/- ના ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે.

આ પરિણામો વિશે ટિપ્પણી કરતા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતું કે: “નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન આપણે ભૂરાજકીય ખાનાખરાબી, ઊર્જા કિંમતોમાં અસ્થિરતા અને બદલાતા વૈશ્વિક વેપારની પેટર્નનો સામનો કરવો પડ્યો છે. આ અવરોધોએ વિશ્વભરના વ્યાપારને અસર કરી છે. ભારતે, અને તેની જેમજ રિલાયન્સે પણ આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે પણ પોતાનો આર્થિક વિકાસનો માર્ગ જાળવી રાખ્યો છે. અમારા પોર્ટફોલિયોના વિસ્તાર અને મજબૂત સ્થાનિક અભિગમે બાહ્ય વાતાવરણમાં રહેલી અસ્થિરતાની અસરોને ખાળવામાં મદદ કરી છે.

| જિયો પ્લેટફોર્મ્સનું 4Q FY26 EBITDA 17.9% વધી ₹ 20,060 કરોડ થયું | માર્જિન 230 bps વધ્યું | ||
| જિયોનો ગ્રાહક આધાર 524 મિલિયનથી વધુ | 268 મિલિયન જિયો ટ્રુ5જી (Jio True5G)ના ગ્રાહકો છે | ||
જિયોએ ભારતના ડિજિટલ લેન્ડસ્કેપને પરિવર્તિત કરવાનું ચાલુ રાખ્યું છે. મને એ વાતની નોંધ લેતા આનંદ થાય છે કે અમે જિયો પ્લેટફોર્મ્સના લિસ્ટિંગ તરફ મક્કમતાથી આગળ વધી રહ્યા છીએ. આ તેની યાત્રામાં એક નિર્ણાયક સીમાચિહ્નરૂપ બનશે કારણ કે તે નવી ઊંચાઈઓ સર કરવાનું અને ભારતના ડિજિટલ ભવિષ્યમાં યોગદાન આપવાનું ચાલુ રાખે છે. સમગ્ર વર્ષ દરમિયાન 19%ની મજબૂત EBITDA વૃદ્ધિ માટેના ચાલકોમાં મોબિલિટી, હોમ બ્રોડબેન્ડ અને એન્ટરપ્રાઇઝ સેવાઓમાં સતત નોંધાયેલી વૃદ્ધિનો સમાવેશ થાય છે. આપણે AI ટૂલ્સ અને આગામી પેઢીના ટેકનોલોજી પ્લેટફોર્મ્સ સુધીની પહોંચને સર્વસુલભ બનાવવા માટે કાર્યરત થઈ રહ્યા છીએ, તેમ-તેમ જિયો આગામી વર્ષોમાં ભારત કેવી રીતે સંદેશાવ્યવહાર કરે છે, કમ્પ્યુટ કરે છે અને કન્ટેન્ટને કન્ઝ્યુમ કરે છે તેને નવો આકાર આપવા માટે સુસજ્જ થયું છે.
| રિલાયન્સ રિટેલનું 4Q FY26 EBITDA વાર્ષિક ધોરણે 3.1% વધીને ₹ 6,921 કરોડ | સ્ટોર્સની સંખ્યા 20,000 ને પાર |
રિલાયન્સ રિટેલે વર્ષ દરમિયાન સતત વૃદ્ધિ નોંધાવી. મને વિશ્વાસ છે કે રિલાયન્સ રિટેલની ગહન સર્વવ્યાપક ઉપસ્થિતિ તેમજ ભારતીય ગ્રાહક વિશેની તેની ઊંડી સમજણ જ સાતત્યપૂર્ણ વૃદ્ધિને ટેકો આપવાનું ચાલુ રાખશે. કન્ઝ્યુમર પ્રોડક્ટ વર્ટિકલ, જે હવે એક સ્વતંત્ર અને કેન્દ્રિત સંગઠનાત્મક માળખામાં કાર્યરત છે, તે FMCG બ્રાન્ડ્સના પોર્ટફોલિયો વિસ્તરણમાં અર્થપૂર્ણ સફળતા હાંસલ કરી રહ્યું છે. ભારતની વપરાશની ગાથા પાસે આગળ વધવાના ઘણાં વર્ષો રહેલાં છે, અને આપણા વ્યવસાયો આ તકના કેન્દ્રમાં રહેવા માટે નિર્માણ પામ્યા છે.
O2C બિઝનેસ આ વર્ષે એક જટિલ વૈશ્વિક વાતાવરણમાંથી પસાર થયો છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈનમાં અભૂતપૂર્વ અવ્યવસ્થા સર્જાઈ છે. વિક્ષેપોના અગાઉના સમયગાળાની જેમ, રિલાયન્સે ફરીથી ભારતમાં મહત્વપૂર્ણ ઊર્જા અને સામગ્રીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. અમારી O2C ટીમે LPG ઉત્પાદન વધારવાની દિશામાં સફળતાપૂર્વક યોગદાન આપ્યું છે, જિયો-બીપીમાં અમારા સાથીઓએ સમગ્ર ભારતના લોકો અને વ્યાપારોને ઇંધણની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી છે. KG-D6 બેસિનમાંથી ગેસને રાષ્ટ્રીય ઊર્જા પ્રાથમિકતાઓ સાથે સુસંગત, પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રો તરફ વાળવામાં આવ્યો છે. અમારી વિવિધ ટીમના સમર્પણ અને કાર્યકુશળતા પર મને ગર્વ છે, જેની મદદથી તેમણે રાષ્ટ્ર સામેના પડકારોનો સામનો કર્યો છે.
તાજેતરની ઘટનાઓએ ઊર્જા સુરક્ષાની મહત્વપૂર્ણ જરૂરિયાત પર ભાર મૂક્યો છે. મને એ વાતની ખુશી છે કે રિલાયન્સ તેની ન્યૂ એનર્જી ગીગા-ફેક્ટરીઝને કાર્યરત કરવામાં ઝડપી પ્રગતિ કરી રહી છે. આ બિઝનેસ રિલાયન્સ માટે એક શક્તિશાળી ગ્રોથ એન્જિન બનશે તેમજ ભારતના ઊર્જા ભવિષ્યમાં પરિવર્તનશીલ યોગદાન આપનાર તરીકે ઉભરી આવવા તેને સક્ષમ બનાવશે.”
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
