ધ ફ્યુચર ટુગેધર’ થીમ સાથે બે દિવસીય રિ-નેટવર્ક ૨૦૨૫નો પ્રારંભ

અમદાવાદ, 23 મેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં RE-NETWORK 2025(રિ-નેટવર્ક ૨૦૨૫)નો પ્રારંભ કરાવ્યો હતો. વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ‘ધ ફ્યુચર ટુગેધર’ થીમ સાથે યોજાઈ રહેલો RE-NETWORK 2025(રિ-નેટવર્ક ૨૦૨૫) એક્સ્પો એ સોલાર, વિન્ડ, બાયોમાસ, ગ્રીન હાઇડ્રોજન અને એનર્જી સ્ટોરેજમાં નવી ટેકનોલોજી સાથે એડવાન્સમેન્ટ માટેનો ગુજરાત ફેડરેશન ઓફ સોલાર ઇન્ડસ્ટ્રીઝ (GFSI)નો નવતર અભિગમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસીય એક્સપોમાં ૧૨૦થી વધુ એક્ઝિબિટર્સ, ૧૫થી વધુ વક્તાઓ સહિત ૨૫૦૦૦થી વધુ લોકો સામેલ થશે.

વર્ષ ૨૦૭૦ સુધીમાં ભારતને નેટ ઝીરો કાર્બન એમિશન દેશ બનાવવાનો સંકલ્પ છે. આ સંકલ્પને સાકાર કરવાની દિશામાં ગુજરાત પણ ૨૦૭૦ પહેલા નેટ ઝીરો કાર્બન એમિશન રાજ્ય બનવા પ્રતિબદ્ધ છે. આજે પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત રાજ્યમાં ૩.૩૬ લાખ ઘરો સોલાર રૂફટોપથી સજ્જ છે. દેશભરમાં સોલાર રૂફટોપ બાબતે ગુજરાત ટોચ પર છે, એમ તેમણે ઉમેર્યું હતું.

RE-NETWORK 2025(રિ-નેટવર્ક ૨૦૨૫)ના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે જ્યારે દેશ-દુનિયા રિન્યુએબલ એનર્જી અને ગ્રીન ક્લીન એનર્જીની વાતો કરતી હતી ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચારણકા ખાતે એશિયાનો સૌથી મોટો સોલર પ્લાન્ટ શરૂ કરાવીને પુનઃપ્રાપ્ય ઊર્જા સ્રોતો પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવી હતી, એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું. વર્ષ ૨૦૦૧માં રાજ્યની વીજ ઉત્પાદન ક્ષમતા ૮૭૫૦ મેગા વોટ હતી, જે અત્યારે ૫૩,૦૦૦ મેગાવોટ થઈ છે. રાજ્યની કુલ સ્થાપિત વીજ ક્ષમતાના ૫૫% ક્ષમતા રિન્યુએબલ એનર્જી પૂરા પાડે છે. મોઢેરા દેશનું સૌપ્રથમ સોલાર વિલેજ બન્યું છે. ગુજરાત દેશનું એકમાત્ર એવું રાજ્ય છે જે ગેસ ગ્રીડ, વોટર ગ્રીડ અને ઈલેક્ટ્રીસિટી ગ્રીડથી સજ્જ છે. ૨૦૦૯માં રાજ્યએ દેશની સૌપ્રથમ સૌર ઊર્જા નીતિ રજૂ કરી હતી. એ જ તર્જ પર સમયાંતરે જરૂરી સુધારા સાથે આગળ વધતા રાજ્યમાં નવી રિન્યુએબલ એનર્જી પોલીસી ૨૦૨૩ પણ બનાવવામાં આવી છે.

ગુજરાત ફેડરેશન ઓફ સોલાર ઇન્ડસ્ટ્રીઝ(GFSI)ના પ્રમુખ કિશોરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે વિવિધ સ્ટેકહોલ્ડર્સને સાથે લાવીને આ નવીન ક્ષેત્રે ઇકોસિસ્ટમને મજબૂત કરવાની દિશામાં આ ઇવેન્ટ ખૂબ મહત્ત્વની સાબિત થશે. RE-NETWORK 2025(રિ-નેટવર્ક ૨૦૨૫) એક્સ્પો એ સોલાર, વિન્ડ, બાયોમાસ, ગ્રીન હાઇડ્રોજન અને એનર્જી સ્ટોરેજમાં નવી ટેકનોલોજી સાથે એડવાન્સમેન્ટ માટેનો ગુજરાત ફેડરેશન ઓફ સોલાર ઇન્ડસ્ટ્રીઝ (GFSI)નો નવતર અભિગમ છે.