અમદાવાદ, 21 એપ્રિલઃ આદિત્ય બિરલા ગ્રુપની ટોચની સિમેન્ટ કંપની, અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડે, ભારતમાં વાર્ષિક 200+ MTPAથી વધુ ઉત્પાદન ક્ષમતાનો આંક ટૂંકમાં પાર કરવાની જાહેરાત કરી છે. કંપની આજે કુલ 8.7 MTPA ક્ષમતા ધરાવતા ત્રણ નવા સિમેન્ટ ગ્રાઇન્ડિંગ યુનિટ્સ શરૂ કરવા જઈ રહી છે. આ સાથે, અલ્ટ્રાટેક ચીનને બાદ કરતાં વિશ્વની સૌથી મોટી સિમેન્ટ કંપની બની જશે.

ત્રણ નવા સિમેન્ટ ગ્રાઇન્ડિંગ યુનિટ્સ, શાહજહાંપુર (ઉત્તર પ્રદેશ), પતરાતુ (ઝારખંડ), અને વિઝાગ (આંધ્ર પ્રદેશ) માં આવેલા છે. આ નવા પ્લાન્ટ્સ સાથે, અલ્ટ્રાટેકની ભારતની ક્ષમતા 200.1 MTPA અને તેની વૈશ્વિક ક્ષમતા 205.5 MTPA પર પહોંચી છે (જેમાં યુએઈ, બહેરીન અને શ્રીલંકાના પ્લાન્ટ્સની 5.4 MTPAની ક્ષમતાનો પણ સમાવેશ થાય છે).

અલ્ટ્રાટેકના વિકાસની ગતિ તેના કદ જેટલી જ નોંધપાત્ર છે. 100+MTPAની ક્ષમતા સુધી પહોંચવામાં કંપનીને 36 વર્ષ લાગ્યા હતા, આ લક્ષ્ય 2019માં હાંસલ થયું હતું. પરંતુ, ત્યાર પછીના બીજા 100 MTPAનો ઉમેરો કરવામાં સાત વર્ષથી પણ ઓછો સમય લાગ્યો છે. આ પ્રસંગે આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ જણાવ્યું હતું કે, 200 MTPA સિમેન્ટ ઉત્પાદનની આ સિદ્ધિ દુનિયાને બતાવે છે કે ભારત હવે કેટલું આગળ વધી ગયું છે.

ભારતમાં બનતાં દર ત્રણમાંથી એક ઘરમાં, NHAIના દર પાંચ કિ.મી.ના કોંક્રિટ રોડમાંથી બે કિ.મી.માં, અને દેશના દર પાંચ કિ.મી.ના મેટ્રો રેલના કામમાંથી ચાર કિ.મી.ના નિર્માણ કાર્યમાં અલ્ટ્રાટેક મદદરૂપ થાય છે.

અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર કે.સી. ઝાંવરે જણાવ્યું હતું કે, અલ્ટ્રાટેકની ઉત્પાદન ક્ષમતામાં આ વધારો વિવિધ સ્થળોએ નવા પ્લાન્ટ નાખવા અને વ્યૂહાત્મક રીતે અન્ય કંપનીઓ ખરીદવા કારણે થયો છે.

અલ્ટ્રાટેક હવે જ્યારે 200+ MTPAથી વધુની ક્ષમતા તરફ આગળ વધી રહી છે, ત્યારે તે પર્યાવરણની જાળવણી માટેના તેના લક્ષ્યો પ્રત્યે પણ એટલી જ પ્રતિબદ્ધ છે.

અલ્ટ્રાટેકના વિસ્તરણનો આગામી તબક્કો પહેલેથી જ શરૂ થઈ ગયો છે. હાલમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સ, જેમાં રૂ. 16,000 કરોડથી વધુનો મૂડીખર્ચ કરાઈ રહ્યો છે, તેનાથી કંપનીની કુલ સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા 240+ MTPAથી પણ વધુ થઈ જશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)