ગુજરાતમાં 7,363 સક્રિય ફૂટબોલ ખેલાડીઓઃ 4,483 ખેલાડીઓ વિવિધ ટૂર્નામન્ટોમાં રમ્યા

અમદાવાદ, 4 જૂન: ગુજરાતમાં હાલ કુલ 18,334 ફૂટબોલ ખેલાડીઓ રજીસ્ટર્ડ થયેલા છે અને એ.આઇ.એફ.એફ.ના સી.આર.એસ. અન્વયે હાલમાં રાજ્યમાં કુલ 7,363 જેટલા સક્રિય ખેલાડીઓ છે, જેમાંથી 4483 ખેલાડીઓએ વિવિધ ટૂર્નામેન્ટ્સમાં ભાગ લીધો હતો. જી.એસ.એફ.એ.ના વર્ષ 2025-26ના વાર્ષિક અહેવાલમાં જણાવ્યા મુજબ ગુજરાતની શુભાંગી સિંઘે AFC U-20માં ભારતીય ટીમનું સુકાન સંભાળ્યું તેમજ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં જીત પણ મેળવી હતી. જ્યારે ખુશ્બુ સરોજે U-17અને U-20માં ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું હતું. આ ઉપરાંત ખુશ્બુ સરોજની સાથે રાજ્યની તન્વી માવાણી અને રાધિકા પટેલની ભારતીય ફૂટસાલ ટીમમાં પણ પસંદગી કરાઈ હતી અને તેમણે SAFF વિમેન્સ ફૂટસાલ ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જ્યારે પુરુષ ખેલાડીઓમાં વિશાલ દૂબે તથા અમન શાહ ભારતીય રાષ્ટ્રીય ફૂટસાલ ટીમમાં પસંદ થયા હતા અને કુવૈત ખાતે યોજાયેલી AFC ફૂટસાલ ચેમ્પિયનશીપમાં દેશ વતી રમ્યા પણ હતા.

અમદાવાદમાં મળેલી જી.એસ.એફ.એ.ની 48મી વાર્ષિક સાધારણ સભા (એ.જી.એમ.)માં જી.એસ.એફ.એ.ના અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીના નેતૃત્ત્વમાં આગામી વર્ષોમાં રાજ્યમાં ફૂટબોલ વધુ વિકસે અને સમૃદ્ધ બને તેવો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ વર્ષે ગુજરાતમાં AIFF ટુર્નામેન્ટો ઉપરાંત ટ્રાઈબલ ગેમ્સ, 10 જેટલી ઈન્ટર ડિસ્ટ્રીક્ટ તથા તેટલી જ ક્લબ ટુર્નામેન્ટોનું આયોજન કરવામાં આવ્યું હતું. જી.એસ.એફ.એ.ના અધ્યક્ષ, રાજ્યસભાના સાંસદ અને આર.આઇ.એલ.ના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ), પરિમલ નથવાણીએ ઉમેર્યું હતું કે, “જી.એસ.એફ.એ. દ્વારા 2025-26 દરમિયાન ઈન્ટર ડિસ્ટ્રીક્ટ, ક્લબ કક્ષાની તેમજ AIFF અસ્મિતા ટુર્નામેન્ટો તથા ટ્રાઈબલ ગેમ્સ મળીને 30થી વધુ વિવિધ ટુર્નામેન્ટોનું આયોજન કરવામાં આવ્યું હતું.”

આ એ.જી.એમ.માં ​​જી.એસ.એફ.એ.ના ઉપપ્રમુખ સર્વ  પ્રદીપસિંહ વાઘેલા અને  અરૂણસિંહ રાજપૂત ઉપરાંત માનદ્ મહામંત્રી  મૂળરાજસિંહ ચુડાસમા, માનદ્ ખજાનચી  અંકિત પટેલ તેમજ જી.એસ.એફ.એ. સાથે જોડાયેલા જિલ્લા ફૂટબોલ એસોસિયેશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં જીલ્લા એસોસિયેશનના બંધારણમાં સુધારા ઉપરાંત અલગ-અલગ ઈન્ટર ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટના આયોજન તથા ફૂટસાલ, બીચ સોકર અને અસ્મિતા લીગ અંગેની પણ ચર્ચા કરવામાં આવી હતી.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)