- Business
- Elections Politics Sentiment
- Entertainment
- Fashion
- FLASH NEWS
- ઈકોનોમી
- કોમોડિટી
- કોર્પોરેટ ન્યૂઝ
- ક્રિપ્ટો
- પર્સનલ ફાઇનાન્સ
- મ્યુચ્યુઅલ ફંડ
- શેર બજાર
જૂનમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસમાં 26.51%નો ઉછાળો
અમદાવાદ, 24 જુલાઈ: ભારતની જેમ અને જ્વેલરીની નિકાસમાં જૂન 2026માં મજબૂત રિકવરી નોંધાઈ છે. સમીક્ષાના સમયગાળા દરમિયાન કુલ નિકાસ જૂન 2025ની 1.75 અબજ ડોલર (રૂ. 15,023.07 કરોડ)ની તુલનાએ વાર્ષિક ધોરણે 26.51% વધીને 2.21 અબજ ડોલર (રૂ. 21,010.78 કરોડ) નોધાઈ હતી. મુખ્ય આંતરરાષ્ટ્રીય બજારોમાં ગોલ્ડ જ્વેલરી, કટ અને પોલિશ્ડ ડાયમંડ, સિલ્વર જ્વેલરી, પ્લેટિનમ જ્વેલરી અને લેબ-ગ્રોન ડાયમંડની તંદુરસ્ત માંગને કારણે માસિક કામગીરી મજબૂત રહેવા પામી હતી.
એપ્રિલ-જૂન 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન ભારતની કુલ જેમ્સ અને જ્વેલરી નિકાસ 6.61 અબજ ડોલર (રૂ. 62,588.61 કરોડ) સાથે સ્થિર જળવાઈ રહી છે. ગયા વર્ષના સમાન ગાળાની તુલનામાં નિકાસમાં અમેરિકન ડોલરના સંદર્ભમાં 0.04% નો આંશિક વધારો જ્યારે ભારતીય રૂપિયાના સંદર્ભમાં 10.76% નો નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. વૈશ્વિક આર્થિક પડકારો અને સોના-ચાંદીના વધતા ભાવ વચ્ચે પણ આ ક્ષેત્રએ પોતાની મજબૂત કામગીરી જાળવી રાખી છે.
નિકાસમાં નોંધાયેલા મજબૂત વધારા અંગે પ્રતિક્રિયા આપતાં જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રોમોશન કાઉન્સિલ (GJEPC) ના ચેરમેન કિરિટ ભણસાલીએ જણાવ્યું હતું કે, ” જૂન માસમાં નિકાસમાં થયેલો સુધારો ભારતીય જ્વેલરી ઉદ્યોગની સાતત્યપૂર્ણ ક્ષમતાનો પુરાવો છે. વૈશ્વિક સ્તરે બદલાઈ રહેલાં વેપારના માહોલ વચ્ચે પણ ભારતના જેમ અને જ્વેલરી સેક્ટરે નોંધપાત્ર દેખાવ કર્યો છે. એપ્રિલ-જૂનના ત્રિમાસિક ગાળા દરમિયાન નિકાસ મોટાભાગે સ્થિર રહી હોવા છતાં, જૂનમાં થયેલી ઝડપી રિકવરી આવનારા મહિનાઓ માટે એક પ્રોત્સાહક સંકેત છે. “

જૂન 2026માં જ્વેલરીની નિકાસમાં જોવા મળેલો મજબૂત ઉછાળો, આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવમાં થયેલા નોંધપાત્ર ઘટાડાને કારણે શક્ય બન્યો હતો. મે 2026માં સોનાના ભાવ પ્રતિ ટ્રોય ઔન્સ 4,723.88 ડોલર હતાં, જે જૂન 2026માં 10.28% ઘટીને પ્રતિ ટ્રોય ઔન્સ 4,238.32 ડોલર થઈ ગયા હતા. કિંમતી ધાતુઓના ભાવમાં આવેલા આ ઘટાડાથી કાચા માલનો ખર્ચ ઘટ્યો હતો, જેથી ભારતીય નિકાસકારો માટે વૈશ્વિક બજારોમાં વધુ સ્પર્ધાત્મક ભાવો ઓફર કરવા શક્ય બન્યાં હતાં. કુવૈત અને શારજાહમાં યોજાયેલા વિશાળ જ્વેલરી પ્રદર્શનોમાં ભારતીય નિકાસકારોની સફળ ભાગીદારીએ પણ નિકાસના ઓર્ડર મેળવવામાં મદદ કરી હતી, જેનાથી જૂનની નિકાસમાં રિકવરી શક્ય બની હતી. જોકે, આરબીઆઈ દ્વારા નક્કી કરેલી એજન્સીઓ દ્વારા સોનાની આયાત પર લાગતા જીએસટીના નીતિવિષયક મુદ્દાને કારણે વેપારીઓને સોનાનો પૂરતો પુરવઠો મેળવવામાં મુશ્કેલી પડી રહી છે, જેને ઉકેલવા માટે કાઉન્સિલ સરકાર સાથે ચર્ચા કરી રહી છે.”

જૂન 2026: ઉત્પાદન મુજબ નિકાસની કામગીરી
- ગોલ્ડ જ્વેલરી (પ્લેન અને સ્ટેડેડ)ની નિકાસ વાર્ષિક ધોરણે 54.50% વધીને 1,087.74 મિલિયન ડોલર (રૂ. 10,330.51 કરોડ) નોંધાઈ છે.
- પ્લેન ગોલ્ડ જ્વેલરીની નિકાસ વાર્ષિક ધોરણે 25.34% વધી 453.76 મિલિયન ડોલર (રૂ. 4,311.43 કરોડ) પર પહોંચી છે. આ વૃદ્ધિમાં યુએઈ, યુએસએ, સાઉદી અરેબિયા, સિંગાપોર અને યુકે જેવા મુખ્ય દેશોમાં સર્જાયેલી સાનુકૂળ માંગે મહત્વની ભૂમિકા ભજવી છે.
- સ્ટડેડ ગોલ્ડ જ્વેલરીની નિકાસ 85.35% ના જોરદાર ઉછાળા સાથે 633.97 મિલિયન ડોલર (રૂ. 6,019.08 કરોડ) નોંધાઈ છે, જેમાં યુએઈ, સાઉદી અરેબિયા અને યુકે નિકાસના મુખ્ય બજારો તરીકે ઉભરી આવ્યા છે.
- કટ અને પોલિશ્ડ ડાયમંડની નિકાસ 8.71% વધીને 846.73 મિલિયન ડોલર (રૂ. 8,039.30 કરોડ) નોંધાઈ છે. યુએઈ, હોંગકોંગ, બેલ્જિયમ, કેનેડા અને અમેરિકા તરફથી સતત જળવાયેલી માંગે આ વૃદ્ધિને શક્ય બનાવી છે.
- જૂન 2026માં સિલ્વર જ્વેલરીની નિકાસ 23.98% ઘટીને 58.77 મિલિયન ડોલર (રૂ. 557.52 કરોડ) નોંધાઈ હતી.
- પ્લેટિનમ જ્વેલરીની નિકાસ 34.77% વધીને 17.44 મિલિયન ડોલર (રૂ. 165.55 કરોડ) થઈ છે, જેમાં યુએસએ, યુકે, યુએઈ, જર્મની અને હોંગકોંગ મુખ્ય નિકાસ બજારો રહ્યાં છે.
- હોંગકોંગ, યુએઈ, થાઇલેન્ડ, કેનેડા અને યુએસએની સાનુકૂળ માંગને લીધે પોલિશ્ડ લેબ-ગ્રોન ડાયમંડની નિકાસ 52.25% ની મજબૂત વૃદ્ધિ સાથે 101.35 મિલિયન ડોલર (રૂ. 961.92 કરોડ) નોંધાઈ છે.
- કલર્ડ જેમસ્ટોન્સની નિકાસ 23.63% ઘટીને 26.26 મિલિયન ડોલર (રૂ. 249.63 કરોડ) નોંધાઈ હતી.

એપ્રિલ-જૂન 2026: ઉત્પાદન મુજબ નિકાસ પ્રદર્શન
- એપ્રિલ-જૂન 2026 દરમિયાન ગોલ્ડ જ્વેલરી (પ્લેન અને સ્ટેડેડ)ની નિકાસ 2.78 અબજ ડોલર (રૂ. 26,357.04 કરોડ) રહી હતી, જે ગત વર્ષના સમાન સમયગાળાના 2.85 અબજ ડોલર (રૂ. 24,372.70 કરોડ)ની સરખામણીએ 2.35% નો ઘટાડો દર્શાવે છે.
- એપ્રિલ-જૂન 2026 દરમિયાન પ્લેન ગોલ્ડ જ્વેલરીની નિકાસ 23.30% ઘટીને 1.13 અબજ ડોલર (રૂ. 10,704.54 કરોડ) નોંધાઈ હતી, જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન 1.47 અબજ ડોલર (રૂ. 12,611.39 કરોડ) રહેવા પામી હતી.
- સ્ટડેડ ગોલ્ડ જ્વેલરીની નિકાસ એપ્રિલ-જૂન 2025ના 1.38 અબજ ડોલર (રૂ. 11,761.31 કરોડ)થી 20.10% વધીને 1.65 અબજ ડોલર (રૂ. 15,652.50 કરોડ) થઈ ગઈ છે.
- કટ અને પોલિશ્ડ ડાયમંડની નિકાસ ગત વર્ષના સમાન સમયગાળાના 2.84 અબજ ડોલર (રૂ. 24,271.10 કરોડ)ની સરખામણીએ 4.13% ઘટીને 2.72 અબજ ડોલર (રૂ. 25,773.90 કરોડ) નોંધાઈ છે.
- સિલ્વર જ્વેલરીની નિકાસમાં લગભગ બમણો વધારો નોંધાયો છે, જે એપ્રિલ-જૂન 2025ના 218.07 મિલિયન ડોલર (રૂ. 1,865.38 કરોડ)થી 97.78% વધીને 431.30 મિલિયન ડોલરે (રૂ. 4,060.27 કરોડ) સ્પર્શી છે.
- પ્લેટિનમ જ્વેલરીની નિકાસ ગત વર્ષના સમાન સમયગાળાની 45.96 મિલિયન ડોલર (રૂ. 393.23 કરોડ)ની તુલનાએ 27.66% વધીને 58.67 મિલિયન ડોલર (રૂ. 554.81 કરોડ) થઈ છે.
- પોલિશ્ડ લેબ-ગ્રોન ડાયમંડની નિકાસ ગત વર્ષના સમાન સમયગાળાના 257.77 મિલિયન ડોલર (રૂ. 2,204.84 કરોડ)થી 14.92% વધીને 296.24 મિલિયન ડોલર (રૂ. 2,805.39 કરોડ) નોંધાઈ છે.
- કલર્ડ જેમસ્ટોન્સની નિકાસ એપ્રિલ-જૂન 2025ના 96.76 મિલિયન ડોલર (રૂ. 826.93 કરોડ) ની તુલનાએ 15% ઘટીને 82.25 મિલિયન ડોલર (રૂ. 778.57 કરોડ) નોંધાઈ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
