NCDEXના NDEX, FINNDEX ઇક્વિટી ઈન્ડાઈસીસ લોન્ચ, ઇક્વિટી સેગમેન્ટમાં પ્રવેશ

ફેક્ટર અભિગમ પર આધારિત, જે રોકાણકારો માટે તેને વધુ અર્થપૂર્ણ બનાવે છે અને વોલેટિલિટીને જોડીને બજારનું વધુ સચોટ પ્રતિનિધિત્વ

મુંબઈ, 23 ઓક્ટોબર 2026: ભારતના અગ્રણી સ્ટોક એક્સચેન્જોમાંના એક NCDEX લિમિટેડે (અગાઉ નેશનલ કોમોડિટીઝ એન્ડ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ લિમિટેડ તરીકે ઓળખાતું) બે નિયમ-આધારિત ઈન્ડાઈસીસ, NDEX અને FINNDEX, લોન્ચ કરીને ઇક્વિટી અને ઇક્વિટી ડેરિવેટિવ બજારમાં પ્રવેશ કર્યો છે. આ લોન્ચ વ્યાપક માર્કેટ-ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓફરિંગ તરફની NCDEXની સફરમાં એક પગલું છે. શેરોની પસંદગી અને તેમને વેઈટ આપવા માટે આ ઈન્ડાઈસીસની રચના મલ્ટી-ફેક્ટર અભિગમના આધારે કરવામાં આવી છે. ઈન્ડાઈસીસ એક સંયુક્ત સ્કોરનો ઉપયોગ કરે છે, જેમાં ફ્રી-ફ્લોટ માર્કેટ કેપિટલાઇઝેશન (30%), સરેરાશ દૈનિક ટ્રેડેડ મૂલ્ય (30%), બીટા (20%) અને વોલેટિલિટી (20%)નો સમાવેશ થાય છે. આ પદ્ધતિ કંપનીનું કદ, ટ્રેડિંગ પ્રવૃત્તિ અને બજાર પ્રત્યે શેરની સંવેદનશીલતાને ઈન્ડેક્સ રચનાના વ્યવસ્થિત માળખામાં એકસાથે લાવવાનો પ્રયાસ કરે છે. અંતિમ ઘટક વેઈટમાં ફ્રી-ફ્લોટ માર્કેટ કેપિટલાઇઝેશન વેઈટ અને સંયુક્ત સ્કોર વેઈટને સમાન રીતે જોડવામાં આવે છે, અને દરેક રિબેલેન્સિંગ વખતે કોઈ એક શેરનું વેઈટ વધુમાં વધુ 15% રાખવામાં આવે છે.

NDEX 20 મોટા અને લિક્વિડ ભારતીય શેરોનો સમાવેશ કરતો બેન્ચમાર્ક ઈન્ડેક્સ છે. તેના શેરો NSE પર લિસ્ટેડ ટોચની 60 કંપનીઓના યુનિવર્સમાંથી પસંદ કરવામાં આવે છે, અને તેને અગ્રણી લિસ્ટેડ કંપનીઓના પ્રદર્શનને ટ્રેક કરવા માટે બનાવવામાં આવ્યો છે. FINNDEXમાં ટોચની 40 પાત્ર કંપનીઓમાંથી પસંદ કરાયેલા નાણાકીય ક્ષેત્રના 15 શેર (વીમા કંપનીઓ સિવાય) સામેલ છે. બંને ઈન્ડાઈસીસના ઘટકો સંયુક્ત સ્કોરિંગ ફ્રેમવર્કના આધારે પસંદ કરવામાં આવે છે, જે ફ્રી-ફ્લોટ માર્કેટ કેપિટલાઇઝેશન, લિક્વિડિટી, બીટા અને વોલેટિલિટી જેવા મુખ્ય માપદંડોનું મૂલ્યાંકન કરે છે. આથી દરેક ઈન્ડેક્સના યુનિવર્સમાં લિક્વિડ અને ફન્ડામેન્ટલી મજબૂત શેરોને સ્થાન મળે છે. આ ઈન્ડાઈસીસ NCDEX લિમિટેડ (“NCDEX”)ની માલિકીના છે અને તેમની ગણતરી તથા જાળવણી NSE ઈન્ડાઈસીસ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે. વર્ષમાં બે વાર, માર્ચ અને સપ્ટેમ્બરમાં, તેમની સમીક્ષા અને રિબેલેન્સિંગ કરવામાં આવશે, અને ચોક્કસ સંજોગોમાં એડ-હોક પુનર્ગઠનની જોગવાઈ રહેશે. બંને ઈન્ડાઈસીસમાં દરેક શેરનું વેઈટ 15% સુધી મર્યાદિત છે, જેનાથી વૈવિધ્યકરણ વધે છે અને કોઈ એક શેરમાં કેન્દ્રીકરણનું જોખમ ઘટે છે. બંને ઈન્ડાઈસીસ માટે આધાર મહિનો જાન્યુઆરી 2010 અને આધાર મૂલ્ય 10,000 છે. ઈન્ડેક્સ મૂલ્યોની ગણતરી કરીને બજારના કલાકો દરમિયાન NCDEXના ડેટા ફીડ્સ, વેબસાઇટ અને સમયાંતરે જારી થતી ફેક્ટશીટ્સ દ્વારા રિયલ ટાઈમમાં પ્રસારિત કરવામાં આવશે. NDEX અને FINNDEX સાથે મળીને અનુક્રમે મૂડી બજારો અને નાણાકીય ક્ષેત્રના પ્રદર્શનનું મજબૂત અને પ્રતિનિધિરૂપ માપ પૂરું પાડે છે.

આ લોન્ચ પર ટિપ્પણી કરતાં NCDEXના MD અને CEO વિકાસ ગોયલે જણાવ્યું હતું કે, “NDEX અને FINNDEXનું લોન્ચિંગ NCDEXની મલ્ટી-સેગમેન્ટ એક્સચેન્જ બનવાની સફરમાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન છે. ઇક્વિટી અને ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં અમારું વિસ્તરણ, ભારતની નાણાકીય ઇકોસિસ્ટમની બદલાતી જરૂરિયાતો પૂરી કરતી વ્યાપક બજાર સંસ્થા બનાવવાના અમારા વિઝનનો એક ભાગ છે. જેમ જેમ ભારતીય મૂડી બજારોનું ઊંડાણ વધે છે અને તેમાં વધુ સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય ભાગીદારી આવે છે, તેમ તેમ પારદર્શક અને સારી રીતે ડિઝાઇન કરાયેલા બેન્ચમાર્ક અનિવાર્ય બની જાય છે. આ ઈન્ડાઈસીસ દ્વારા અમે એવા માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના  વિકાસમાં યોગદાન આપવા માંગીએ છીએ, જે જાણકાર રોકાણ નિર્ણયોને ટેકો આપે, બજાર સહભાગીઓ માટે ઉપલબ્ધ સાધનોની શ્રેણીને મજબૂત બનાવે અને વૈશ્વિક મૂડી માટે વધુ ને વધુ મહત્ત્વના સ્થળ તરીકે ભારતની સ્થિતિને વધુ દ્રઢ કરે.”

NCDEXના ઇક્વિટી બિઝનેસના ચીફ તોજો બેનર્જીએ જણાવ્યું હતું કે, “NDEX અને FINNDEX માર્કેટ કેપિટલાઇઝેશનથી આગળ જોઈને ઈન્ડેક્સ રચનાનો એક અલગ અભિગમ રજૂ કરે છે. અમારો હેતુ એવા બેન્ચમાર્ક બનાવવાનો છે, જે ભારતના ઇક્વિટી બજારનું વધુ ઝીણવટભર્યું ચિત્ર રજૂ કરે અને કંપનીઓના કદની સાથે સાથે તેમના બજાર વર્તનને પ્રભાવિત કરતાં નિર્ણાયક પરિબળોને પણ દર્શાવે. FINNDEX ભારતની નાણાકીય ઇકોસિસ્ટમની વધતી વિવિધતાને ધ્યાનમાં લે છે, જે પરંપરાગત બેંકિંગથી આગળ વધીને વિસ્તરતા મૂડી બજારો, NBFC અને ફિનટેક સેગમેન્ટ્સ સુધી ફેલાયેલી છે. બીજી તરફ, NDEX મોટા અને લિક્વિડ ભારતીય શેરો માટે બેન્ચમાર્ક તરીકે કામ કરે છે. અમારું માનવું છે કે ભારતની આગળ વધતી વિકાસગાથાનું મૂલ્યાંકન કરવામાં આ ઈન્ડાઈસીસ રોકાણકારો, બજાર સહભાગીઓ અને સંશોધકો માટે ઉપયોગી સંદર્ભ બની શકે છે.”

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)