નવી દિલ્હી

દેશના જથ્થાબંધ ફુગાવામાં આંશિક રાહત મળતાં આગામી સમયમાં મોંઘવારીમાં ઘટાડો થવાની શક્યતા વધી છે. સપ્ટેમ્બરમાં હોલસેલ પ્રાઈસ આધારિત ફુગાવો (WPI) ઓગસ્ટની 12.41 ટકાની તુલનાએ ઘટી 10.70 ટકા નોંધાયો છે. જે ગતવર્ષે સમાનગાળામાં 11.8 ટકા હતો. રોયટર્સ સહિત અન્ય એજન્સીઓના અંદાજ કરતાં WPIમાં ઘટાડો થયો છે.

અર્થશાસ્ત્રીઓએ ગતવર્ષની લો બેઝ ઈફેક્ટ, વૈશ્વિક સ્તરે એનર્જી અને કોમોડિટીના ભાવોમાં ઘટાડાના કારણે આગામી થોડા મહિના સુધી ફુગાવો 7 ટકા આસપાસ રહેવાનો અંદાજ આપ્યો છે. આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ માટે ફુગાવાનો અંદાજ 6.7 ટકા મૂક્યો છે.

મેમાં રેકોર્ડ 15.88 ટકા હતો

જથ્થાબંધ મોંઘવારી સતત અઢારમા મહિને ડબલ ડિજિટમાં નોંધાઈ છે. જેમાં મે મહિનામાં રેકોર્ડ 15.88 ટકાની ટોચે હતી. WPI ફૂડ ઈન્ડેક્સ પર આધારિત ખાદ્ય ફુગાવો ઓગસ્ટ, 2022માં 9.93%થી ઘટી સપ્ટેમ્બરમાં 8.08% થયો હતો. જો કે, શાકભાજીના ભાવો વધી 39.66% થયા હતા. જે ઓગસ્ટમાં 22.29% હતા. ફુગાવોમાં વધારા પાછળનું કારણ મુખ્યત્વે ખનિજ તેલ, ખાદ્ય ચીજો, ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, રસાયણો અને રાસાયણિક ઉત્પાદનો, ધાતુઓ, વીજળી, કાપડ વગેરેના ભાવમાં વધારો છે.

રિટેલ ફુગાવો પાંચ માસની ટોચે

ગત સપ્તાહે જારી કરવામાં આવેલા આંકડાઓમાં રિટેલ ફુગાવો સપ્ટેમ્બરમાં 7.41%ની પાંચ મહિનાની ટોચે પહોંચ્યો હતો, જે ખાદ્યપદાર્થોના વધતા ખર્ચને કારણે પ્રેરિત હતો, જેના કારણે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા આકરૂ વલણ લઈ શકે છે. જે આરબીઆઈના નિર્ધારિત લક્ષ્યાંક કરતાં સતત નવમા મહિને વધુ નોંધાયો છે.