‘અમૂલ બેંગાલ ડેરી પ્રોજેક્ટ’ અંતર્ગત વિશ્વના સૌથી મોટા દહીં પ્લાન્ટનું કોલકાતામાં ભૂમિપૂજન કરાયું
કોલકાતા, 21 જુલાઇઃ “સહકાર સે સમૃદ્ધિ”ના સપનાને પાંખો આપવા અને દેશમાં “શ્વેત ક્રાંતિ ૨.૦” લાવવાના લક્ષ્ય સાથે, કોલકાતાના ન્યૂ ટાઉન કન્વેન્શન સેન્ટર ખાતે ‘Amul Bengal Dairy Project’ ના એક વિશાળ પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું છે. આ પ્લાન્ટ વિશ્વનો સૌથી મોટો દહીં ઉત્પાદન પ્લાન્ટ બનવા જઈ રહ્યો છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ભૂમીપૂજન કરાયું હતું.
અમૂલ પશ્ચિમ બંગાળના હાવડા ફૂડ પાર્ક ખાતે આશરે ₹૭૦૦ કરોડ ના રોકાણ સાથે ‘Amul Bengal Dairy Project’ સ્થાપી રહ્યું છે. દરરોજ ૧૦ લાખ કિલોગ્રામ (૧,૦૦૦ મેટ્રિક ટન) દહીં ઉત્પાદનની ક્ષમતા સાથે આ વિશ્વનો સૌથી મોટો દહીં પ્લાન્ટ બનશે. પ્લાન્ટ સંપૂર્ણ શરૂ થતાં જ રોજનું ૩૦ લાખ લીટર દૂધ પ્રોસેસ કરી શકશે. ૧૦ લાખ લીટર પેકેજ્ડ દૂધ, ૨ લાખ લીટર UHT દૂધ, ૧ લાખ લીટર આઈસ્ક્રીમ, ૨૦ મેટ્રિક ટન પનીર, ૧૦ મેટ્રિક ટન ઘી, ૧૦ મેટ્રિક ટન મીઠાઈઓ અને ૨.૫ લાખ પેક ફ્લેવર્ડ મિલ્ક. આ પ્રોજેક્ટ બંગાળના ગ્રામીણ અર્થતંત્રમાં રોજગારીની નવી તકો ઊભી કરીને શ્વેત ક્રાંતિનો એક નવો અધ્યાય શરૂ કરશે.

આ પ્રસંગે ગૃહમંત્રીએ કહ્યું કે આજનો દિવસ બંગાળના ખેડૂતો અને પશુપાલકો માટે એક સોનેરી સવાર સમાન છે. અમૂલે જે પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું છે તેના પહેલા તબક્કામાં જ રોજનું ૧૦ લાખ લીટર દૂધ પ્રોસેસ થશે, જેનો સીધો લાભ ૧.૨૦ લાખ નાના દૂધ ઉત્પાદકોને મળશે.
શાહે વહેતા કહ્યું કે મારી એક જ વિનંતી પર મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ અમૂલ ફેડરેશનને ૩૦ એકર જમીન એક પણ રૂપિયો લીધા વિના મફત આપી દીધી. આ એક જ નિર્ણયના કારણે હવે પશ્ચિમ બંગાળમાં બીજા ૧૦૦ જેટલા મોટા રોકાણો આવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. આનાથી અંદાજે ૨.૫ લાખ પશુપાલકોને તેમના દૂધના બજારમાં સૌથી બેસ્ટ ભાવ મળશે.
આજે અમૂલ દુનિયાની નંબર વન સહકારી સંસ્થા બની ગઈ છે, જેની સાથે ૩૬ લાખ જેટલી મહિલાઓ જોડાયેલી છે. આ મહિલા શક્તિ અને સહકારની સાચી તાકાત છે. હાલમાં ૧૮,૬૦૦ થી વધુ ગામડાઓની ડેરી મંડળીઓ અમૂલ સાથે જોડાયેલી છે. “તમે જ્યારે અમૂલની કોઈ પ્રોડક્ટ પાછળ ૧૦૦ રૂપિયા ખર્ચો છો ને, ત્યારે તેના ₹૮૭ સીધા ખેડૂતના ખિસ્સામાં જાય છે, કોઈ મોટા ઉદ્યોગપતિના ઘરમાં નહીં.” આ જ તો સહકારનું અસલી મોડેલ છે.
આ ઉપરાંત, લાંબા સમયથી અટકેલું રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટીઝ નું કમ્પ્યુટરાઈઝેશન નવી સરકારે માત્ર ૯ અઠવાડિયામાં પૂરું કરી દીધું છે. હવે સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ ફોન પર જ બધી સેવાઓ મેળવી શકશે, જેથી ભ્રષ્ટાચાર નાબૂદ થશે. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોના પાકના સુરક્ષિત સંગ્રહ માટે ૧,૪૦૦ મેટ્રિક ટનની ક્ષમતાવાળા ગોડાઉનોનું ઉદ્ઘાટન અને અન્ય ૧૦ ગોડાઉનોનો શિલાન્યાસ પણ કરાયો હતો. તેમણે પશુપાલકોને ખાતરી આપી કે આગામી ૧૫ વર્ષમાં દરેક ગ્રામીણ પરિવાર પાસે વધુ દૂધ આપતા પશુઓ હોય અને પશુપાલન તેમની કમાણીનો પાકો સ્ત્રોત બને તે માટે સરકાર પૂરી તાકાત લગાવી દેશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
