અમૂલ બ્રાન્ડનું ટર્નઓવર ૧૧% ની નોંધપાત્ર વૃદ્ધિ સાથે ₹ ૧ લાખ કરોડને પાર
આણંદ, 06 એપ્રિલ, 2026: વિશ્વની સૌથી મોટી ખેડૂતોની માલિકીની સહકારી સંસ્થા, ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF) એ વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં અમૂલ બ્રાન્ડનું કુલ ટર્નઓવર ૧ લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. ગયા વર્ષના ૯૦,૦૦૦ કરોડના ટર્નઓવર સામે આ ૧૧% ની મજબૂત વૃદ્ધિ નોંધાઈ છે.
GCMMF એ આ વર્ષે ૭૩,૪૫૦ કરોડ રૂપિયાનું વેચાણ નોંધાવ્યું છે, જે ગયા વર્ષના ૬૫,૯૧૦ કરોડની સરખામણીએ ૧૧.૪% નો નોંધપાત્ર વધારો દર્શાવે છે. આ સાથે જ અમૂલે ભારતની સૌથી મોટી FMCG સંસ્થાનું સ્થાન જાળવી રાખ્યું છે. ૧,૨૦૦ થી વધુ પ્રોડક્ટ પેકનો વિશાળ પોર્ટફોલિયો, મજબૂત ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક અને આધુનિક ગ્રાહકોની જરૂરિયાતોને અનુરૂપ નવી પ્રોડક્ટ લોન્ચ કરવાની ક્ષમતાને કારણે આ પ્રગતિ શક્ય બની છે. ફેડરેશન તેના ૧૮ જિલ્લા સહકારી દૂધ સંઘો સાથે મળીને અમૂલની મજબૂત બ્રાન્ડ થકી ડેરી ક્ષેત્રે નેતૃત્વ કરી રહ્યું છે.
તાજેતરમાં ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સ (ICA) દ્વારા અમૂલને વિશ્વની નંબર ૧ સહકારી સંસ્થા તરીકે માન્યતા આપવામાં આવી છે. આ વર્ષ દરમ્યાન અમૂલે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ પોતાનો વ્યાપ વધારવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. યુરોપ અને અમેરિકામાં ફ્રેશ મિલ્ક લોન્ચ કરીને અમૂલે આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાની મજબૂત હાજરી નોંધાવી છે. આ પ્રયાસ માનનીય વડાપ્રધાનના તે વિઝન સાથે સુસંગત છે, જેમાં વિશ્વના દરેક ઘરના ડાઇનિંગ ટેબલ પર ભારતીય બ્રાન્ડની ખાદ્ય સામગ્રી પહોંચાડવાનું લક્ષ્ય છે.
સહકારી મોડલને રાષ્ટ્રીય સ્તરે લઈ જવા માટે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ૬ જુલાઈ, ૨૦૨૫ ના રોજ ‘સરદાર પટેલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશન લિમિટેડ’ (SPCDF)ની શરૂઆત કરી હતી. મલ્ટી-સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટી હેઠળ નોંધાયેલ આ નવું ફેડરેશન ગુજરાત બહારની ગ્રામીણ ડેરીઓને રાષ્ટ્રીય સ્તરે એક મજબૂત નેટવર્ક સાથે જોડશે. આ સંસ્થા દેશમાં ‘બીજી શ્વેત ક્રાંતિ’ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
આ ઐતિહાસિક સિદ્ધિ પર GCMMF ના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું કે, “૧ લાખ કરોડનું ટર્નઓવર પાર કરવું એ કરોડો ગ્રાહકોના અતૂટ વિશ્વાસ અને અમારા ૩૬ લાખ પશુપાલકોની સતત મહેનતનું પ્રમાણ છે.”
GCMMFના વાઈસ ચેરમેન ગોરધનભાઈ ધામેલિયાએ ઉમેર્યું કે, “૧ લાખ કરોડ સુધીની આ સફર સહકારી ભાવનાની જીત છે. અમારા મોડલને રાષ્ટ્રીય સ્તરે વિસ્તારી અમે સાબિત કરી રહ્યા છીએ કે ‘અમૂલનું સહકારી મોડેલ’ આર્થિક વિકાસ માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.”
GCMMF ના મેનેજિંગ ડિરેક્ટર ડો. જયેન મહેતાએ જણાવ્યું કે, “અમે વૈશ્વિક સ્તરે અમારી હાજરી મજબૂત બનાવી રહ્યા છીએ અને આધુનિક યુગમાં ખેડૂતોની માલિકીની સંસ્થા કેટલી મોટી સિદ્ધિઓ હાંસલ કરી શકે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છીએ. ટેકનોલોજી અને વૈશ્વિક વેપારના લાભો સીધા અમારા પશુપાલકો સુધી પહોંચે તે માટે અમે સતત પ્રયત્નશીલ છીએ, કારણ કે તેઓ જ અમૂલ બ્રાન્ડના સાચા માલિકો છે.”
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
