Q4ની અને નાણાંકીય વર્ષ 2026ની આવકો અનુક્રમે 16.7 ટકા અને 16.6 ટકા વધીQ4 માટેની ચોખ્ખા નફાની વૃદ્ધિ 36 ટકા અને સંપૂર્ણ વર્ષ માટે 41 ટકા રહી

પૂણે, 06 મે: એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે 31 માર્ચ, 2026ના રોજ પૂર્ણ થયેલા ચોથા ત્રિમાસિક અને સમગ્ર નાણાંકીય વર્ષ માટેના તેના કન્સોલિડેટેડ નાણાંકીય પરિણામોની જાહેરાત કરી હતી.

સંપૂર્ણ વર્ષ માટેની કામગીરીઃ કામગીરીમાંથી આવક રૂ. 9,204 કરોડ રહી, જે વાર્ષિક ધોરણે 16.6 ટકા વૃદ્ધિ દર્શાવે છે અને જણાવવામાં આવલા ગાઇડન્સ કરતાં વધુ છે. એબિટા રૂ. 1,789 કરોડ રહી, જે વાર્ષિક ધોરણે 21.8 ટકા વૃદ્ધિ દર્શાવે છે, એબિટા માર્જિન 19.4 ટકા રહ્યું છે. નોંધાયેલો ચોખ્ખો નફો રૂ. 941 કરોડ રહ્યો, જે વાર્ષિક ધોરણે 33.1 ટકા વૃદ્ધિ દર્શાવે છે. એડજસ્ટેડ ચોખ્ખો નફો રૂ. 1,008 કરોડ રહ્યો, જે વાર્ષિક ધોરણે 40.9 ટકા વૃદ્ધિ દર્શાવે છે. સ્થાનિક વ્યવસાયનું વેચાણ રૂ. 4,027 કરોડ રહ્યું, જે વાર્ષિક ધોરણે 10.0 ટકા વૃદ્ધિ દર્શાવે છે. વૃદ્ધિ બજાર સાથે સુસંગત રહી, જેમાં કાર્ડિયાક, સીએનએસ અને ઓન્કોલોજી ક્ષેત્રે આગેવાની રહી. સહાયક કંપનીમાં લઘુમતી હિસ્સાની ખરીદી દ્વારા સ્થાનિક કામગીરીનું એકીકરણ કરવામાં આવ્યું, વિવિધ વિભાગોમાં નેતૃત્વ ટીમોને મજબૂત બનાવવામાં આવી અને મુખ્ય બહુરાષ્ટ્રીય કંપનીઓ સાથેની ભાગીદારી દ્વારા પોર્ટફોલિયોમાં વિસ્તરણ કરવામાં આવ્યું. આંતરરાષ્ટ્રીય વ્યવસાયનું વેચાણ રૂ. 5,177 કરોડ રહ્યું, જે વાર્ષિક ધોરણે 22.2 ટકા વૃદ્ધિ દર્શાવે છે. બેઝ વ્યવસાયમાં વૃદ્ધિ અને ઇન-હાઉસ પોર્ટફોલિયોમાંથી નવા લોન્ચના કારણે મજબૂત ગતિ જોવા મળી.

Q4ની કામગીરીઃ કામગીરીમાંથી આવક રૂ. 2,470 કરોડ રહી, જે વાર્ષિક ધોરણે 16.7 ટકા વૃદ્ધિ દર્શાવે છે. એબિટા રૂ. 485 કરોડ રહી, જે વાર્ષિક ધોરણે 24.5 ટકા વૃદ્ધિ દર્શાવે છે, એબિટા માર્જિન 19.7 ટકા રહ્યું. નોંધાયેલો ચોખ્ખો નફો રૂ. 244 કરોડ રહ્યો, જે વાર્ષિક ધોરણે 23.6 ટકા વૃદ્ધિ દર્શાવે છે. એડજસ્ટેડ ચોખ્ખો નફો રૂ. 279 કરોડ રહ્યો, જે વાર્ષિક ધોરણે 36.0 ટકા વૃદ્ધિ દર્શાવે છે. સ્થાનિક વ્યવસાયનું વેચાણ રૂ. 977 કરોડ રહ્યું, જે વાર્ષિક ધોરણે 5.2 ટકા વૃદ્ધિ દર્શાવે છે. Zuventus પોર્ટફોલિયો અને ટીમના પુનર્ગઠનને કારણે પ્રદર્શન થોડું નરમ રહ્યું. આંતરરાષ્ટ્રીય વ્યવસાયનું વેચાણ રૂ. 1,493 કરોડ રહ્યું, જે વાર્ષિક ધોરણે 25.7 ટકા વૃદ્ધિ દર્શાવે છે. વિવિધ બજારોમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી, જેને બેઝ વ્યવસાયના વિસ્તરણ અને નવા લોન્ચ દ્વારા આધાર મળ્યો.

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર સતીશ મહેતાએ જણાવ્યું હતું કે, “નાણાંકીય વર્ષ 2026 દરમિયાન, જે અમારી પાંચ વર્ષીય વ્યૂહાત્મક યોજનાનું પ્રથમ વર્ષ હતું, એમક્યોરે મજબૂત નાણાંકીય પ્રદર્શન કર્યું છે, જેમાં 1 અબજ ડોલરથી વધુ આવક અને 16.6 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં મજબૂત ગતિ જોવા મળી છે, જ્યારે અમારા સ્થાનિક વ્યવસાયમાં સ્થિર વૃદ્ધિ નોંધાઈ છે. અમે વર્ષ દરમિયાન અંદાજે 41 ટકા એડજસ્ટેડ ચોખ્ખા નફાની વૃદ્ધિ હાંસલ કરી છે. અમે ઇન-લાઇસેન્સિંગ, Zuventusમાં લઘુમતી હિસ્સાની ખરીદી અને યુકે તથા કેનેડામાં નાના વ્યૂહાત્મક સંપાદન દ્વારા વ્યૂહાત્મક રીતે વિસ્તરણ કર્યું છે. કોમ્પ્લેક્સ ઇન્જેક્ટેબલ્સ અને બાયોસિમિલર્સ ક્ષેત્રમાં અમારી આર એન્ડ ડી પાઇપલાઇન ભવિષ્યના મૂલ્ય માટે એક મુખ્ય પ્રેરક બની રહી છે. અમારા પ્રાથમિક લક્ષ્યો સ્પષ્ટ છે – ઉદ્યોગ કરતાં વધુ અને ટકાઉ વૃદ્ધિ હાંસલ કરવી, સતત માર્જિનમાં વધારો કરવો અને તમામ હિતધારકો માટે લાંબા ગાળાનું ટકાઉ મૂલ્ય નિર્માણ ચાલુ રાખવું.”

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)