સન ફાર્માએ 11.75 અબજ ડોલરમાં ઓર્ગેનોનને હસ્તગત કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા

ઓર્ગેનોનના શેરધારકોને શેર દીઠ 14.00 યુએસ ડોલર રોકડા મળશે
28 એપ્રિલ, 2026, અમદાવાદ તથા ન્યૂ જર્સીઃ સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તથા ઓર્ગેનોન એન્ડ કંપની એ, સન ફાર્મા દ્વારા 11.75 અબજ યુએસ ડોલરના એન્ટરપ્રાઇઝ મૂલ્યાંકન સાથે સંપૂર્ણ રોકડ સોદામાં શેર દીઠ 14.00 યુએસ ડોલરમાં ઓર્ગેનોનના તમામ બાકી શેર હસ્તગત કરવાના નિશ્ચિત કરાર પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી હતી.
ઓર્ગેનોન એક વૈશ્વિક હેલ્થકેર કંપની છે, જેની સ્થાપના 2021માં, અમેરિકા અને કેનેડાની બહાર એમસીડી તરીકે ઓળખાતી મર્કના વિભાજન દ્વારા કરાઈ હતી. કંપનીના પોર્ટફોલિયોમાં મહિલા આરોગ્ય અને જનરલ મેડિસિન્સની 70થી વધુ પ્રોડક્ટ્સ સામેલ છે, જેનું વેચાણ 140 દેશોમાં થાય છે.
ઓર્ગેનોનનું આ પ્રસ્તાવિત સંપાદન સન ફાર્માના ઇનોવેટિવ મેડિસિન્સના વ્યવસાયને વિકસાવવાની વ્યૂહરચનાને અનુરૂપ છે. આ જોડાણથી બનનારી નવી કંપની એસ્ટાબ્લિશ્ડ બ્રાન્ડ્સ અને બ્રાન્ડેડ જેનેરિક્સના વ્યવસાયમાં વધુ મજબૂત કંપની તરીકે ઉભરી આવશે. આ સોદો સન ફાર્માને બાયોસિમિલર્સના ક્ષેત્રમાં વિશ્વની ટોચની 10 કંપનીમાં સ્થાન અપાવશે.

આ સોદો સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી, સન ફાર્મા :
- 12.4 અબજ1 યુએસ ડોલરની સંયુક્ત આવક સાથે વિશ્વની ટોચની 25 ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં સ્થાન હાંસલ કરશે
- એસ્ટાબ્લિશ્ડ બ્રાન્ડ્સ/બ્રાન્ડેડ જેનેરિક્સ ક્ષેત્રે અગ્રણી કંપની બનશે
- 27% આવક હિસ્સા સાથે ‘ઇનોવેટિવ મેડિસિન્સ’ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરતી કંપની બનશે
- વૈશ્વિક સ્તરે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે ટોચની 3 કંપનીઓમાં સ્થાન મેળવશે, જે ભવિષ્યના વિકાસ માટે વ્યાવસાયિક પ્લેટફોર્મ પૂરું પાડશે
- વિશ્વની 7મી સૌથી મોટી બાયોસિમિલર કંપની બનશે
- 150 દેશોમાં હાજરી, જેમાં 18 મોટા બજારોમાંથી દરેક 100 મિલિયન યુએસ ડોલરથી વધુની આવક પેદા કરશે
- વધુ મજબૂત રોકડ આવક ધરાવતી કંપની, જેમાં EBITDA અને કેશ ફ્લો લગભગ બમણા થવા જઈ રહ્યા છે; જે આ સોદા પછીના 2.3 ગણા ‘નેટ ડેટ/EBITDA’ રેશિયોને ઘટાડવામાં મદદરૂપ થશે
આ સોદાને સન ફાર્મા અને ઓર્ગેનોન બંનેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને તે, જરૂરી નિયમનકારી મંજૂરીઓ અને ઓર્ગેનોનના શેરધારકોની મંજૂરી સહિતની સોદો પૂર્ણ કરવાની પ્રચલિત શરતોને આધીન છે.

સન ફાર્માના એક્ઝિક્યુટિવ ચેરમેન દિલીપ સંઘવીએ જણાવ્યું હતું કે, “આ સોદો સન ફાર્મા માટે લોકો સુધી પહોંચવાના અને તેમના જીવનને સ્પર્શવાના તેના વિઝનને આગળ વધારવાની એક મહત્વપૂર્ણ તક પૂરી પાડે છે. ઓર્ગેનોનનો પોર્ટફોલિયો, ક્ષમતાઓ અને વૈશ્વિક પહોંચ અમારી પોતાની ક્ષમતાઓની પૂરક છે, અને અમે માનીએ છીએ કે આ બંને સંસ્થાઓના જોડાણથી એક મજબૂત અને વધુ વૈવિધ્યસભર પ્લેટફોર્મ તૈયાર થઈ શકે છે. ઓર્ગેનોનના મિશન પ્રત્યે અમે ઊંડો આદર ધરાવીએ છે અને અમે તેના વારસાને આગળ ધપાવવાની સાથે સાતત્યપૂર્ણ લાંબા ગાળાના વિકાસ માટે ઉત્સુક છીએ.”
ઓર્ગેનોનના એક્ઝિક્યુટિવ ચેરમેન કેરી કોક્સે જણાવ્યું હતું કે, “તમામ વ્યૂહાત્મક વિકલ્પોની વિગતવાર તપાસ કર્યા પછી, અમારા બોર્ડને ખાતરી છે કે, સંપૂર્ણ રોકડનો આ સોદો ઓર્ગેનોનના શેરધારકોને તાત્કાલિક અને યોગ્ય મૂલ્ય પૂરું પાડે છે. અમારું માનવું છે કે સન ફાર્મા, ઓર્ગેનોનના બિઝનેસ, કર્મચારીઓ અને વિશ્વભરના દર્દીઓને સાથ આપવા માટે મજબૂત સ્થિતિમાં છે, અને તે અસરકારક દવાઓ તથા ઉકેલો પૂરા પાડવાના અમારા સંકલ્પને વધુ આગળ ધપાવશે.”
આ સોદાની મુખ્ય વિગતો નીચે મુજબ છે:
- સન ફાર્મા ઓર્ગેનોનના 100% ઇશ્યુ થયેલા અને બાકી રહેલા શેરો રોકડેથી ખરીદી લેશે
- સન ફાર્મા આ એક્વિઝિશન માટે પોતાની પાસે પડેલી રોકડ રકમ અને બેંકો પાસેથી મળનારી લોનના મિશ્રણનો ઉપયોગ કરશે
- આ સોદો સન ફાર્માની એક પેટા કંપની સાથે ઓર્ગેનોનના વિલીનીકરણ દ્વારા કરવામાં આવશે, જેમાં વિલીનીકરણ પછી પણ ‘ઓર્ગેનોન’ અસ્તિત્વમાં રહેશે
- આ સોદો 2027ની શરૂઆતમાં પૂર્ણ થવાની અપેક્ષા છે, જે નિયમનકારી મંજૂરીઓ અને ઓર્ગેનોનના શેરધારકોની મંજૂરી જેવી સામાન્ય શરતોને આધીન છે
સલાહકારો અને ફાઇનાન્સિંગ બેંકો
જેપી મોર્ગન સિક્યોરિટીઝ એલએલસી અને જેફરીઝ એલએલસી સન ફાર્માના નાણાકીય સલાહકાર તરીકે સેવા આપી રહ્યા છે વ્હાઇટ એન્ડ કેસ એલએલપી કાનૂની સલાહકાર તરીકે સેવા આપી રહી છે અને AZB એન્ડ પાર્ટનર્સ સન ફાર્માને ભારત સંબંધિત બાબતો માટે કાનૂની સલાહકાર તરીકે સેવા આપી રહ્યા છે. સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ એશિયા લિમિટેડ, જેપી મોર્ગન ચેઝ બેંક, એનએ અને એમયુએફજી બેંક, લિમિટેડ સન ફાર્માને ફાઇનાન્સિંગ બેંક તરીકે સેવા આપી રહી છે. મોર્ગન સ્ટેનલી એન્ડ કંપની એલએલસી ઓર્ગેનોનના મુખ્ય નાણાકીય સલાહકાર તરીકે સેવા આપી રહી છે, જ્યારે, ગોલ્ડમેન સૅક્સ એન્ડ કંપની એલએલસી ઓર્ગેનોનના નાણાકીય સલાહકાર તરીકે સેવા આપી રહી છે. સુલિવાન એન્ડ ક્રોમવેલ એલએલપી ઓર્ગેનોનના કાનૂની સલાહકાર તરીકે સેવા આપી રહી છે, જ્યારે સિરિલ અમરચંદ મંગલદાસ ઓર્ગેનોનને ભારત સંબંધિત બાબતો માટે કાનૂની સલાહકાર તરીકે સેવા આપી રહ્યા છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
