અમદાવાદ, 20 મેઃ શેરબજારમાં સતત ઘટાડાને કારણે આ ભારતીય કંપનીઓની વેલ્યુ ઘટી છે. દેશની માર્કેટકેપની દ્રષ્ટિએ સૌથી મૂલ્યવાન ગણાતી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગ્લોબલ રેન્કિંગમાં હવે 106મા સ્થાને આવી ગઈ છે. કંપની 2025ની શરૂઆતમાં 57મા અને 2026ની શરૂઆતમાં 73મા સ્થાને હતી.

એનવીડિયા નંબર-1, આલ્ફાબેટ બીજા અને એપલ ત્રીજા સ્થાનેઃ ગ્લોબલ માર્કેટ્સમાં દુનિયાની મોટી ટેકનોલોજી કંપનીઓનું વર્ચસ્વ જળવાઈ રહ્યું છે. એનવીડિયા 5.33 ટ્રિલિયન ડોલર (₹513 લાખ કરોડ) ના માર્કેટ કેપ સાથે દુનિયાની સૌથી મૂલ્યવાન કંપની બની રહી છે. ત્યારબાદ આલ્ફાબેટ 4.7 ટ્રિલિયન ડોલર (₹455 લાખ કરોડ) અને એપલ 4.3 ટ્રિલિયન ડોલર (₹416 લાખ કરોડ) ના માર્કેટ કેપ સાથે બીજા અને ત્રીજા નંબર પર છે. માઇક્રોસોફ્ટ અને એમેઝોન ચોથા અને પાંચમા નંબર પર છે.

ICICI, SBI અને IT સેક્ટરની કંપનીઓની રેન્કિંગ પણ ઘટીઃ HDFC બેંકનું રેન્કિંગ હવે 190 થઈ ગયું છે, જે 2025ની શરૂઆતમાં 97મા નંબર પર હતું. ભારતી એરટેલ પણ 2026ની શરૂઆતમાં 164મા સ્થાને હતી, જે હવે ઘટીને 202મા સ્થાને આવી ગઈ છે. 2026ની શરૂઆતમાં ICICI બેંક અને SBI 215મા અને 231મા સ્થાને હતા, પરંતુ હવે તેઓ ઘટીને 274મા અને 276મા સ્થાને પહોંચી ગયા છે. TCSનું ગ્લોબલ રેન્ક વર્ષ 2025ની શરૂઆતમાં 84મું અને 2026ની શરૂઆતમાં 171મું હતું, જે હવે ઘટીને 314મા સ્થાને પહોંચી ગયું છે. ઇન્ફોસિસ હવે 590મા સ્થાને છે, જ્યારે 2025ની શરૂઆતમાં તે 198મા અને 2026ની શરૂઆતમાં 330મા સ્થાને હતી.

ટોપ 500માં ભારતની 15 કંપનીઓમાંથી માત્ર 9 જ કંપનીઃ ગ્લોબલ માર્કેટ કેપની ટોપ 500ની યાદીમાં ભારતની કંપનીઓની સંખ્યા વર્ષ 2025ની શરૂઆતમાં 15 અને વર્ષ 2026ની શરૂઆતમાં 13 હતી, જે હવે ઘટીને માત્ર 9 રહી ગઈ છે. ઘરઆંગણે પણ 100 બિલિયન ડોલરથી વધુ માર્કેટ કેપ ધરાવતી લિસ્ટેડ ભારતીય કંપનીઓની ક્લબ પણ હવે નાની થઈ ગઇ છે. વર્ષની શરૂઆતમાં આવી લગભગ 6 કંપનીઓ હતી, જે હવે ઘટીને માત્ર 3 રહી ગઈ છે.

100 બિલિયન ડોલર ક્લબમાં માત્ર ત્રણ કંપનીઓઃ ભારતીય બજારમાં સતત ઘટાડાને કારણે ICICI બેંક, SBI અને TCSએ આ સ્ટેટસ ગુમાવી દીધું છે. હવે માત્ર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, HDFC બેંક અને ભારતી એરટેલ છે, જેમનું માર્કેટ કેપ 100 બિલિયન ડોલરથી વધુ છે.

ગ્લોબલ બ્રોકરેજ હાઉસે ભારતીય બજારનું રેટિંગ ઘટાડ્યુંઃ બજાર પર દબાણ વધવાનું એક મુખ્ય કારણ ગ્લોબલ બ્રોકરેજ હાઉસે રેટિંગ ઘટાડવું પણ રહ્યું. માર્ચમાં UBS, મોર્ગન સ્ટેનલી અને નોમુરાએ ભારતીય બજારો પર પોતાનું રેટિંગ ઘટાડ્યું છે. જેના પછી એપ્રિલમાં જેપી મોર્ગન, HSBC અને ગોલ્ડમેન સૅક્સે પણ ભારતીય બજારનું રેટિંગ ઘટાડ્યું છે. મે મહિનાના પહેલા અઠવાડિયામાં સીટી બેંક પણ આમાં જોડાઈ ગઈ.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)