Bharat PETએ 760 કરોડના IPO માટે ફાઇલિંગ કર્યું
અમદાવાદ, 27 માર્ચઃ ઇન્ટિગ્રેટેડ પેકેજિંગ સોલ્યુશન્સ પ્રોવાઇડર ભારત પીઈટી લિમિટેડે (Bharat PET Limited) બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે.
કંપનીના આઈપીઓનું મૂલ્ય પ્રતિ ઇક્વિટી શેર રૂ. 10 ના ભાવે કુલ રૂ. 760 કરોડ સુધીનું થાય છે અને તેમાં કંપની દ્વારા રૂ. 120 કરોડ સુધીના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ અને પ્રમોટર વેચાણકર્તા શેરધારકો – દીપક ગુપ્તા, અંકુર ગુપ્તા, રાહુલ ગુપ્તા, સોનુ ગુપ્તા, સ્તુતિ ગુપ્તા, રુચિ ગુપ્તા, મિતાલી ગુપ્તા, સંતોષ દેવી ગુપ્તા દ્વારા રૂ. 640 કરોડ સુધીના ઇક્વિટી શેરના વેચાણની ઓફર સામેલ છે.
બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે ચર્ચાવિચારણા કરીને, કંપની લાગુ કાયદા હેઠળ પરવાનગી મુજબ રૂ. 24 કરોડ સુધીની ચોક્કસ સિક્યોરિટીઝના પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ પર પણ વિચાર કરી શકે છે.
ફ્રેશ ઇશ્યૂમાંથી મળેલી ચોખ્ખી આવકનો ઉપયોગ રૂ. 50 કરોડના ઉધારની સંપૂર્ણ અથવા આંશિક ચુકવણી માટે, રૂ. 35.8 કરોડના મશીનરી અને સાધનોની ખરીદી માટેના મૂડી ખર્ચના ભંડોળ તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાનો પ્રસ્તાવ છે.
કંપની એક પ્રાદેશિક ઉત્પાદકમાંથી એક ઇન્ટિગ્રેટેડ પેકેજિંગ સોલ્યુશન્સ પ્રોવાઇડર બની છે. તે વિવિધ કન્ટેનર ફોર્મેટ અને સાઇઝમાં રિજિડ પેકેજિંગ પ્રોડક્ટ્સના વૈવિધ્યસભર એસકેયુ પોર્ટફોલિયોના ઉત્પાદનમાં રોકાયેલી છે જેમાં PET બોટલ અને જાર, પ્રીફોર્મ્સ, મલ્ટી-લેયર કો-એક્સ્ટ્રુડેડ બોટલ, કેપ્સ અને ક્લોઝર અને ટીન કન્ટેનરનો સમાવેશ થાય છે.
કંપની એગ્રોકેમિકલ ઉદ્યોગને વૃદ્ધિ માટેના મુખ્ય ક્ષેત્ર ગણીને મુખ્યત્વે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે ભારતીય એગ્રોકેમિકલ પેકેજિંગ વ્યવસાયમાં લગભગ 11 ટકા બજાર હિસ્સો ધરાવે છે (સ્ત્રોત: CARE રિપોર્ટ). 30 સપ્ટેમ્બર, 2025 સુધીમાં, તેણે વિવિધ ગ્રાહક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વિવિધ સાઇઝ અને કન્ફિગરેશન મુજબ PET બોટલ અને જાર, મલ્ટી-લેયર કો-એક્સ બોટલ, ટીન કન્ટેનર અને PET પ્રીફોર્મ્સ સહિત પેકેજિંગ સોલ્યુશન્સનો વૈવિધ્યસભર પોર્ટફોલિયો ઓફર કર્યો હતો.
કંપની વિવિધ ઉદ્યોગોમાં 1,500 થી વધુ ગ્રાહકોના વૈવિધ્યસભર ગ્રાહક આધારને સેવા આપે છે. 30 સપ્ટેમ્બર, 2025 સુધીમાં, તેના 841 એક્ટિવ ગ્રાહકો હતા, જેમાં રિપિટ ગ્રાહકો કામગીરીમાંથી તેની આવકમાં આશરે 91 ટકા ફાળો આપે છે.
ડીઆરએચપી મુજબ, કંપની મોલ્ડ ટેક પેકેજિંગ, શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક અને ટાઇમ ટેક્નોપ્લાસ્ટ જેવી લિસ્ટેડ સાથી કંપનીઓ સાથે સ્પર્ધા કરે છે. તેમની તુલનામાં તેનો ફિક્સ્ડ એસેટ ટર્નઓવર રેશિયો 4.63 છે અને તેનો આરઓઈ સૌથી વધુ છે, ચોખ્ખા નફામાં ડબલ ડિજિટ માર્જિન જાળવી રાખ્યું છે અને નાણાંકીય વર્ષ 20223-25 દરમિયાન સૌથી વધુ સીએજીઆર નોંધાવ્યો છે.
કંપનીએ નાણાંકીય વર્ષ 2025 માં રૂ. 411.82 કરોડ અને 30 સપ્ટેમ્બર, 2025 ના રોજ પૂરા થયેલા છ મહિના માટે કામગીરીથી રૂ. 274.90 કરોડની આવક નોંધાવી હતી. નફાકારકતા મજબૂત રહી હતી અને નાણાંકીય વર્ષ 2025 માં પ્રો ફોર્મા એબિટા રૂ. 87.93 કરોડ અને છ મહિનાના સમયગાળામાં રૂ. 71.37 કરોડ રહી હતી, જેના પગલે અનુક્રમે 21.35 ટકા અને 25.96 ટકાનું એબિટા માર્જિન મળ્યું હતું. નાણાંકીય વર્ષ 2025 માં પ્રો ફોર્મા ચોખ્ખો નફો રૂ. 50.99 કરોડ અને છેલ્લા છ મહિનાના સમયગાળામાં રૂ. 48.12 કરોડ રહ્યો હતો, જેમાં ચોખ્ખા નફાનું માર્જિન 16.90 ટકા સુધી સુધર્યું હતું.
ઇક્વિરસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ અને એમ્બિટ પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
