રિલાયન્સ ફાઉન્ડેશન સ્થાપશે ‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’
| અનાથ બાળકો, વરિષ્ઠ નાગરિકો અને ગર્ભાવસ્થાથી દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓ સહિત ૫,૦૦૦ લોકોને આજીવન ઘર પૂરું પાડતી ૧૦૦ એકરની વિશાળ ટાઉનશિપ | શ્રીમતી નીતા અંબાણીની કલ્પના મુજબ, કરજત ખાતેની પ્રસ્તાવિત ટાઉનશિપ વિશ્વસ્તરીય આરોગ્ય સેવાઓ, સંભાળ સુવિધાઓ અને સન્માનપૂર્ણ તથા અર્થસભર જીવન માટેની તકો સાથે એક પ્રેમાળ, આજીવન આશ્રય પૂરો પાડશે |

મુંબઈ, 3 નવેમ્બરરિલાયન્સ ફાઉન્ડેશનનાં સ્થાપક અને ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણીએ ‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’ની સ્થાપનાની જાહેરાત કરી હતી. આ એક અનોખી પહેલની કલ્પના અનાથ બાળકો, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે આજીવન ઘર તરીકે કરવામાં આવી છે. તે તેમને વ્યાપક સ્વાસ્થ્ય સંભાળ અને વ્યક્તિગત વિકાસની તકોના સહારે ગરિમાપૂર્ણ, સંભાળભર્યું, આરામદાયક અને સાર્થક જીવન પ્રદાન કરશે.
શ્રીમતી નીતા અંબાણીએ મુંબઈ નજીક આવેલા કરજતમાં પ્રસ્તાવિત સ્થળે ભૂમિપૂજન અને શિલાન્યાસ વિધિ સંપન્ન કરી હતી. આશરે ૧૦૦ એકર જમીનમાં ફેલાયેલી આ ટાઉનશિપ- ‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’- એક કાયમી, બિન-નફાકારક (નોટ-ફોર-પ્રોફિટ) સંસ્થા તરીકે પરિકલ્પિત છે, જેનું નિર્માણ તમામ આવશ્યક મંજૂરીઓને આધીન તબક્કાવાર રીતે કરવામાં આવશે.
આ પહેલના હાર્દમાં શ્રીમતી નીતા અંબાણીનો એ દ્રઢ વિશ્વાસ રહેલો છે કે દરેક જીવન સન્માનને પાત્ર છે અને પ્રત્યેક વ્યક્તિ સહાનુભૂતિ, કરુણા તથા સ્નેહાળ સંભાળ મેળવવાને લાયક છે. રિલાયન્સ ફાઉન્ડેશનની ‘વી કેર’ (We Care) ની ભાવનામાં રહેલી આ દ્રષ્ટિ ‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય: પ્રત્યેક જીવન માટે એક ઘર’ના રૂપમાં ઊંડાણપૂર્વકની અર્થપૂર્ણ અભિવ્યક્તિ પામશે.
ભૂમિપૂજન સમારોહમાં બોલતાં રિલાયન્સ ફાઉન્ડેશનનાં સ્થાપક અને ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, “મારા અને મારા પરિવાર માટે ‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’ એ અમારા હૃદયની અત્યંત નિકટ રહેલી એક નવી શરૂઆત છે. તે દિવ્યાંગ વ્યક્તિઓ, જેને ઘરની જરૂર છે તેવા બાળકો અને સ્નેહાળ સંભાળ તથા શાંતિ ઝંખતા વરિષ્ઠો માટે એક મમતાભર્યું ઘર બનાવવા તરફનું ડગલું છે. અમે એક એવા સમુદાયની કલ્પના કરીએ છીએ જ્યાં સંવેદનશીલ સંભાળ અને તબીબી સહાય પારિવારિક જીવનની હુંફ સાથે એકરૂપ બને; જ્યાં લોકો કુદરતના સાનિધ્યમાં રહે, તેમને શીખવાની, કામ કરવાની, મિત્રો બનાવવાની અને ઉત્સવો તથા તહેવારોનો આનંદ માણવાની ભરપૂર તકો મળે.”
“એક માતા તરીકે મારી સૌથી અંતરની ઊંડી આશા એ છે કે, જે માતા-પિતા આખી જિંદગી એ ચિંતામાં વિતાવતા હોય છે કે ‘અમારા પછી અમારા બાળકોનું કોણ?’, તેઓ એ જાણીને મનની શાંતિ મેળવી શકે કે તેમના બાળક પાસે હંમેશા પોતાનું એક ઘર અને પોતાનો એક પરિવાર રહેશે. સૌથી વિશેષ તો, અમે આશા રાખીએ છીએ કે ‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’ દરેક ઉંમરે પ્રત્યેક વ્યક્તિને ગરિમા સાથે જીવવાની અને આશા સાથે દરેક નવી સવારને આવકારવાની તક આપે,” તેમ તેમણે ઉમેર્યું હતું.
ઘરથી દૂર એક આત્મીય ઘર
‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’ એક વિચારપૂર્વક ડિઝાઇન કરાયેલી, સર્વસમાવેશી ટાઉનશિપ તરીકે પરિકલ્પિત છે, જે ગર્ભાવસ્થાથી દિવ્યાંગતા ધરાવતા લોકો, અનાથ બાળકો અને વરિષ્ઠ નાગરિકો સહિત ૫,૦૦૦ થી વધુ નિવાસીઓને આજીવન ઘર પૂરું પાડશે. સંભાળ રાખનારાઓ (કેરગીવર્સ), તબીબી નિષ્ણાતો, સહાયક કર્મચારીઓ અને તેમના પરિવારો સાથે મળીને આ ટાઉનશિપ આશરે ૧૫,૦૦૦ લોકોના સમુદાયને સમાવી લેશે તેવી અપેક્ષા છે.
કોઈ સામાન્ય સંસ્થા કરતાં વિશેષ, ‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’ એક જીવંત, સંભાળ રાખતો સમુદાય બનશે જ્યાં નિવાસીઓ દર્દી તરીકે નહીં પરંતુ પાડોશી તરીકે પરિવારની હુંફ, સુરક્ષા અને પોતીકાપણાની ભાવના સાથે રહેશે. આ ટાઉનશિપમાં ઘરો, શેરીઓ, મંદિર, હોસ્પિટલ, રમતનાં મેદાનો, બગીચાઓ, ફાર્મ અને વર્કશોપ હશે, જે એક એવું વાતાવરણ પૂરું પાડશે જ્યાં પ્રત્યેક વ્યક્તિને પરિપૂર્ણ અને અર્થપૂર્ણ જીવન જીવવાની તક મળશે.
નિવાસીઓ સમર્પિત ‘હાઉસ પેરેન્ટ્સ’ અને કેરટેકર્સના સહારે નાના, કૌટુંબિક શૈલીના ઘરોમાં રહેશે. દરેક ઘર આરામ, પરિચિતતા અને અંગત લગાવની ભાવના પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવશે, જ્યાં નિવાસીઓને તેમના મનપસંદ રંગો, તસવીરો અને પ્રિય વસ્તુઓથી પોતાના ઓરડા સજાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
દરેક નિવાસી માટે એક વ્યક્તિગત સંભાળ અને વિકાસ યોજના (ઇન્ડિવિજ્યુઅલાઇઝ્ડ કેર એન્ડ ડેવલપમેન્ટ પ્લાન) તેમની અને તેમના પરિવારોની સલાહ લઈને તૈયાર કરવામાં આવશે, જેમાં આરોગ્ય, શિક્ષણ, કૌશલ્ય, રોજગાર, મિત્રતા અને વ્યક્તિગત કલ્યાણનો સમાવેશ થશે. એક સમર્પિત કી-વર્કર (સંકલનકર્તા) આ સંભાળનું સંકલન કરશે અને સહાય બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધી વ્યક્તિગત જરૂરિયાતો અનુસાર વિકસતી રહે તે સુનિશ્ચિત કરવા દર છ મહિને આ યોજનાઓની સમીક્ષા કરવામાં આવશે.
પ્રસ્તાવિત ટાઉનશિપમાં આઠ રહેણાંક ગામો (રેસિડેન્શિયલ વિલેજ) હશે, જે પ્રત્યેકનું નામકરણ ભારતના પવિત્ર નદીઓના નામ પરથી કરવામાં આવશે. દરેક ગામનો પોતાનો એક આગવો રંગ, પ્રતીક અને સેન્સરી ગાર્ડન (સંવેદનાત્મક બગીચો) હશે, જે નિવાસીઓને વધુ સરળતા અને સ્વાયત્તતા સાથે આસપાસના પરિસરમાં હરવા-ફરવામાં સહાયક બનશે.
‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’ આસપાસના ગ્રામીણ સમુદાયનો અભિન્ન હિસ્સો બનવાનો પણ પ્રયાસ કરશે. તેનું મંદિર, હોસ્પિટલ, રમતગમતની સુવિધાઓ અને કાફે પડોશી ગામોની સેવા કરશે તેવી કલ્પના છે, જ્યારે આ પ્રદેશના આશરે ૧,૦૦૦ લોકોને થેરાપી, શિક્ષણ અને રોજગારની તકો પ્રાપ્ત થવાની અપેક્ષા છે. આ ઉપરાંત, હજારો અન્ય લોકોને રેસ્પાઇટ કેર (પરિવારો માટે રાહત સંભાળ), આઉટરીચ પ્રોગ્રામ્સ અને સામુદાયિક સ્વાસ્થ્ય સેવાઓનો લાભ મળશે.
સર્વ માટે વ્યાપક સંભાળ, આરોગ્ય સેવાઓ અને અવસરો
‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’ એક ઉછેરયુક્ત અને સમાવેશી વાતાવરણમાં વિશિષ્ટ આરોગ્ય સેવાઓ, શિક્ષણ, પુનર્વસન, મનોરંજન અને અર્થપૂર્ણ રોજગારની તકોનો સુભગ સમન્વય કરશે.
પ્રસ્તાવિત સુવિધાઓ અને સેવાઓમાં નીચેની બાબતો સામેલ છે:
- કૌટુંબિક શૈલીના રહેણાંક ઘરો: સ્થિરતા, આરામ અને વ્યક્તિગત સહાય પ્રદાન કરવા માટે સાથે રહેતા ‘હાઉસ પેરેન્ટ્સ’ અને સમર્પિત કેરટેકર્સ સાથેના કૌટુંબિક ઘરો.
- વિશિષ્ટ સુવિધાયુક્ત હોસ્પિટલ: ડેવલપમેન્ટલ મેડિસિન, એપિલેપ્સી (વાઇ/આંચકી) કેર, સ્પેશિયલ-નીડ્સ ડેન્ટિસ્ટ્રી, પેલિયેટિવ કેર અને વ્યાપક તબીબી સહાય પૂરી પાડતી હોસ્પિટલ.
- અદ્યતન પુનર્વસન (રિહેબિલિટેશન) કેન્દ્ર: ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી અને હાઇડ્રોથેરાપીની આધુનિક સગવડો.
- સમાવેશી રમતગમત અને મનોરંજન પરિસર: સંગીત, કલા, સર્જનાત્મક અભિવ્યક્તિ અને સંવેદનાત્મક અનુભવો માટેની વિશેષ તકો સહિત.
- સર્વસમાવેશી શૈક્ષણિક વ્યવસ્થા: દિવ્યાંગ બાળકો માટે વિશિષ્ટ શિક્ષણ (સ્પેશિયલ એજ્યુકેશન) તેમજ સ્ટાફના બાળકો માટે સામાન્ય શાળાનું એકીકૃત મોડેલ.
- એનિમલ કમ્પેનિયનશિપ ફાર્મ: નિવાસીઓ અને પ્રાણીઓ વચ્ચે સકારાત્મક અને લાગણીસભર જોડાણને પ્રોત્સાહન આપવા માટે ‘વનતારા’ના સહયોગથી વિકસિત ફાર્મ.
- વ્યવસાયિક તાલીમ અને રોજગારની તકો: બેકરી, કાફે અને ક્રાફ્ટ સ્ટુડિયો સહિતની સુવિધાઓ, જેનાથી નિવાસીઓ કૌશલ્ય કેળવી શકે, મહેનતાણું મેળવી શકે અને શ્રમની ગરિમાનો અનુભવ કરી શકે.
- ફેમિલી રેસ્પાઇટ હોમ્સ અને મોબાઇલ મેડિકલ ક્લિનિક્સ: આસપાસના જિલ્લાઓમાં પરિવારો અને સમુદાયો સુધી સંભાળ અને સહાયનો વિસ્તાર.
- રાષ્ટ્રીય તાલીમ અકાદમી: વિશિષ્ટ તાલીમ અને ક્ષમતા નિર્માણ (કેપેસિટી બિલ્ડિંગ) દ્વારા ભારતના દિવ્યાંગ-સંભાળ ક્ષેત્રના કાર્યબળને સુદ્રઢ કરવા સમર્પિત નેશનલ ટ્રેનિંગ એકેડેમી.
- સમર્પિત હોસ્પાઇસ વિંગ અને સ્મૃતિ ઉપવન: શાંત અને ગરિમાપૂર્ણ વાતાવરણમાં જીવનના અંતિમ તબક્કાની કરુણાપૂર્ણ સંભાળ પૂરી પાડવા માટે.
‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’ એવા લોકો માટે આશા અને સ્નેહનું કેન્દ્ર બનવા માટે કલ્પિત છે જેઓ ત્યજી દેવાયેલા છે, એકલા છે અથવા જેમને આજીવન સંભાળની જરૂર છે. તે એવા પરિવારોને સહારો આપશે જેમણે વર્ષો સુધી પોતાના સ્વજનોની સેવામાં જીવન સમર્પિત કર્યું છે, છતાં ઘણીવાર તેમને વિશિષ્ટ સેવાઓ કે વિરામનો અભાવ સાલતો રહ્યો છે.
ગર્ભાવસ્થાથી દિવ્યાંગતા, સેરેબ્રલ પાલ્સી, ઓટિઝમ, એપિલેપ્સી અને જટિલ તબીબી પરિસ્થિતિઓ સાથે જીવતા લોકો માટે—ખાસ કરીને જેમને સતત નિષ્ણાતોની સંભાળની જરૂર હોય છે—‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’ એવો સહારો, સુરક્ષા અને તકો પૂરી પાડવાનો પ્રયાસ કરશે જે સામાન્ય રીતે મોટા શહેરો સિવાય મેળવવી દુષ્કર હોય છે.
સર્વોપરી રીતે, ‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’ એક એવું સ્થાન બનવાની આકાંક્ષા રાખે છે જ્યાં કોઈ એકલતા ન અનુભવે, દરેક જીવનનું મૂલ્ય સચવાય અને દરેક વ્યક્તિ પાસે જીવનભર માટે પોતાનું કહી શકાય તેવું એક ઘર હોય.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)

