સ્વરા બેબીએ 1000 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 3 જુલાઇઃ બેબી ડાયપર, એડલ્ટ ડાયપર અને સેનિટરી નેપકિન સહિતની ડિસ્પોઝેબલ હાઇજિન પ્રોડક્ટ્સનું કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કરતી કંપની સ્વરા બેબીએ બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે.

આ આઈપીઓમાં રૂ. 2ની ફેસ વેલ્યૂ ધરાવતા ઇક્વિટી શેરના રૂ. 500 કરોડ સુધીના ફ્રેશ ઇશ્યૂ તેમજ રૂ. 2ની ફેસ વેલ્યૂ ધરાવતા ઇક્વિટી શેરના રૂ. 500 કરોડ સુધીની વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. વેચાણ માટેની ઓફર હેઠળ પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર તરીકે બ્રેઇનબીઝ સોલ્યુશન્સ લિમિટેડ રૂ. 300 કરોડ સુધીના અને અનાદ્યા બોન મર્ચરી એલએલપી રૂ. 200 કરોડ સુધીના રૂ. 2ની ફેસ વેલ્યૂ ધરાવતા ઇક્વિટી શેરનું વેચાણ કરશે.

કંપની આ ઇશ્યૂમાંથી પ્રાપ્ત થનારી ચોખ્ખી રકમમાંથી રૂ. 198.2 કરોડનો ઉપયોગ મધ્યપ્રદેશમાં નવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટેના મૂડી ખર્ચ માટે કરશે. ઉપરાંત કંપની દ્વારા લીધેલી કેટલીક લોનની સંપૂર્ણ અથવા આંશિક ચુકવણી અથવા પૂર્વચુકવણી માટે રૂ. 100 કરોડનો ઉપયોગ કરવામાં આવશે. કંપની તેની પેટાકંપનીઓ સોલિસ હાઇજિન, સ્વરા હાઇજિન અને કેએઈએચપીએલમાં રૂ. 27.5 કરોડનું રોકાણ કરશે. બુક રનિંગ લીડ મેનેજર્સ (બીઆરએલએમ) સાથેની ચર્ચા બાદ કંપની રૂ. 100 કરોડ સુધીનું પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ પણ હાથ ધરી શકે છે.

સ્વરા બેબીએ વર્ષ 2018માં બેબી ડાયપરના ઉત્પાદન સાથે કામગીરી શરૂ કરી હતી. કંપની બેબી કેર, એડલ્ટ ઇન્કોન્ટિનેન્સ અને મહિલાઓ માટેની હાઇજિન પ્રોડક્ટ્સના ક્ષેત્રમાં કાર્યરત છે.

ડીઆરએચપી અનુસાર, કંપની નાણાંકીય વર્ષ 2025 દરમિયાન મૂલ્યના આધારે ભારતની સૌથી મોટી હાઇજિન કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરર છે, જે બેબી ડાયપર, એડલ્ટ ડાયપર અને સેનિટરી નેપકિનનું ઉત્પાદન કરે છે.

કંપની મધ્યપ્રદેશના પિથમપુર અને ઇન્દોર ખાતે કુલ 24 એકર વિસ્તારમાં ફેલાયેલી ચાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સનું સંચાલન કરે છે. સમગ્ર ભારતમાં આવેલા વેરહાઉસનું નેટવર્ક પણ તેને ટેકો આપે છે. વર્ષ 2018થી કંપનીએ એક મેન્યુફેક્ચરિંગ લાઇનથી વધીને કુલ 20 મેન્યુફેક્ચરિંગ લાઇન્સ સુધીનો વિકાસ કર્યો છે.

નાણાંકીય વર્ષ 2026માં કંપનીની કામગીરીમાંથી આવક રૂ. 1,163.9 કરોડ રહી હતી, જે નાણાંકીય વર્ષ 2025માં રૂ. 942.97 કરોડ અને નાણાંકીય વર્ષ 2024માં રૂ. 749.96 કરોડ હતી. નાણાંકીય વર્ષ 2026માં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 95.58 કરોડ રહ્યો હતો, જ્યારે નાણાંકીય વર્ષ 2025માં તે રૂ. 80.67 કરોડ અને નાણાંકીય વર્ષ 2024માં રૂ. 93.97 કરોડ હતો. નાણાંકીય વર્ષ 2026માં કંપનીની એબિટા રૂ. 192.77 કરોડ રહી હતી, જે નાણાંકીય વર્ષ 2025માં રૂ. 162.719 કરોડ અને નાણાંકીય વર્ષ 2024માં રૂ. 153.58 કરોડ હતી. નાણાંકીય વર્ષ 2026માં બેબી ડાયપરમાંથી રૂ. 911.81 કરોડની આવક થઈ હતી, જે કુલ વેચાણના 79.06 ટકા જેટલી હતી. એડલ્ટ ઇન્કોન્ટિનેન્સ ડાયપરમાંથી રૂ. 185.35 કરોડની આવક થઈ હતી, જે કુલ વેચાણના 16.07 ટકા જેટલી હતી. જ્યારે મહિલાઓ માટેની હાઇજિન પ્રોડક્ટ્સમાંથી રૂ. 31.35 કરોડની આવક થઈ હતી, જે કુલ વેચાણના 2.72 ટકા જેટલી હતી. આ ત્રણ મુખ્ય પ્રોડક્ટ કેટેગરીમાંથી કુલ રૂ. 1,128.52 કરોડની આવક થઈ હતી, જે કુલ પ્રોડક્ટ વેચાણના 97.85 ટકા જેટલી હતી. નાણાંકીય વર્ષ 2026માં Cuddles બ્રાન્ડની પ્રોડક્ટ્સના વેચાણમાંથી રૂ. 204.184 કરોડની આવક થઈ હતી, જે કંપનીની બેબી ડાયપરમાંથી થતી કુલ આવકના 22.39 ટકા જેટલી હતી. જ્યારે Shield બ્રાન્ડના ઉત્પાદનોના વેચાણમાંથી રૂ. 38.45 કરોડની આવક થઈ હતી, જે એડલ્ટ ડાયપરમાંથી થતી કુલ આવકના 20.74 ટકા જેટલી હતી.

આ ઇશ્યૂ માટે જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ અને એવેન્ડસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ બુક રનિંગ લીડ મેનેજર્સ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)