ભારતની સૌથી લાંબી વિન્ડ ટર્બાઇન બ્લેડનું અદાણી વિન્ડે ઉત્પાદન શરું કર્યુ
અમદાવાદ, 17 નવેમ્બર: અદાણી એન્ટરપ્રાઇઝિસ લિ. ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિ. એ ગુજરાતના કચ્છના મુંદ્રામાંની સંકલિત ઉત્પાદન સુવિધામાં જમીન પર સ્થિત ૯૧.૨ મીટર લાંબી વિન્ડ ટર્બાઇન બ્લેડનું ઉત્પાદનનો આરંભ કર્યો છે. કંપનીએ વ્યાપારી ધોરણે ઉત્પાદનની મોકળાશ આપતા તેના MWL185-5.0 MW વિન્ડ ટર્બાઇન પ્લેટફોર્મ માટે પ્રમાણપત્ર પણ પ્રાપ્ત કર્યું છે.
ભારતમાં ઉત્પાદિત અત્યાર સુધીની ૯૧.૨ મીટર લાંબી આ સૌથી લાંબી વિન્ડ ટર્બાઇન બ્લેડ છે. MWL 185-5.0 MW પ્લેટફોર્મ માટે વિકસાવવામાં આવેલી ભારતમાં સૌથી મોટો રોટર વ્યાસ ૧૮૫ મીટર અને હબની ઊંચાઈ ૧૪૦ મીટર ધરાવતી આ બ્લેડનો ઉપયોગ ટર્બાઇનમાં થશે. સાડા ત્રણથી વધુ પ્રમાણભૂત ફૂટબોલ મેદાનોના ક્ષેત્રફળ સમકક્ષ આ રોટર લગભગ ૨૬,૬૦૦ ચોરસ મીટર જેટલો વિસ્તાર આવરી લે છે. આ MWL185-5.0 MW પ્લેટફોર્મ પવનની વિવિધ ગતિનો અસરકારક ઉપયોગ કરતું હોવાથી વીજળીનું ઉત્પાદન વધુ સ્થિર રહેવા સાથે ઉપલબ્ધ પવન સ્ત્રોતોનો શ્રેષ્ઠ ઉપયોગ ઉપરાંત એકંદરે ‘કેપેસિટી યુટિલાઇઝેશન ફેક્ટર‘ માં સુધારો થાય છે.
મુંદ્રામાં હાલ ૭૮.૬ મીટર અને ૮૦.૫ મીટરના માપની બ્લેડનું ઉત્પાદન કરવામાં આવે છે આ નવી બ્લેડ ઉત્પાદન થતી તેની શ્રેણીમાં વધારો કરે છે. ૯૧.૨ મીટર સુધીની ક્ષમતા હાંસલ કરવી એ બ્લેડની ડિઝાઈન, મટિરિયલ એન્જિનિયરિંગ, ઉત્પાદનની ચોકસાઈ અને તેને સંભાળવાની ક્ષમતામાં થયેલી નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે. આ સાથે આગામી પેઢીના વિન્ડ ટર્બાઇન માટે મોટા ઘટકોનું ઉત્પાદન કરવાની ભારતની ક્ષમતા વધુ મજબૂત બની છે.
અદાણી વિન્ડના મુખ્ય કારોબારી અધિકારી મિલિંદ કુલકર્ણીએ જણાવ્યું હતું કે ભારતની સૌથી લાંબી વિન્ડ ટર્બાઇન બ્લેડનું ઉત્પાદન કરવું અને ૫ મેગાવોટ ક્ષમતાના પ્લેટફોર્મ માટે પ્રમાણપત્ર મેળવવું એ અદાણી વિન્ડ તેમજ દેશના વિન્ડ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાટે એક મહત્વનું સીમાચિહ્ન છે.
ટર્બાઇનનું ઊર્જા ઉત્પાદન તેના રોટર દ્વારા આવરી લેવાતા ક્ષેત્રફળ,નિર્ધારિત ક્ષમતા, હબની ઊંચાઈ અને જે તે સ્થળે ઉપલબ્ધ પવન સંસાધનો પર આધારિત છે. આશરે ૧૮૫ મીટરના રોટર વ્યાસ અને લગભગ ૨૬,૬૦૦ ચોરસ મીટરના આવરી લેવાયેલા ક્ષેત્રફળ ધરાવતું ‘MWL185-5.0 MW’ પ્લેટફોર્મ પવનની ઓછી અને મધ્યમ ગતિ ધરાવતા સ્થળોએ ઊર્જાની પ્રાપ્તિમાં સુધારો કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. જેથી પવન ઊર્જાના પ્રકલ્પો માટે તકનીકી અને વ્યાપારી દૃષ્ટિએ વધુ સ્થળો વ્યવહારુ બની શકે છે.
જર્મનીની સ્વતંત્ર પવન ટર્બાઇન પરીક્ષણ અને પ્રમાણપત્ર સંસ્થાએ ગુજરાતના મુંદ્રામાં સ્થાપન સ્થળે પરીક્ષણ કર્યા બાદ અદાણી વિન્ડના ‘MWL185-5.0 MW’ પ્લેટફોર્મને માન્યતા આપી છે. અદાણી વિન્ડે તેના જર્મન ટેક્નોલોજી ભાગીદાર ‘W2E (Wind to Energy)ની સાથે મળી ‘MWL185-5.0’ નું નિર્માણ કર્યું છે. પવન ટર્બાઇનના ડિઝાઇન, પરીક્ષણ અને ઉત્પાદન માટેના આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય ‘IEC 61400’ શ્રેણીના ધોરણોનું પાલન કરે છે તે આ પ્રમાણપત્ર પુરાવો છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)

