માર્કેટમાં સતત વેચવાલીનું સાર્વત્રિક પ્રેશર નોઁધાયું છે. વૈશ્વિક શેરબજારોની સાથે સાથે નિફ્ટીમાં પણ શોર્ટટર્મ સેન્ટિમેન્ટ નબળું જણાય છે. ઉપરમાં 16400 પોઇન્ટની સપાટી હવે મહત્વની રેઝિસ્ટન્સ ગણાશે. હાલ મોટા બાઉન્સબેકની આશા ઠગારી નીવડી શકે છે. મિડિયમ ટર્મ ટ્રેન્ડમાં સપોર્ટ લેવલ 15400 ગણાવી શકાય. તે તૂટે તો માર્કેટ સેન્ટિમેન્ટ ઉપર મોટી પ્રતિકૂળ અસર પડવાની શક્યતા નકારી શકાય નહિં.

Bearish scenario in stock market with bear figure in front of red price drop chart.
  • SENSEX પેકની એકમાત્ર વિપ્રોને બાદ કરતાં 29 સ્ક્રીપ્સ ઘટી
  • તમામ સેક્ટોરલ્સમાં એકથી ચાર ટકા સુધીનો ઘટાડો નોંધાયો
  • નિફ્ટી 359 પોઇન્ટ તૂટી 15808, વધુ કરેક્શનની સંભાવના
  • 78.65 ટકા (2711) સ્ક્રીપ્સમાં ઘટાડો ટ્રેડેડ 3447 સ્ક્રીપ્સ પૈકી
  • 532 સ્ક્રિપ્ટમાં લોઅર સર્કિટ, 330 સ્ક્રિપ્ટ 52 સપ્તાહના તળિયે

બીએસઇ SENSEX ગુરુવારે પણ 1158.08 પોઇન્ટના ગાબડાં સાથે 53000 પોઇન્ટની સાયોકોલોજિકલ સપાટી ગુમાવી 52903.31 પોઇન્ટ બંધ રહ્યો તે પૂર્વે ઇન્ટ્રા-ડે ટ્રેડમાં એક તબક્કે 1386 પોઇન્ટના કડાકા સાથે 52702 પોઇન્ટ થઇ ગયો હતો. મે માસમાં અત્યારસુધીમાં SENSEX 4154 પોઇન્ટનું હેવી કરેક્શન નોંધાવી ચૂક્યો છે. તેના કારણે બીએસઇ માર્કેટકેપ રૂ. 26.08 લાખ કરોડના ધોવાણ સાથે રૂ. 240.90 લાખ કરોડની સપાટી સુધી નીચે ઉતરી ગયું છે. બીએસઇના વિવિધ સેક્ટોરલ્સ પણ ગુરુવારે એકથી ચાર ટકા સુધી તૂટવા સાથે કેટલાંક સેક્ટોરલ્સ તેમની 52 week નીચી સપાટી આસપાસ રમી રહ્યા છે.

એક તરફ રશિયા યુક્રેન વોરની સ્થિતિ વણસી રહી છે. તો બીજી તરફ વૈશ્વિક સ્તરે કાચામાલોની કિંમતો વધવા સાથે ફુગાવાનો દર વધવા ઉપરાંત સેન્ટ્ર બેન્કો ઉપર વ્યાજદર વધારો તોળાઇ રહ્યો છે. યુ.એસ.એ એપ્રિલમાં ગ્રાહક ફુગાવો 8.3 ટકા નોંધાવ્યો હતો, જે માર્ચના સ્તર કરતાં થોડો નીચો હતો પરંતુ ફેડરલ રિઝર્વના 2 ટકાના લક્ષ્યાંક કરતાં હજુ પણ વધુ હતો. આરબીઆઇએ પણ વધુ એક વ્યાજદર વધારા માટે સંકેત આપ્યો હોવાનું જાણકાર સૂત્રોમાં ચર્ચાઇ રહ્યું છે. સ્થાનિકમાં રિટેલ ફુગાવો વધી 7.79 ટકાની ઉંચી સપાટીએ પહોંચ્યો છે. આ તમામ કારણો વચ્ચે નિફ્ટીએ 15800 પોઇન્ટની મહત્વની ટેકનિકલી ટેકાની સપાટી પણ ગુમાવી છે. જેના કારણે બજારમાં હજુ કરેક્શન સંભવ હોવાનું નિષ્ણાતો દર્શાવી રહ્યાં છે. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો વધુ નબળો પડી 77.40 બંધ રહ્યો છે.

300 સ્ક્રીપ્સ 52 વીકની નીચી સપાટીએ

ગુરુવારે 300 સ્ક્રીપ્સ 52 વીકની નીચલી સપાટીએ સ્પર્શી ગઇ હતી. જેમાંની મોટાભાગની માર્કેટ ટીપ્સના આધારે થોડા સમય અગાઉ 52 વીક હાઇ સુધી સ્પર્શેલી હતી. જે દર્શાવે છે કે, મોટાભાગની સ્ક્રીપ્સમાં રોકાણકારોની મૂડીની મોકાણ થઇ ગઇ છે. તે પૈકી મહત્વની સ્ક્રીપ્સ જે 52 વીકની નીચી સપાટીએ સ્પર્શી ગઇ છે તેમાં, આરતી ડ્રગ્સ, આરતી ઇન્ડ, એલેમ્બીક લિ., અમરરાજા બેટરી, આશિમા, આસ્ટ્રા ઝેનેકા, અતુલ, બજાજ કોન., બજાજ ઇલે., બેન્ક ઓફ ઇન્ડિયા, બોશ, કેમ્પસ, સેન્ટ્રલ બેન્ક, સીએસબી બેન્ક, ગાયત્રી પ્રોજેક્ટ, ગ્લેક્સો, ગ્લેનમાર્ક, ગોદરેજદ ઇન્ડ, ગુડયર, હેથવે, એચડીએફસીએએમસી, એચઇજી, આઇઓબી, જેએન્ડકે બેન્ક, જ્યુબિલન્ટ ફુડ, મહારાષ્ટ્ર બેન્ક, મન્નાપુરમ, એમસીએક્સ, મધરસનસુમી, મુથુટ ફાઇ., નોકરી, એનબીસીસી, નેસ્લે, નિકમલ, પીએનબી, પીએનબી હાઉસિંગ, પોલિસીબજાર, પીએસબી, રાલીઝ, રામકો સિમેન્ટ, રામકો સિસ્ટમ, આરબીએલ, આરબીએલ બેન્ક, સનોફી, સાસ્કેન, શેલ્બી, તાતા કોમ, તાતા મેટાલિક, ટીબીઝેડ, ટોરન્ટ ફાર્મા, યુકો બેન્ક, વિજયા, વોલ્ટાસ, વાબગ, વેલ્સ્પનઇન્ડ, વર્લપૂલ, વિપ્રો, વોક્હાર્ટ વગેરેનો સમાવેશ થાય છે.

વિવિધ સેક્ટોરલ્સમાં ઘટાડો

સેક્ટોરલટકા
ફાઇનાન્સ3.14
ટેલિકોમ2.81
ઓટો2.03
બેન્ક3.14
કેપિટલ ગુડ્સ2.26
કન્ઝ્યુ. ડ્યુરે.2.63
મેટલ3.75
પાવર4.11
રિયાલ્ટી2.25
મિડકેપ2.24
સ્મોલકેપ1.96