નવી દિલ્હી

દેશની ટોચની વિન્ડ પાવર ઉત્પાદક સુઝલોન એનર્જીનો રૂ. 1200 કરોડનો રાઈટ્સ ઈશ્યૂ આજે ખૂલ્યો છે. રોકાણકારને 21 શેરદીઠ 5 શેર રાઈટ્સ ઈશ્યૂ હેઠળ ફાળવવામાં આવશે. જેની રેકોર્ડ ડેટ 4 ઓક્ટોબર હતી. 20 ઓક્ટોબરે ઈશ્યૂ બંધ થશે. કંપની વર્તમાન બંધ રૂ. 7.11 સામે ડિસ્કાઉન્ટે રૂ. 5ના ભાવે શેર ઈશ્યૂ કરશે.

240 કરોડ શેર્સનો રાઈટ્સ ઈશ્યૂ

સુઝલોન એનર્જી રાઈટ્સ ઈશ્યૂ હેઠળ વધારાના 240 કરોડ ઈક્વિટી શેર્સ ફાળવશે. પાર્ટલી પેઈડ અપ શેર્સ હોવાથી રોકાણકારે અરજી વખતે શેરદીઠ રૂ. 2.50 અને કોલ પર રૂ.2.50 ચૂકવવાના રહેશે. 4 ઓક્ટોબર તેની રેકોર્ડ ડેટ હતી. 31 ઓક્ટોબરે કંપની રાઈટ્સ ઈશ્યૂના શેર્સ એલોટ કરશે.

આઠ વર્ષમાં દેવામુક્ત બનવાનો લક્ષ્યાંક

કંપની પોતાના દેવામાં સતત ઘટાડો કરી રહી છે. આગામી આઠ વર્ષમાં તે સંપૂર્ણપણે દેવા મુક્ત બનવાનો લક્ષ્યાંક ધરાવે છે. હાલ રૂ. 3200 કરોડનું દેવુ છે. જેમાં રાઈટ્સ ઈશ્યૂ મારફત એકત્રિત ફંડમાંથી રૂ. 900 કરોડ બાકી દેવાની ચૂકવણી માટે કરશે. જેથી કુલ દેવુ ઘટી રૂ. 1800-2000 કરોડ આસપાસ થશે. ત્રણથી ચાર વર્ષ પહેલાં કંપનીનું બાકી દેવુ રૂ. 13 હજાર કરોડ હતું. જેમાં સતત ઘટાડો કરી રહી છે.

કંપનીમાં ઉત્પાદન કે ઓર્ડરની અછત નહીં પરંતુ ફાઈનાન્સની અછત

સુઝલોન એનર્જીના સર્વિસીસ ડિવિઝનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ઈશ્વરચંદ મંગલે જણાવ્યું હતું કે, “કંપની ઉત્પાદન, ટેક્નોલોજી કે સેવાની ક્ષમતા કે ઓર્ડરની અછત જેવા પડકારોનો સામનો કરી રહી નથી. અમારી રૂ. 2000 કરોડની કુલ આવકમાંથી રૂ. 1,800 કરોડ સર્વિસિઝમાંથી આવે છે. કંપની ફાઈનાન્સની સમસ્યા અનુભવી રહી છે. સન ફાર્માના ફાઉન્ડર દિલિપ સંઘવી પણ આ રાઈટ્સ ઈશ્યૂમાં ભાગ લેવાના છે.

સુઝલોનનો શેર બીએસઈ ખાતે 7.06 ટકા તૂટી 7.11 પર બંધ રહ્યો હતો. સોમવારના બંધ 7.65 સામે આજે ઘટાડે 7.63 ખૂલ્યા બાદ ઈન્ટ્રા ડે હાઈ 7.65 રહ્યો હતો. ઈન્ટ્રા ડે 7.06 હતો.