અમદાવાદ, 12 ઓક્ટોબરઃ તહેવારોની શરૂઆત સાથે ગૃહિણીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. સપ્ટેમ્બર માસમાં મોંઘવારી ઘટી 3 માસના તળિયે પહોંચી છે. શાકભાજી અને ખાદ્યચીજોના ભાવ ઘટતાં રિટેલ ફુગાવો આરબીઆઈની મર્યાદામાં 5.2 ટકા નોંધાયો છે.

સરકારી આંકડાઓ અનુસાર, સીપીઆઈ આધારિત રિટેલ ફુગાવો ઓગસ્ટમાં 6.83 ટકા હતો. જે ઘટી સપ્ટેમ્બરમાં 5.2 ટકા થયો છે. જો કે, ફૂડ ઈન્ફ્લેશન સપ્ટેમ્બરમાં 6.56 ટકા રહેતાં મોંઘવારીનો દર વધવાની ભીતિ અર્થશાસ્ત્રીઓએ અનુભવી છે. ઓગસ્ટમાં ફૂડ ઈન્ફ્લેશન 9.94 ટકા હતો. ગત મહિને શાકભાજીના ફળોના ભાવમાં મોટાપાયે ઘટાડો જોવા મળ્યો છે. જે ઓગસ્ટમાં 26.14 ટકા સામે ઘટી સપ્ટેમ્બરમાં 3.39 ટકા થયો છે. અનાજમાં ફુગાવો 11.85 ટકા સામે ઘટી 10.95 ટકા નોંધાયો છે.

સપ્ટેમ્બરના ફુગાવાના આંકડા આરબીઆઈના સપ્ટેમ્બર ત્રિમાસિક માટેના 6.4 ટકાના અંદાજને અનુરૂપ રહ્યા છે. જો કે, અસમાન ચોમાસું, કઠોળ અને તેલીબિયાં જેવા નિર્ણાયક ખરીફ પાકોની વાવણીમાં વિલંબ અને સાધારણ જળાશયનું સ્તર ખાદ્ય ફુગાવાના દૃષ્ટિકોણ માટે સારું ન હોવાનું ICRAના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરે નોંધ્યું હતું.

નાયરના મતે હેડલાઇન રિટેલ ફુગાવો આવતા વર્ષે જૂન સુધી વ્યાપક શ્રેણીમાં અસ્થિર રહેશે. જો કે, આરબીઆઈ દ્વારા મોનેટરી પોલિસીમાં આકરૂ વલણ લેવાનો કોઈ સંકેત જણાતો નથી, 2022-23માં પોલિસી રેપો રેટમાં 250 બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યા પછી 2023-24માં દરો પર રોક લગાવી દીધી છે.