સોડા એશની માંગને પૂરી કરવા ગ્રીન એનર્જી અને ઈ-મોબિલિટી પર સવિશેષ ધ્યાન અપાય છે
અમદાવાદ, 22 મે: ભારતમાં ગ્રીન એનર્જીને અપનાવવા પર સવિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું હોવાથી ભારત અને ગુજરાતમાં આવેલા સોડા એશના સમૃદ્ધ ઉદ્યોગને નવેસરથી પ્રોત્સાહન મળશે. ક્લીન એનર્જી અને ઇલેક્ટ્રિક મોબિલિટી જેવા સેક્ટરોના ઉદયને કારણે સોડા એશનો હાલમાં જે ઉપયોગ છે, તે સિવાય પણ ભારતમાં અને સમગ્ર વિશ્વમાં તેની માંગમાં વધારો થશે. ક્લીન એનર્જીના ક્ષેત્રના ઉદયને કારણે ભારતની સોડા એશની માંગમાં આમૂલ પરિવર્તન આવવા જઈ રહ્યું છે, કારણ કે, હાલમાં દેશમાં અંદાજિત 70% સોડા એશનો વપરાશ ગ્લાસ અને ડીટર્જન્ટ જેવા પરંપરાગત ઉદ્યોગોમાં થઈ રહ્યો છે, જેના ઉપયોગમાં હવે સોલર ઇન્સ્ટોલેશનો તેમજ ઈ-મોબિલિટી પહેલને કારણે પણ વધારો થવા જઈ રહ્યો છે.
13 ગીગાવૉટ (GW)ની નવી ક્ષમતા સ્થાપિત થવાથી કેલેન્ડર વર્ષ 2022માં દેશના સોલર ઇન્સ્ટોલેશને નવી ઊંચાઈ હાંસલ કરી છે. તેના કારણે ભારતની કુલ સ્થાપિત ક્ષમતા 63 ગીગાવૉટ પર પહોંચી ગઈ છે. ભારતે વર્ષ 2030 સુધીમાં સૌર ઊર્જા પેદા કરવા માટે 300 ગીગાવૉટ સ્થાપિત ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્યાંક નિર્ધારિત કર્યું છે. તેથી આગામી આઠ વર્ષોમાં સમગ્ર દેશમાં વધુ 237 ગીગાવૉટ ઇન્સ્ટોલ થવાની સંભાવના છે. વિશ્વમાં સૌર ઊર્જાનું ક્ષેત્ર પ્રતિ વર્ષ 20%ના દરે વિકસી રહ્યું છે, જેના કારણે વર્ષ 2031 સુધીમાં વિશ્વની સ્થાપિત ક્ષમતા 6 ટેરાવૉટ (TW) પર પહોંચી જશે, જે ક્ષમતાના સંદર્ભમાં વિશ્વમાં કોલસા, ગેસ, પરમાણુ અને હાઇડ્રો પાવરની કુલ સંયુક્ત ક્ષમતાથી પણ વધારે હશે.
તો બીજી તરફ, કાઉન્સિલ ઑન એનર્જી, એન્વાર્યમેન્ટ એન્ડ વૉટર (CEEW)ની પહેલ CEEW સેન્ટર ફૉર એનર્જી ફાઇનાન્સ દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસ ‘ગ્રીનિંગ ઇન્ડિયાઝ ઑટોમોટિવ સેક્ટર’માં જણાવાયું છે કે, નાણાકીય વર્ષ 2022-2023માં ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોએ 10 લાખનું સીમાચિહ્ન પાર કરી લીધું છે. ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગમાં વધારો થશે એ નક્કી છે.
જીએચસીએલના મેનેજિંગ ડિરેક્ટર આર. એસ. જલાનએ જણાવ્યું કે, ‘ભારતના ક્લીન એનર્જી રૂપાંતરણ માટે જરૂરી હોય તેવા ઘટકોનું ઉત્પાદન કરવા માટે સોડા એશ એ મહત્ત્વની કાચી સામગ્રી છે. 4.3 મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ (MMTPA)ની વર્તમાન માંગની સાથે ભારત તેની કુલ માંગની લગભગ 20% માંગને સંતોષવા માટે સોડા એશની ચોખ્ખી આયાત કરે છે અને તેના ઉત્પાદનનું સ્તર 3.6 MMTPAએ જળવાઈ રહેશે. સૌર, ફ્લુ ગેસની ટ્રીટમેન્ટ અને લિથિયમ આયન બેટરીઓ જેવા ક્લીન એનર્જીના ઉપયોગોમાં વધારો થઈ રહ્યો હોવાને કારણે સોડા એશની માંગમાં વાર્ષિક 5%નો વધારો થયો છે, જે વધીને વાર્ષિક 6.5%થી 7% થવાનો અંદાજ છે. તેના ઉત્પાદનને દર વર્ષે 2.5થી 3 લાખ મેટ્રિક ટનના દરે વધારવું પડશે, જેથી કરીને સોડા એશની વધી રહેલી માંગને પૂરી કરી શકાય.’
દેશમાં કુલ ઉત્પાદિક સોડાએશમાંથી 95 ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે
જલાનએ આગળ ઉમેર્યું હતું કે, ‘વિશ્વમાં સોડા એશનું ઉત્પાદન અને માંગ 65 MMTPA છે અને ભારત સમગ્ર વિશ્વમાં વપરાતા કુલ સોડા એશના અંદાજે 5.5%નું ઉત્પાદન કરે છે. વળી, ભારતમાં ઉત્પાદિત કુલ સોડા એશમાંથી લગભગ 95%નું ઉત્પાદન ગુજરાતમાં થાય છે. ગુજરાત રાજ્ય છેલ્લાં નવ દાયકાથી સોડા એશના ઉત્પાદનના સમૃદ્ધ ઉદ્યોગનું કેન્દ્ર રહ્યું છે, જે ભારતમાં સોડા એશના ઉત્પાદનની કુલ ક્ષમતાની 95% ક્ષમતા ધરાવે છે. ઉદ્યોગ ભારતમાં 22,000 લોકો માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન કરે છે.
જીએચસીએલનો કચ્છમાં 5 લાખ 5 લાખ MTPA ક્ષમતા ધરાવતો નવો પ્લાન્ટ
જીએચસીએલએ ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં 5 લાખ MTPA ક્ષમતા ધરાવતા નવા પ્લાન્ટના સ્વરૂપમાં એક ગ્રીનફીલ્ડ પ્રોજેક્ટની પણ જાહેરાત કરી છે, જેમાં તેણે રૂ. 4,000 કરોડનું રોકાણ કર્યું છે.