ગાજ્યા મેહ વરસ્યા નહિં. એલઆઇસીના મેગા આઇપીઓને રોકાણકારોએ તો વધાવી લીધો, પરંતુ એલઆઇસીના શેરે લિસ્ટિંગથી અત્યારસુધીમાં ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 89/104નું ધોવાણ નોંધાવ્યું છે. જેના કારણે સામાન્ય રોકાણકાર વર્ગ કે જે પ્રાઇમરી માર્કેટ મારફત સેકન્ડરી માર્કેટમાં પ્રવેશીને થોડું ઘણું કમાઇ લેતો હતો તેની મૂડી સલવાઇ ગઇ છે. અધૂરામાં પૂરું અને બળતામાં ઘી હોમતાં હોય તેમ ઇશ્યૂ વખતે ગાજરની પીપૂડી વગાડીને અને ગ્રે માર્કેટમાં તગડાં પ્રિમિયમના આંકડાઓ રજૂ કરનારા માર્કેટ પંડિતો અને નિષ્ણાતો હવે એવી આગાહી કરી રહ્યા છે કે, આ શેર હજી બીજાં 5-7 ટકા ઘટી શકે છે. ખેર!…. એક બ્રોકરેજ હાઉસે તો આ શેરને એલિફન્ટ શેર કહ્યો છે અને એવું જણાવે છે કે, તે માર્કેટની સાથે હેવી ડાન્સ કરી શકે નહિં. વાત પણ સાચી છે. એક તો સરકારી કંપનીને ઉપરથી હેવી ઇક્વિટીનું વજન… ! રોકાણકારોએ ભાર વેંઢાર્યે જ છૂટકો છે…

LIC IPO લિસ્ટિંગથી તા. 3 જૂન સુધીમાં કોને કેટલું નુકસાન

વિગતઇશ્યૂ પ્રાઇસછેલ્લો બંધલોસ(રૂ.)
પોલિસી હોલ્ડર889.00800.00-89.00
રિટેલ પ્રાઇસ904.00800.00-104.00
જનરલ ઇશ્યૂ949.00800.00-149.00

માર્કેટકેપની દ્રષ્ટિએ એલઆઇસી 5માં ક્રમેથી ગગડી 7 માં ક્રમે

લિસ્ટિંગ સાથે રૂ. 5.54 લાખ કરોડના માર્કેટકેપ સાથે પાંચમાં સ્થાને રહેલો એલઆઇસીનો શેર તા. 3 જૂનના રોજ રૂ. 5.06 લાખ કરોડના માર્કેટકેપ સાથે ગગડીને 7માં ક્રમે પહોંચ્યો છે.

કંપની17 May (રૂ. લાખ કરોડ)3 June (રૂ. લાખ કરોડ)
RIL171.2018.80
TCS12.6312.58
HDFC બેન્ક7.297.66
ઇન્ફોસિસ6.396.40
HUL5.275.38
ICICICI4.935.17
LIC5.545.06
SBI4.174.14
HDFC3.974.13
ભારતી એર.3.883.77

લિસ્ટેડ લાઇફ- હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓની ઇશ્યૂ પ્રાઇસ સામે સ્થિતિ

બીએસઇ ખાતે લિસ્ટેડ લાઇફ- હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓના શેર્સ પૈકી એક માત્ર એલઆઇસીનો શેર હાલ 15.67 ટકા નેગેટિવ રિટર્ન દર્શાવી રહ્યો છે. પરંતુ અન્ય ચાર કંપનીઓના શેર્સમાં જે શેરધારકોએ હોલ્ડિંગ જાળવી રાખ્યું હોય તેમને 63- 108 ટકા સુધીનું રિટર્ન છૂટી રહ્યું છે.

કંપનીઇશ્યૂ પ્રાઇસછેલ્લો+/-%52W હાઇ52W લોMCap Rs cr
LIC India949.00800.00-15.67949.00800.00506157.94
HDFC Life311.00602.75108.00775.65497.30127365.51
SBI Life700.001141.0063.011,293.00956.85114149.91
ICICI Pru.334.00549.0064.3724.50430.0079056.06
ICICI Lom661.001218.8584.391674.001192.0059840.86