Sensex છ ટ્રેડિંગ સેશનમાં ઓલટાઈમ હાઈથી 2000 પોઈન્ટ તૂટ્યો, કોચીન શિપયાર્ડ ટોપ ગેઈનર
Cochin Shipyard શેર વર્ષમાં બમણો વધ્યો
1 માસ | 22 ટકા |
1 વર્ષ | 150 ટકા |
2023 | 97 ટકા |
અમદાવાદ, 26 સપ્ટેમ્બરઃ વૈશ્વિક બજારોની વોલેટિલિટી અને એફઆઈઆઈની વેચવાલીના પગલે આજે ફરી શેરબજારો નેગેટિવ ઝોનમાં બંધ રહ્યા હતાં. આ સાથે સેન્સેક્સ છ ટ્રેડિંગ સેશનમાં તેની ઓલટાઈમ હાઈ સપાટી 67927.23 સામે 2061.60 પોઈન્ટ તૂટી ઈન્ટ્રા ડે 65865.63ની લો સપાટીએ પહોંચ્યો હતો. આજે સેન્સેક્સ આજે 78.22 પોઈન્ટ ઘટી 65945.47 અને નિફ્ટી 9.85 પોઈન્ટ ઘટી 19664.70 પર બંધ રહ્યો હતો.
15 સપ્ટેમ્બરે સેન્સેક્સ અને નિફ્ટીએ ઓલટાઈમ હાઈ સપાટી નોંધાવ્યા બાદ પ્રોફિટ બુકિંગનું જોર વધ્યું છે. એફઆઈઆઈએ સપ્ટેમ્બર માસમાં ગઈકાલ સુધીમાં નેટ 20594.42 કરોડની વેચવાલી નોંધાવી છે. જેની સામે ડીઆઈઆઈએ 13748.65 કરોડની લેવાલી નોંધાવી છે. બીજી બાજુ સેબીએ એસએમઈ શેરોની તેજીને જોતાં સટ્ટાકીય તત્વોનું જોર વધ્યું હોવાના અંદાજ સાથે તેને એએસએમની ફ્રેમવર્કમાં મુકવા એક્સચેન્જીસને સૂચના આપી હોવાથી એસએમઈ ઈન્ડેક્સ 1133.58 પોઈન્ટ તૂટ્યો હતો. જેમાં લિસ્ટેડ 41 એસએસઈ શેરો આજે 20 ટકા સુધી તૂટ્યા હતા.
કોચિન શિપયાર્ડનો શેર સપ્ટેમ્બરમાં 41 ટકા વધ્યો
છેલ્લા કેટલાક સમયથી પીએસયુ શેરોમાં તેજી જોવા મળી રહી છે. જેમાં કોચિન શિપયાર્ડનો શેર ટોપ ગેઈનર પૈકી એક છે. સપ્ટેમ્બર માસમાં કોચિન શિપયાર્ડનો શેર 40.50 ટકા વધી 1258ની વાર્ષિક ટોચ નોંધાવી છે. આજના બંધ 1092.45 સામે 22 ટકા રિટર્ન આપી રહ્યો છે. જે 31 ઓગસ્ટે 895.34ની સપાટીએ બંધ રહ્યો હતો.
વૈશ્વિક શેરબજારોની વોલેટિલિટી અને વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલીના પગલે રોકાણકારોની વેઈટ એન્ડ વોચ નીતિના કારણે સ્થાનિક સ્તરે માર્કેટ ફ્લેટ રહ્યું હતું. વર્તમાન કરેક્શન તથા લાર્જ-મિડકેપ શેરોની તુલનાએ સ્મોલકેપ શેરોમાં વોલ્યૂમ વધ્યા હતા. ફેડ દ્વારા વ્યાજદરમાં વધારાની ભીતિ અને ખર્ચમાં ઘટાડો થવાની ભીતિ સાથે આઈટી ઈન્ડેક્સ ઘટ્યો છે. – વિનોદ નાયર, રિસર્ચ હેડ, જિયોજીત ફાઈ. સર્વિસિઝ