યુએન રિપોર્ટ અનુસાર, ભારતની સાત ટકાથી વધુ વસ્તી ડિજિટલ ચલણની માલિકી ધરાવે છે, જેણે જણાવ્યું હતું કે કોવિડ-19 રોગચાળા દરમિયાન વૈશ્વિક સ્તરે ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ અભૂતપૂર્વ દરે વધ્યો છે. વિકાસશીલ દેશોની ટોચના 20 અર્થતંત્રમાંથી 15 ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ ધરાવે છે. 2022ની શરૂઆતમાં 11 કરોડ ક્રિપ્ટો યુઝર્સ ભારતમાં હોવાનો અહેવાલ હતો. જે હાલ વધી 15 કરોડ થયા હોવાનો અંદાજ છે.

પીટીઆઈ નવી દિલ્હી

UN વેપાર અને વિકાસ સંસ્થા UNCTAD એ જણાવ્યું હતું કે 2021માં, વિકાસશીલ દેશોનો હિસ્સો ટોચની 20 અર્થવ્યવસ્થાઓમાંથી 15 અર્થવ્યવસ્થા ક્રિપ્ટો કરન્સીની માલિકી ધરાવે છે.  જેમાં યુક્રેન 12.7 ટકા સાથે ટોચ પર છે, ત્યારબાદ રશિયા (11.9 ટકા), વેનેઝુએલા (10.3 ટકા), સિંગાપોર (9.4 ટકા), કેન્યા (8.5 ટકા) અને યુએસ (8.3 ટકા) છે.

ભારતમાં 7.3 ટકા વસ્તી 2021થી ડિજિટલ કરન્સીની માલિકી ધરાવે છે. જે વસ્તીના હિસ્સા તરીકે ડિજિટલ કરન્સીની માલિકી માટે ટોચની 20 વૈશ્વિક અર્થવ્યવસ્થાઓની યાદીમાં સાતમા ક્રમે છે. UNCTAD એ જણાવ્યું હતું કે વિકાસશીલ દેશો સહિત, COVID-19 રોગચાળા દરમિયાન ક્રિપ્ટોકરન્સીનો વૈશ્વિક સ્તરે ઉપયોગ ઝડપથી વધ્યો છે.

આ ખાનગી ડિજિટલ કરન્સીએ કેટલાકને રિટર્ન આપી રાતોરાત ધનવાન બનાવ્યા છે. તો કેટલાકની ઘરવખરી સુદ્ધા વેચાવી દીધી હોવાના અહેવાલો છે. રેમિટન્સની સુવિધા આપી છે, તે એક અસ્થિર નાણાકીય સંપત્તિ હોવાથી સામાજિક અને આર્થિક જોખમો અને ખર્ચનો બોજો વધુ છે. યુએનના રિપોર્ટ ઓલ ધેટ ગ્લિટર્સ ઈઝ નોટ ગોલ્ડ અનુસાર, ઉંચી વોલેટિલિટી ધરાવતી ક્રિપ્ટોકરન્સીને વિકાસશીલ સહિત મોટાભાગના દેશોએ ઉંચા રેમિટન્સ, ફુગાવાના જોખમો સામે હેજ ફંડિંગ, અને કરન્સી તરીકે ઝડપથી અપનાવી રહ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે બજારમાં તાજેતરના ડિજિટલ કરન્સીના આંકડાઓ સૂચવે છે કે ક્રિપ્ટો હોલ્ડ કરવા માટે ખાનગી જોખમો વધુ છે, પરંતુ જો કેન્દ્રીય બેન્કો નાણાકીય સ્થિરતાની સુરક્ષા માટે ક્રિપ્ટો માટે યોગ્ય પગલાં નહીં લે તો સમસ્યા વધવાની ભીતિ છે.