• 15 ગુજરાતી એસએમઈએ 233 કરોડ એકત્ર કર્યાં
  • 100થી એસએમઈ આઈપીઓ પાઈપલાઈનમાં
  • ગત નાણા વર્ષમાં 5 IPO હેઠળ 48 કરોડ એકત્રિત

કોરોના મહામારી બાદથી આર્થિક ભીંસમાં આવેલી એમએસએમઈ બિઝનેસ કરવા માટે ફંડ એકઠું કરવુ વિવિધ માધ્યમો અપનાવી રહી છે. ત્યારે ગુજરાતના નાના અને લઘુ ઉદ્યોગો આઈપીઓ મારફત બજારમાંથી નાણાં ઉઘરાવી રહ્યાં છે. 2021-22માં ગુજરાતનું એસએમઈ આઈપીઓ ફંડિંગ ચાર ગણું વધ્યું છે. 2021-22માં ગુજરાતની 15 એસએમઈએ આઈપીઓ લાવી બજારમાંથી રૂ. 233.89 કરોડનું ફંડ એકત્રિત કરવામાં સફળ રહી છે. 2020-21માં ગુજરાતની માત્ર 5 એસએમઈએ આઈપીઓ દ્વારા રૂ. 47.89 કરોડ એકત્રિત કર્યા હતાં. ગત નાણાકીય વર્ષમાં રૂ. 1030.59 કરોડના કુલ 71 એસએમઈ આઈપીઓ યોજાયા હતાં. જેમાં મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ એસએમઈએ લિસ્ટિંગ કરાવ્યું હતું. એસએમઈ આઈપીઓ મામલે દિલ્હી બીજા અને 15 આઈપીઓ સાથે ગુજરાત ત્રીજા ક્રમે રહ્યું હતું. આગામી નાણાકીય વર્ષમાં અંદાજિત 129થી વધુ એસએમઈ આઈપીઓ પાઈપલાઈનમાં છે. જેમાં ગુજરાતી એસએમઈનો હિસ્સો 40 ટકા આસપાસ છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યારસુધી રૂ. 390.14 કરોડના 24 આઈપીઓ યોજાઈ ચૂક્યા છે. જેમાં ગુજરાતના આઠ આઈપીઓ સમાવિષ્ટ છે. જે એસએમઈ આઈપીઓ માર્કેટમાં 30 ટકા હિસ્સો દર્શાવે છે.

રિટર્ન આપવામાં એસએમઈ 50-50

કોવિડ બાદથી આઈપીઓ માર્કેટમાં જોવા મળેલી તેજીના ઘોડાપુરમાં તમામ પ્રકારની કંપનીઓ તકનો લાભ લેવા તત્પર બની છે. જો કે, રિટર્ન આપવા મામલે ગુજરાતની એસએમઈમાં 50-50 વલણ જોવા મળ્યું છે. 1 એપ્રિલ, 2021થી 31 માર્ચ, 2022 દરમિયાન ગુજરાતના લિસ્ટેડ 14 એસએમઈ આઈપીઓમાંથી 1ને બાદ કરતાં 6માં સરેરાશ 15.28 ટકા પોઝિટીવ રિટર્ન, જ્યારે અન્ય 7માં સરેરાશ 35.44 ટકા નેગેટીવ રિટર્ન છૂટી રહ્યું છે. બાયોફ્યુલ ઉત્પાદક કોટયાર્કમાં ઈશ્યૂ પ્રાઈસ રૂ. 51 સામે 364.5 બંધ સાથે પાંચ મહિનામાં જ સૌથી વધુ 614.71 ટકા રિટર્ન નોંધાયુ છે. બીજી બાજુ આશ્કા હોસ્પિટલમાં રોકાણકારોની મૂડી અડધી અર્થાત 56.61 ટકા ઘટી છે.

આઈપીઓ પર્ફોર્મન્સ એટ અ ગ્લાન્સ

આઈપીઓ                 પ્રાઈસ              બંધ          +/-%

કોટયાર્ક ઈન્ડ.             51           365         +614.71

ફોકસ બિઝનેસ            19           31           +65.53

રાજેશ્વરી કેન્સ             20           21.9         +9.5

આશ્કા હોસ્પિટલ્સ         121          53           -56.61

વલપુર ન્યુટ્રિશિયન્સ      55           29           -48.55

ભાટીયા કલર             80           44           -45.63

250થી કંપનીઓ વેનેશિંગ કેટેગરીમાં સામેલ

છેલ્લા બે વર્ષમાં મોટાભાગના તમામ આઈપીઓએ લિસ્ટિંગ દરમિયાન મૂડીમાં 20થી 100 ટકા સુધી રિટર્ન આપતાં રોકાણકારોમાં આઈપીઓ ક્રેઝ છવાયો છે. કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા જારી રિપોર્ટ મુજબ, 238થી વધુ લિસ્ટેડ કંપનીઓને વેનેશિંગ કેટેગરીમાં મૂકાઈ છે. જે આઈપીઓ મારફત રોકાણકારોની મૂડી લઈ નાસી ગઈ છે. જેના કોઈ ઠામ-ઠેકાણાં નથી. એમસીએની યાદીમાં ગુજરાતની 40 જેટલી કંપનીઓ વેનિશ્ડ કંપનીની યાદીમાં સામેલ છે. જેથી રોકાણકારે તમામ પાસા ચકાસી રોકાણ કરવા સલાહ છે.