અમેરિકામાં મોંઘવારી 40 વર્ષની ટોચે પહોંચી છે. સમાન્ય નાગરિક મોંઘવારીથી ત્રસ્ત થયો છે. જ્યારે બીજી બાજુ રોકાણકારો માટે તે આશાનું કિરણ બની છે. અમેરિકન સરકાર દ્વારા જારી કરવામાં આવેલા ઈન્ફ્લેશન બોન્ડ ખરીદનારને હાલ 9.62 ટકા વ્યાજ મળી રહ્યુ છે. જ્યારે 2001ની શરૂઆતમાં ખરીદેલા આ બોન્ડ પર 13 ટકા વ્યાજ છૂટ્યુ છે. અમેરિકાના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટની જાહેરાત મુજબ, ઓક્ટોબરના અંત સુધી જારી થનારા ઓછા જોખમના ફેડરલ સેવિંગ્સ બોન્ડ છ માસ સુધી 9.62 ટકા રિટર્ન આપશે.

પ્રથમ વખત આઈ-બોન્ડમાં આટલુ વધુ વ્યાજ મળી રહ્યુ છે. આ દર જૂના બોન્ડ પર પણ લાગૂ થશે. 1998માં શરૂ થયેલા આ બોન્ડ પર અત્યારસુધીનો સૌથી વધુ ફુગાવો જોવા મળ્યો છે. અર્થાત આ બોન્ડ સામાન્ય રીતે જારી થતા ફેડરલ સેવિંગ એકાઉન્ટ અથવા ડિપોઝિટ સર્ટિફિકેટની તુલનાએ અનેકગણુ રિટર્ન આપી રહ્યા છે. જુના બોન્ડ પર પણ રોકાણકારને ડબલ ડિજિટમાં રિટર્ન મળી રહ્યુ છે. એક બાજુ અમેરિકાની ડિપોઝિટના વ્યાજદરો નજીવા અર્થાત શૂન્યની નજીક છે. એવામાં અમેરિકાના આ આઈ બોન્ડ ખરીદદારોને રિટર્ન ઉપરાંત ટેક્સમાં છૂટ જેવા લાભો મળી રહ્યા છે. જેમ જેમ ફુગાવામાં વધારો થશે તેમ ઈન્ફ્લેશન બોન્ડમાં વ્યાજની રકમ વધવાનો આશાવાદ છે.