વૈશ્વિક સોનું 0.6% વધી $1,817 પ્રતિ ઔંસ, ભારતમાં વૃદ્ધિ 6.9%
- હેજિંગથી બચવા સોનાની માગ જળવાઈ રહેશે, માર્કેટમાં તેજી વધશે
શેર બજાર, કોમોડિટી તથા ક્રિપ્ટો માર્કેટ સહિત વિવિધ રોકાણ માધ્યમોમાં રોકાણકારોએ ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ છ માસ મંદીનો સામનો કર્યો છે. જે આગામી છ માસમાં પણ આવા અનેક પડકારોનો સામનો કરવો પડશે તેવું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલમાં જણાવાયું છે. અહેવાલમાં વધુમાં જણાવ્યું છે કે, વધતા વ્યાજ દરો, ફુગાવો અને જિઓ-પોલિટિકલ ક્રાઈસિસથી જોખમો વધ્યા છે. જેથી હેજિંગથી બચવા બજારમાં સોનાની માંગ યથાવત રહેવાનો આશાવાદ છે. તેનાથી વિપરીત, શેરબજાર અને ડેટ માર્કેટ અંડરપરફોર્મ રહેવાની ભીતિ પણ દર્શાવી છે.
વિશ્વભરમાં વધતા વ્યાજ દરો નજીકના ગાળામાં સોના માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. પરંતુ સોનાના બજારે તેની અસર પહેલાથી જ અનુભવી લીધી છે. શુક્રવારે જાહેર કરાયેલા 2022ના બીજા છમાસિક આઉટલૂકમાં કાઉન્સિલે જણાવ્યું હતું કે પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન વૈશ્વિક બજારમાં સોનું 0.6% વધીને $1,817 પ્રતિ ઔંસ પર બંધ થયું હતું. ભારતીય બજારમાં આ વૃદ્ધિ 6.9% રહી છે. જે બીજા અર્ધવાર્ષિકમાં તે ઝડપથી વધી શકે છે.
2022: ઈટીએફમાં 242 ટન સોનાની આવક નોંધાઇ
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આંકડાઓ મુજબ, સોના પ્રત્યે રોકાણકારોનો વિશ્વાસ અને આકર્ષણ વધ્યુ હોવાનો સંકેત ગોલ્ડ ઈટીએફ પરથી મેળવી શકાય છે. આ વર્ષે અત્યારસુધીમાં ગોલ્ડ ઈટીએફ મારફત 242 ટન સોનાની આવક થઈ છે. ફિઝિકલના બદલે ઈટીએફ મારફત સોની ખરીદી આગામી સમયમાં વધી શકે છે.
મોંઘવારી વધતાં સોનાની ચમક વધી
ઐતિહાસિક રીતે ફુગાવામાં વૃદ્ધિના કારણે અત્યારસુધી સોનાની ચમક જળવાઈ રહી છે. અમેરિકામાં ફુગાવો 3%થી વધતાં સોનાની કિંમતમાં સરેરાશ 14%નો વધારો જોવા મળ્યો હતો. જ્યારે ફુગાવો 5%થી વધ્યો, ત્યારે સોનાના ભાવમાં સરેરાશ 22.5%નો વધારો થયો હતો. અત્યારે મોંઘવારી દર 8% છે, પરંતુ તેની સાથે વ્યાજદરમાં તીવ્ર વધારાને કારણે સોનાની ચમક જોઈએ તેટલી વધી નથી.